વલસાડ: જિલ્લામાં આપઘાતનો એક ચોંકાવનારો કિસ્સો જાણવા મળ્યો છે, જેમાં સરદાર હાઇટ્સ સોસાયટીની દમણગંગા વિંગના 13મા માળેથી કૂદીને એક 22 વર્ષીય યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. મૃતક યુવકની ઓળખ માનવ પટેલ તરીકે થઈ છે. 13મા માળેથી નીચે પટકાતાં જ યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંતિમ પગલું ભરતાં પહેલાં યુવકે તેના ઇન્સ્ટાગ્રામ સ્ટેટસમાં 'I quit bye world' લખીને આપઘાત કરી લીધો હતો.
બનાવ અંગે મળતી વિગતો અનુસાર, શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મધ્યમ વર્ગના પરિવારો માટે બનાવવામાં આવેલી સરદાર હાઇટ્સ સોસાયટીમાં માનવ પટેલનો પરિવાર રહેતો હતો. માનવ ડોમિનોઝમાં પાર્ટ-ટાઇમ નોકરી કરતો હતો અને ઘટનાના દિવસે તે રજા પર હતો.
પ્રાથમિક માહિતી મુજબ યુવકની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તે છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક તણાવ અને મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો હતો, જેના પરિણામે જ તેણે જીવન ટૂંકાવવા જેવું અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે.
આ સમગ્ર હચમચાવી મૂકનારી ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ બહાર આવ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, માનવ પટેલ 13મા માળની ગેલેરીમાં લાંબા સમય સુધી કોઈ વિચારમાં આંટાફેરા મારતો જોવા મળ્યો હતો અને આસપાસ કોઈ નથી તેની ખાતરી કર્યા બાદ અચાનક જ નીચે છલાંગ લગાવી દે છે.
ઘટનાને પગલે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી, પરંતુ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવીને આત્મહત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા સઘન તપાસ હાથ ધરી છે.