Sat Jun 13 2026

Logo

વૈભવ સૂર્યવંશીનો નાનો ભાઈ પણ ચમકી ગયોઃ સ્થાનિક મૅચમાં 20 ચોગ્ગા ફટકાર્યા અને પછી...

2026-06-12 22:34:03
Author: Ajay Motiwala
Article Image

પટનાઃ બિહારનો 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી બે વર્ષથી ક્રિકેટની દુનિયામાં ધમાલ મચાવી રહ્યો છે એમાં હવે તેનો નાનો ભાઈ આશીર્વાદ સૂર્યવંશી પણ ચમકી ગયો છે અને એક સ્થાનિક ટૂર્નામેન્ટની મૅચમાં તેણે સેન્ચુરી ફટકારી એને લીધે સોશ્યલ મીડિયામાં છવાઈ ગયો છે. તેના આ પર્ફોર્મન્સથી ખુશ થઈને સૌથી મોટા ભાઈ ઉજ્જવલે ઇન્સ્ટાગ્રામ પર હાર્ટના ત્રણ ઇમોજી સાથે સ્ટોરી, ફૉટો તથા સ્કોરકાર્ડ શૅર કર્યા હતા. ખુદ ઉજ્જવલ પણ સારું ક્રિકેટ રમે છે.

આશીર્વાદ 10 વર્ષનો છે. તે પણ વૈભવની જેમ ઓપનિંગમાં બૅટિંગ કરે છે. આશીર્વાદે સમસ્તીપુર (Samastipur)ની સ્થાનિક ટૂર્નામેન્ટની પ્રૅક્ટિસ મૅચમાં 87 બૉલમાં એક છગ્ગા અને 20 ચોગ્ગાની મદદથી 103 રન બનાવ્યા હતા. તે તેના આ સ્કોર પર પ્રશાંત રાજના બૉલમાં આયુષ સિંહના હાથમાં કૅચઆઉટ થયો હતો.

ઉજ્જવલ સૂર્યવંશીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે `આશીર્વાદે ક્રિકેટની કરીઅરમાં પહેલી જ વખત સેન્ચુરી ફટકારી.' આશીર્વાદવાળી ટીમે કુલ 234 રન બનાવ્યા હતા જેમાં બીજા ઓપનર શિવમ રાજના બાવન રન સામેલ હતા. આશીર્વાદ-શિવમ વચ્ચે 100-પ્લસની ભાગીદારી થઈ હતી.

ઉજ્જવલ, વૈભવ, આશીર્વાદ (Ashirwad)ના પિતા સંજીવ સૂર્યવંશીએ સૌથી નાના દીકરાની પ્રથમ સદી બદલ ખુશી વ્યક્ત કરતા ફેસબુક પર લખ્યું, `આજે મારા સૌથી નાના પુત્ર આશીર્વાદે પ્રૅક્ટિસ મૅચમાં કારકિર્દીની પ્રથમ સદી ફટકારી. તમને બધાને વિનંતી છે કે આશીર્વાદ પર તમારો પ્રેમ અને આશીર્વાદ વરસાવતા રહેજો.'

સંજીવ સૂર્યવંશીએ તાજેતરમાં જ કહ્યું હતું કે તેઓ સૌથી નાના દીકરા આશીર્વાદને બે વર્ષમાં વૈભવની જેમ શાનદાર ક્રિકેટર બનાવી દેશે.