Mon May 25 2026

Logo

વૈભવ સૂર્યવંશીએ અવૉર્ડ સ્વીકાર્યા પછી અજાણતાં `બાળલીલા' બતાવી!: સુનીલ ગાવસકર પણ જોતા રહી ગયા

2026-05-20 22:55:48
Author: Ajay Motiwala
Article Image

જયપુરઃ 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી મંગળવારે અહીં સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં 93 રનની ધમાકેદાર ઇનિંગ્સને કારણે છવાઈ ગયો હતો, રાજસ્થાન (Rajasthan)ના લખનઊ (Lucknow) સામેના વિજય બાદ ઇનામ-વિતરણ સમારોહમાં તે `બાળલીલા'ને કારણે સૌના કેન્દ્રમાં રહ્યો હતો.

મંગળવારે લખનઊ (5/220) સામે રાજસ્થાને (19.1 ઓવરમાં 3/225) સાત વિકેટે વિજય મેળવીને પ્લે-ઑફની આશા જીવંત રાખી હતી. વૈભવ સૂર્યવંશીએ માત્ર 37 બૉલમાં દસ સિક્સર અને સાત ફોરની મદદથી 93 રન બનાવ્યા હતા. તેના 93માંથી 88 રન છગ્ગા-ચોગ્ગામાં બન્યા હતા.

વૈભવ (Vaibhav)ને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. તેણે એ અવૉર્ડ સ્વીકારી લીધો ત્યાર બાદ કોણ જાણે તે બાળપણમાં સરી પડ્યો હતો. તે પુરસ્કાર લીધા પછી ઝડપથી ચાલીને થોડે ફૂટ દૂર આવ્યો હતો, શૂઝ ઊતાર્યા હતા અને પછી તો તેણે ટ્રાઉઝર પણ ઉતારી નાખ્યું હતું. તેણે ટ્રાઉઝરની અંદર હાફ પેન્ટ પહેર્યું હતું. તેની આસપાસ ઊભેલા રાજસ્થાનની ટીમના ખેલાડીઓ સહિતના લોકો તેની આ લીલા જોતા રહી ગયા હતા. ખાસ કરીને નજીકમાં ઊભેલા બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકર પણ ત્રાંસી નજરે વૈભવને જોતા રહ્યા હતા.

વૈભવે ટ્રાઉઝર કાઢીને ખભા પર ઓઢી લીધું હતું, પરંતુ ટીમના મૅનેજર રૉમી ભિંડરે તરત જ વૈભવ પાસે પહોંચીને તેનો હાથ ખેંચ્યો હતો અને તેના ખભા પરથી ટ્રાઉઝર ખેંચી લીધું હતું.