કોલંબોઃ હિંદ મહાસાગરના શાંત પાણી અત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચેના ભીષણ સંઘર્ષનું મેદાન બન્યું છે. વોશિંગ્ટનથી મળતા અહેવાલો મુજબ અમેરિકન નૌકાદળે એક મોટું ઓપરેશન પાર પાડીને ઈરાનના યુદ્ધજહાજને મધદરિયે ડૂબાડી દીધું છે. આ ઘટનાએ વૈશ્વિકસ્તરે સનસનાટી મચાવી દીધી છે, કારણ કે અત્યાર સુધીમાં મધ્ય પૂર્વ પૂરતો સીમિત ગણાતો આ સંઘર્ષ હવે દક્ષિણ એશિયાના દરિયાઈ માર્ગો સુધી વિસ્તરી રહ્યો છે. અમેરિકાએ આ હુમલા દ્વારા ઈરાનને કડક સંદેશ આપ્યો છે કે તેઓ કોઈ પણ ઉશ્કેરણીનો આ જ રીતે જડબાતોડ જવાબ આપશે.
અમેરિકી રક્ષા મંત્રી પીટ હેગસેથે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે તેમની નેવીએ આજે સવારે સબમરીન (Submarine) દ્વારા ઈરાની વોરશિપ 'IRIS ડેના' પર સફળ હુમલો કર્યો હતો. શ્રીલંકાના દક્ષિણ દરિયાકાંઠે થયેલા આ હુમલામાં જહાજ પર સવાર કુલ 180 લોકોમાંથી 80 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. આ હુમલો એટલો આક્રમક હતો કે જહાજ ગણતરીની મિનિટોમાં દરિયામાં ગરકાવ થઈ ગયું હતું. આ સાથે જ હેગસેથે દાવો કર્યો હતો કે ઈરાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડ્યું હતું, જેના જવાબમાં અમેરિકાએ આ આક્રમક પગલું ભર્યું છે.
શ્રીલંકન નૌકાદળનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન
જ્યારે ઈરાની જહાજ ડૂબી રહ્યું હતું, ત્યારે તેના પરથી ઇમરજન્સી સિગ્નલ (Distress Call) મળતા જ શ્રીલંકન નૌકાદળ એક્શનમાં આવ્યું હતું. શ્રીલંકાના રક્ષા મંત્રાલયે જણાવ્યું કે તેમણે તાત્કાલિક બચાવ ટુકડીઓ રવાના કરી હતી અને અત્યાર સુધીમાં 32 લોકોને સમુદ્રમાંથી જીવતા બહાર કાઢ્યા છે. પીડિત તમામ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, હજુ પણ ઘણા લોકો ગુમ હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે. જેમની શોધખોળ માટે શ્રીલંકન સેના મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. વિદેશ મંત્રી વિજીતા હેરાથે આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી છે.
ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના કાવતરાનો અમેરિકાનો દાવો
આ હુમલા પાછળનું કારણ જણાવતા અમેરિકી રક્ષા મંત્રીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે ઈરાનના એક ખાસ યુનિટે રાષ્ટ્રપતિ ટ્રમ્પને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમેરિકાએ તે યુનિટના લીડરને જ ખતમ કરી દીધો છે. હેગસેથે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે અમેરિકા હવે ઈરાનને જલ્દીથી નિયંત્રણમાં લેશે અને આગામી દિવસોમાં હુમલાઓ હજુ પણ તેજ કરવામાં આવશે. બીજી તરફ, શ્રીલંકાએ પણ પોતાના જળક્ષેત્રમાં થયેલા આ હુમલા સામે આકરો રોષ વ્યક્ત કર્યો છે.