Sun Jun 21 2026

Logo

175, 97, 96 અને હવે 94 રન...ટ્રોફી જ્યારે દાવ પર લાગે ત્યારે વધુ ઘાતક થઈ જાય છે વૈભવ સૂર્યવંશી

Dambulla   2026-06-21 19:05:04
Author: Ajay Motiwala
Article Image

દમ્બુલાઃ ઇન્ડિયા-એના વૈભવ સૂર્યવંશીએ રવિવારે અહીં શ્રીલંકા-એ સામે વન-ડે ટ્રાયેન્ગ્યૂલર ટૂર્નામેન્ટની ફાઇનલમાં 324.14ના સ્ટ્રાઇક-રેટથી જે 94 રન બનાવ્યા હતા એ ભારતને ખૂબ ફળ્યા, કારણકે અન્ય બૅટ્સમેનોની નાની-મોટી ઇનિંગ્સ ઉપરાંત ખાસ કરીને વૈભવ (Vaibhav)ના આ ધમાકેદાર 94 રન શ્રીલંકન ટીમને ખૂબ નડ્યા અને છેવટે ભારતનો શાનદાર વિજય થયો. ખૂબીની વાત એ છે કે વૈભવે છેલ્લા થોડા મહિના દરમ્યાન ખરા સમયે જ ધમાકેદાર અને મોટી ઇનિંગ્સ (big innings)થી પોતાની ટીમને કામ લાગ્યો છે.

વૈભવે રવિવારે માત્ર 29 બૉલમાં આઠ છગ્ગા અને દસ ચોગ્ગાની મદદથી 94 રન બનાવ્યા હતા. તેણે 11 બૉલમાં ફિફ્ટી પૂરા કર્યા હતા જે લિસ્ટ-એ ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરીનો વિશ્વવિક્રમ છે. તે શ્રીલંકન ટીમના કૅપ્ટન સહાન અરાચિગેના બૉલ પર વધુ એક બિગ શૉટ મારવાના પ્રયાસમાં કૅચઆઉટ થયો હતો.

જે કંઈ હોય, પણ વૈભવે બતાવી દીધું છે કે મોટી મૅચમાં તે ક્યારેય માનસિક દબાણમાં નથી રમતો અને આવી મૅચોમાં તે મોટી ઇનિંગ્સ જ રમતો હોય છે. `બૅબી બૉસ' તરીકે ઓળખાતા લેફ્ટ-હૅન્ડ ઓપનર વૈભવે આઇપીએલ પછી હવે લિસ્ટ-એ સ્તરની ક્રિકેટમાં ઇન્ડિયા-એને જિતાડીને પોતાની પ્રતિભા વધુ મજબૂત કરી લીધી છે.

વૈભવે આઇપીએલની પહેલાં અન્ડર-19 વર્લ્ડ કપની ઇંગ્લૅન્ડ સામેની ફાઇનલમાં 80 બૉલમાં 175 રન ખડકીને કપિલ દેવના 1983 વર્લ્ડ કપના ઝિમ્બાબ્વે સામેના અણનમ 175 રનની યાદ અપાવી હતી. વૈભવે એ ઇનિંગ્સમાં 15 છગ્ગા અને 15 ચોગ્ગા ફટકાર્યા હતા. તેની એ ઇનિંગ્સ થકી ભારતે ટ્રોફી જીતી લીધી હતી.

ત્યાર બાદ આઇપીએલમાં રાજસ્થાન રૉયલ્સ વતી વૈભવે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની એલિમિનેટરમાં બાર છગ્ગા અને પાંચ ચોગ્ગાની મદદથી 29 બૉલમાં 97 રન ઝૂડી કાઢ્યા હતા. ત્યાર પછી ગુજરાત ટાઇટન્સ સામેની ક્વૉલિફાયર-ટૂમાં વૈભવે 47 બૉલમાં 96 રન બનાવ્યા હતા. રાજસ્થાન એ મૅચ હારી ગયું હતું, પણ વૈભવની પ્રતિભાને વધુ નિખાર મળ્યો હતો. વૈભવને આઇપીએલની ફાઇનલ ન રમવા મળી એનો વસવસો હશે, પણ હવે તેણે ઇન્ડિયા-એને ટ્રોફી અપાવીને એ ગમગીની દૂર કરી લીધી હશે.