નવી દિલ્હીઃ આયરલૅન્ડ સામે બે ટી-20 અને ઇંગ્લૅન્ડ વિરુદ્ધ પાંચ ટી-20 રમવા ભારતથી રવાના થઈ રહેલી ભારતીય ટીમના સ્ટાર અટ્રૅક્શન અને છેલ્લાં બે વર્ષથી ક્રિકેટ જગતમાં છવાઈ ગયેલા બિહારના 15 વર્ષની ઉંમરના વૈભવ સૂર્યંવંશી (Vaibhav Suryavanshi)ને બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) તરફથી તેની આંતરાષ્ટ્રીય કારકિર્દીના આરંભ પહેલાં `03' નંબરની જર્સી (Jersey) આપવામાં આવી છે. તેને શા માટે આ જ નંબરની જર્સી અપાઈ એ વિશે કેટલાક રસપ્રદ અહેવાલો મળ્યા છે.

આઇપીએલ-2026માં સૌથી વધુ 776 રન બનાવનાર વૈભવ સૂર્યવંશી આ જર્સી મળતાં જ ભાવુક થઈ ગયો હતો. ટીમ ઇન્ડિયાના થ્રો-ડાઉન સ્પેશિયાલિસ્ટ રઘુ હૉટેલના સ્ટાફ મેમ્બરની મદદથી રૂમ પર જર્સીવાળું બૉક્સ લઈને આવ્યા ત્યારે વૈભવ ઇમોશનલ થઈ ગયો હતો. વૈભવે તેમને પગે લાગ્યો હતો અને તેમણે આપેલું બૉક્સ ખોલીને એમાં જે જર્સી હતી એના પર પોતાનું નામ અને `03' નંબર વાંચીને વૈભવ ભાવવિભોર થઈ ગયો હતો.

દિગ્ગજોની જેમ આ ટેણિયાનો નંબર પણ ફેમસ થશે
વૈભવ આવનારા દિવસોમાં આંતરરાષ્ટ્રીય ફલક પર પણ ધમાલ મચાવશે એમાં બેમત નથી. સચિનની 10 નંબરની, વિરાટની 18 નંબરની અને રોહિતની 45 નંબરની તેમ જ એમએસ ધોનીની 7 નંબરની જર્સી કરોડો ક્રિકેટપ્રેમીઓમાં લોકપ્રિય થઈ ગઈ છે એમ આશા છે કે વૈભવની 3 નંબરની જર્સી પણ ફેમસ થઈ જશે.
Ladies & Gentlemen
— BCCI (@BCCI) June 23, 2026
The moment the nation has been waiting for has arrived!
Vaibhav Sooryavanshi in #TeamIndia jersey. Witness this incredibly special moment ❤️ pic.twitter.com/sUUytFMPVw
શા માટે ત્રણ નંબરની જ જર્સી?
વૈભવ સૂર્યવંશીએ પ્રોફેશનલ કરીઅર શરૂ કરી ત્યારે તેની જર્સીનો નંબર 12 હતો. કહેવાય છે કે વૈભવને તેની મમ્મીએ 3 નંબરની જર્સી પહેરવાની સલાહ આપી હતી. તેમણે તેમના દીકરાને કહ્યું હતું કે 12 નંબરને જોડવાથી (1+2) સરવાળો 3 થાય. તેમણે વૈભવને સિંગલ ડિજિટવાળી જ જર્સી પહેરવાની સલાહ આપી હતી જે તેણે તરત સ્વીકારી લીધી હતી અને 3 નંબરને પોતાનો લકી નંબર બનાવી લીધો. ઉલ્લેખનીય છે કે તે રાજસ્થાન રૉયલ્સ વતી 12 નંબરની જર્સી પહેરીને રમ્યો અને એના પરથી તેને (1+2) એટલે કે 3 નંબરની જર્સી પહેરવાની સલાહ અપાઈ હતી. ડોમેસ્ટિક ક્રિકેટમાં તે 18 નંબરની જર્સી પહેરીને રમ્યો હતો.