મહાકાય યુદ્ધજહાંજનો ખાતમો બોલાવવા શક્તિશાળી હથિયાર
ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકા દરરોજ નવા પ્રયોગ કરી રહ્યું છે. બીજી તરફ ઈરાન રણનીતિ બનાવીને અમેરિકાને હંફાવવાના મૂડમાં છે. ડ્રોન અને મિસાઈલ હુમલા બાદ હવે અમેરિકાએ ટોર્પિડોનો ઉપયોગ આ લડાઈમાં કર્યો છે. અમેરિકાના રક્ષામંત્રી પીટ હેગસેથે એવો દાવો કર્યો છે કે, હિન્દ મહાસાગરમાં ઈરાનના જહાંજને અમેરિકાએ હુમલો કરીને ખાતમો બોલાવી દીધો છે. વર્ષો બાદ ટોર્પિડોનો ઉપયોગ થતા હવે આ હથિયાર ચર્ચામાં છે.
બીજા વિશ્વયુદ્ધ બાદ પહેલીવાર ઉપયોગ
બીજા વિશ્વયુદ્ધ વખતે ટોર્પિડોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પછી હવે અમેરિકાએ ઈરાન સામેના યુદ્ધમાં ટોર્પિડોનો ઉપયોગ પહેલીવાર કર્યો છે. ટોર્પિડો એક ઓટોમેટિક હથિયાર છે, જેની મદદથી પાણીની ઉપરની અથવા નીચેની સપાટી પર વાર કરી શકાય છે. સમુદ્રની નીચેનો કોઈ ટાર્ગેટ હીટ કરવામાં પણ તે સક્ષમ છે. મોટા ભાગના કિસ્સાઓમાં તેનો ઉપયોગ સબમરીન અથવા તો યુદ્ધજહાંજનો ખાતમો બોલાવવા માટે કરવામાં આવે છે. આ હથિયારમાં એક વિસ્ફોટક સામગ્રી હોય છે, જે ટાર્ગેટ સાથે અથડાતા અથવા તેની નજીક પહોંચતા જ વિસ્ફોટ થાય છે.
સબમરીનમાં ખાસ ઉપયોગ
ટોર્પિડોનો ઉપયોગ સબમરીનમાં કરવામાં આવે છે, પરંતુ પાણીની ઉપરની સપાટી પર રહેલા ટાર્ગેટને પણ તે તોડી શકે છે. વિમાનમાંથી પણ તેને ફાયર કરી શકાય છે. લાઈટ વેઈટ અને હેવી એમ બે કેટેગરીમાં તેને વર્ગીકૃત કરાયા છે. ટાર્ગેટ કેવો છે એના પર તેને ફાયર કરવામાં આવે છે. વર્ષ 1960ના દાયકામાં દુશ્મન દેશની સબમરીન તથા પાણીની સપાટી પર રહેલા ટાર્ગેટનો નાશ કરવા માટે ખાસ પદ્ધતિથી તેને ડિઝાઈન કરવામાં આવ્યું છે. 19મી સદીમાં ઓસ્ટ્રો-હંગેરિયાન સામ્રાજ્યમાં આ હથિયાર તૈયાર કરવામાં આવ્યું હતું. એ પછી વિશ્વભરની નેવી સેનાએ તેનો સીધો જ ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું.
પ્રચંડ વિસ્ફોટ કરવા સક્ષમ
ટોર્પિડો યુદ્ધ જહાંજના મજબૂત બખ્તર જેવા કવચને તોડવા માટે સક્ષમ છે. ટાર્ગેટની નજીક પહોંચતા જ તે પ્રચંડ વિસ્ફોટ કરવા માટે તૈયાર થઈ જાય છે. હથિયાર જ્યારે શોધાયું એ સમયે નાના અને સૌથી વધુ ફાસ્ટ જહાંજો પર ટાર્ગેટ કરી પ્રયોગ કરાયો હતો. પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન મોટી સંખ્યામાં ટોર્પિડોનો ઉપયોગ કરાયો હતો. જર્મન સબમરીને બ્રિટિશ દ્વીપ તરફ જતા એટલાન્ટિક મહાસાગરમાં ફરતા જહાંજ પર હુમલો કરવા તેના ઉપયોગને પ્રાધાન્ય મળ્યું હતું.
ભારત પાસે વરૂણોસ્ત્ર નામનો ટોર્પિડો છે. નેવી સૈન્ય પાંખમાં ટોર્પિડો સૌથી વધુ મહત્ત્વ ધરાવતું હથિયાર છે. વરૂણોસ્ત્રનો ઉપયોગ ભારતીય જહાંજોમાંથી સુરક્ષા હેતું કરવામાં આવે છે. ભારતીય નેવીમાં ટાઈપ 53 ટોર્પિડોનો ઉપયોગ કરવામાં આવે છે. આ યુદ્ધ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે ચારથી પાંચ અઠવાડિયા ચાલી શકે છે, પરંતુ જો આ યુદ્ધ લાંબુ ચાલ્યું તો મિડલ ઈસ્ટ સિવાય મિડલ એશિયા જ નહીં, પરંતુ બીજા દેશો ઝંપલાવે તો નવાઈ નહીં, જે થર્ડ-વર્લ્ડ વોરના સંકેતો નકારી શકાય નહીં.