Sun Jun 07 2026

Logo

વલો કચ્છ:લાખો ગોવંશના મોક્ષાર્થે લોખંડ-પ્લાસ્ટિક વગરનો અનોખો વેદલક્ષણા ગો યાગ

2026-06-07 09:18:00
Author: Giriraj
Article Image

 

 

 

- ગિરિરાજ

 

કચ્છની ધરતી માત્ર ભૌગોલિક વૈવિધ્યથી જ ભરેલી નથી, પરંતુ તેની તાસીરમાં સંસ્કાર, ધર્મ અને સામાજિક સમરસતા વણાયેલાં છે. જ્યારે-જ્યારે સમાજ કે પ્રકૃતિ પર કોઈ સંકટ આવ્યું છે ત્યારે આ સ્નેહાળ ધરાએ સમગ્ર વિશ્વને એક નવો રાહ ચીંધ્યો છે. કચ્છના કેરા-મુન્દ્રા રોડ પર આવેલ ગજોડ પાસેના નિરણ કેન્દ્ર ખાતે આવો જ એક અદ્ભુત, અભૂતપૂર્વ અને પ્રકૃતિને સમર્પિત પ્રકલ્પ સાકાર થયો, જેનું નામ છે શ્રી વેદલક્ષણા ગો યાગ.

 

આ કોઈ સામાન્ય ધાર્મિક આયોજન ન બની રહેતાં ગૌપ્રેમ જગાડનારું અને પ્રકૃતિને પોષનારું સાબિત થયું. સામાન્ય રીતે ભારતીય પરંપરામાં યજ્ઞો મનુષ્યની આકાંક્ષાઓ, સુખાકારી કે આધ્યાત્મિક ઉન્નતિ માટે થતા હોય છે, પરંતુ કચ્છના ઇતિહાસમાં સંભવત: આ પ્રથમ એવો યજ્ઞ હશે જે ગોવંશને કેન્દ્રમાં રાખીને યોજાયો, અહીં મનુષ્યને મોક્ષ અપાવવા નહીં પરંતુ લંપીમાં મૃત્યુ પામેલા લાખો ગૌવંશના મોક્ષાર્થે યાગ જાગ્યો. 

 

વિતેલાં વર્ષોમાં ‘લંપી’ નામના ભયાનક રોગચાળાએ લાખો ગાયોનો ભોગ લીધો. એ અકાળે મૃત્યુ પામેલા અસંખ્ય ગોવંશના આત્મ-કલ્યાણ અર્થે આ યજ્ઞનું ભવ્ય આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગો સેવા ગતિવિધિ-કચ્છના માર્ગદર્શન હેઠળ ગોરસિયા સેવા ફાઉન્ડેશન (બળદિયા) અને ગિરધરભાઈ પિંડોરિયા પરિવાર (માધાપર-ટાન્ઝાનિયા) દ્વારા કરવામાં આવ્યું. 

 

આ યજ્ઞની સૌથી મોટી સુંદરતા એ છે કે તેમાં સામાજિક ભેદભાવોને ઓગાળી દેવામાં આવ્યા છે. 

 

યજ્ઞશાળામાં બેસનારા યજમાનોમાં કચ્છના અંતરિયાળ વિસ્તારના એવા માલધારીઓ અને અનુસૂચિત વર્ગના પરિવારોને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે, જેઓ સામાન્ય રીતે આર્થિક કે સામાજિક કારણોસર આવા મોટા ધાર્મિક મહોત્સવોથી વંચિત રહી જતા હોય છે. એટલું જ નહીં, આ તમામ યજમાનો બ્રહ્મચર્ય અને ચા સહિતનાં તમામ વ્યસનોનો ત્યાગ કરીને સંપૂર્ણ નિયમબદ્ધ રીતે આ પવિત્ર કાર્યમાં સહભાગી બન્યા, જે સમાજમાં એક મોટો સકારાત્મક સંદેશ તરીકે વ્યાપ્ત થયો.

 

આજના આધુનિક યુગમાં જ્યાં લોખંડના એન્ગલો અને પ્લાસ્ટિકના મંડપો વિના કોઈ નાનો પ્રસંગ પણ શક્ય નથી જણાતો ત્યાં 25 એકરના વિશાળ નિરણ કેન્દ્રમાં તૈયાર થઈ રહેલો આ યજ્ઞમંડપ શુદ્ધ પ્રકૃતિનો અહેસાસ કરાવે છે. 

 

આ આખો મંડપ માત્ર વાંસ અને લાકડાના ઉપયોગથી ઊભો કરવામાં આવ્યો છે, જેમાં એક નાની ખીલી તરીકે પણ લોખંડનો ઉપયોગ નથી થયો!

 

પર્યાવરણ શુદ્ધિના આગ્રહ સાથે આ મહોત્સવને 100% પ્લાસ્ટિક મુક્ત રાખવામાં આવ્યો છે. ડિજિટલ યુગનો સાચો ઉપયોગ કરીને, કાગળનો બગાડ રોકવા અને ઇંધણ તથા માનવકલાકો બચાવવા માટે કોઈ પણ પ્રકારની કંકોતરી છાપવામાં નથી આવી. માત્ર સોશ્યલ મીડિયા અને ડિજિટલ માધ્યમોથી જ લોકોને આમંત્રિત કરાયા, જે આજની પેઢી માટે પર્યાવરણ રક્ષાનો મોટો પાઠ છે.

 

ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે લખપત, અબડાસા અને બન્ની વિસ્તારમાંથી સ્થળાંતર કરીને આવેલી અંદાજે 4,000 જેટલી ગાયોની હાજરી અને મહોત્સવમાં આવનારા તમામ દર્શનાર્થીઓ માટે જે મહાપ્રસાદ (રસોઈ)ની વ્યવસ્થા મુખ્ય 

રહી તેમાં વપરાતું દૂધ, દહીં, છાશ અને ઘી માત્ર દેશી ગાયનું જ હતું અને ભોજનમાં વપરાનાર અનાજ અને કઠોળ પણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી (Organic Farming) દ્વારા પકવેલું સૌએ માણ્યું.

 

નીલકંઠ ગોવિજ્ઞાન કેન્દ્રના સહયોગથી આ યજ્ઞમાં એક અત્યંત રોચક અને વૈજ્ઞાનિક પ્રયોગ થયો. ગાયના ગોબરથી લીંપેલી પવિત્ર યજ્ઞશાળામાં પ્રદક્ષિણા કરતાં પહેલાં અને પ્રદક્ષિણા કર્યા પછી માણસના શરીરની આસપાસની ઊર્જા એટલે કે ‘ઓરા’ (Aura)ને ત્રાંબાના વિશેષ સળિયા વડે માપવામાં આવી અને ગો યજ્ઞ અને ગાયોના સાન્નિધ્યમાં આવ્યા પછી મનુષ્યની સકારાત્મક ઊર્જામાં કેટલો ચમત્કારિક વધારો થયો, તેનું જાહેરમાં લાઈવ નિદર્શને અદ્ભુત પ્રભાવ ઊભો કર્યો. 

 

શાસ્ત્રી જયદીપભાઈ વ્યાસના આચાર્યપદે ચતુર્વેદ પારાયણ અને ગો સુક્તના પાઠ સાથે યજ્ઞ સાથે સ્થાનિક ભજનિકો દ્વારા ભક્તિસભર ‘આરાધન વાણી’,  વિશેષ ‘ગો મહિમા દર્શન’, મુલાકાતીઓ માટે આહુતિનો લાભ અને સાંજે મહા ગો-સભા, જેમાં આર.એસ.એસ. ગો સેવા ગતિવિધિના રાષ્ટ્રીય પ્રશિક્ષણ પ્રમુખ કે.ઈ.એન. રાઘવનજીનું માર્ગદર્શન જેવા પ્રભાવકો સાથેનું સફળ આયોજન કચ્છ માટે પર્યાવરણ અને સામાજિક કલ્યાણનું માધ્યમ બની રહ્યું. મૂંગાં પશુઓ પ્રત્યેની આ સંવેદના અને પ્રકૃતિ સાથે જીવવાનો આ સંદેશ માત્ર કચ્છ પૂરતો સીમિત ન રહેતા, સમગ્ર દેશ અને દુનિયા માટે અનુકરણીય બની રહેશે. આ ભગીરથ કાર્ય બદલ આયોજકો અભિનંદનના અધિકારી છે.