Thu Jul 23 2026

Logo

Video: નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના મત વિસ્તારમાં લોકોને પાણી માટે વલખાં, 45 ફૂટ ઊંડા કૂવામાં જીવ જોખમમાં મૂકતી જનતા

2026-05-22 12:56:00
Author: Mayur Patel
Article Image

સુરતઃ રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે વલસાડ જિલ્લામાં પીવાના પાણીની તંગી સર્જાઈ છે. કેટલાક લોકો પાણી માટે જીવ જોખમમાં મૂકી રહ્યા છે. 45 ફૂટ ઊંડા કૂવામાં દોરડાની મદદથી ઉતરીને પાણી ભરી રહ્યા છે. વલસાડના કેલ્ધા ગામમાં સ્થાનિકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.  પાણીના અભાવે તેમનું રોજિંદુ જીવન પણ પ્રભાવિત થયું છે. વલસાડ જિલ્લો નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈનો મત વિસ્તાર છે.

સ્થાનિક લોકોને પોતાની રોજની જરૂરિયાતનું પાણી લાવવા માટે ઓછામાં ઓછું 5 કિલોમીટર પગપાળા ચાલવું પડે છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે, સવારના સમયે મોટી સંખ્યામાં લોકો પાણી ભરવા આવે છે. આ કારણે હંમેશા લાંબી લાઈનો લાગેલી રહે છે. વલસાડ જિલ્લામાં જળ સંકટ મુખ્યત્વે કપરાડા અને ધરમપુર તાલુકામાં હોય છે.

કેલ્ધા ગામમાં જળસ્તર ખૂબ નીચે છે. રાજ્યમાં મે અને જૂનની શરૂઆતમાં ભીષણ ગરમી પડે છે. સામાન્ય રીતે 15 જૂન સુધી ચોમાસાનું રાજ્યમાં આગમન  થાય છે. તેથી ત્યાં સુધી આ વિસ્તારના લોકોએ તંગીનો સામનો કરવો પડે છે. ભયંકર ગરમી વચ્ચે વલસાડ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણીના સંકટથી અનેક સવાલ ઉભા થયા છે. થોડા પાણી માટે લોકોએ કૂવામાં ઉતરવું પડી રહ્યું છે.