તેહરાનઃ અમેરિકાએ લાગુ કરેલા નૌસૈનિક બ્લોકેડની અસર પહેલા દિવસથી જ વર્તાય રહી છે. રિપોર્ટ અનુસાર બ્લોકેડના પહેલા દિવસે ઈરાનના કોઈ પોર્ટ કે સમુદ્રી જળમાર્ગમાંથી કોઈ જહાજ બહાર નીકળ્યું નથી. છ કમર્શિયલ જહાજને અમેરિકાએ ચેતવણી આપ્યા બાદ તે પરત ફર્યા હતા. દાવો કરવામાં આવી રહ્યો છે કે, તા.15 એપ્રિલના રોજ 24 કલાક પૂર્ણ થતા 20થી વધારે જહાજ મિડલ ઈસ્ટના સમુદ્રી રસ્તેથી પસાર થઈ ચૂક્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હવે યુદ્ધ ખતમ થવાની કગાર પર છે. જહાજની મુવમેન્ટ શરૂ થઈ ચૂકી છે.
સૈન્ય મુવમેન્ટ નહીં, ફાયરિંગ નહીં
સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, આ સમયગાળા દરમિયાન એક પણ ફાયરિંગ થયું નથી અને હુમલા થયા નથી.કોઈ જ પ્રકારની સૈન્ય કાર્યવાહી કરવાની જરૂર પડી નથી. આમ અમેરિકાએ પોતાની રણનીતિને સફળ બનાવી છે. પણ નિષ્ણાંતો આને સાયલન્સ પ્રેશર તરીકે જોઈ રહ્યા છે, જે અમેરિકાની રણનીતિનો એક ભાગ હોઈ શકે છે. અમેરિકાએ કોઈ તાકાતનો ઉપયોગ કર્યા વગર જ પીછેહટ કરવા માટે મજબૂર કરી દીધા હતા. હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા આંતરરાષ્ટ્રીય ટ્રાફિક ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યો છે.
વગર મુશ્કેલીએ જહાજ પસાર
હોર્મુઝ પાસેથી 20થી વધારે કમર્શિયલ જહાજ કોઈ પ્રકારની મુશ્કેલી વગર પસાર થયા છે. આનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે, અમેરિકાનું બ્લોકેડ હાલમાં માત્ર ઈરાન સાથે જોડાયેલા જહાજને જ ટાર્ગેટ કરે છે. બાકીના દેશના જહાજ માટે જળમાર્ગ ખુલ્લો છે. ટ્રમ્પે આ ચાલને પોતાની રણનીતિની સફળતા ગણાવી દીધી છે. અમેરિકાએ કહ્યું કે, આ ઑપરેશનનો પ્રભાવ છે અને ઈરાન વગર કોઈ ટકરાવે દબાણમાં આવી ગયું છે. ટ્રમ્પે દાવા સાથે કહ્યું હતું કે, અમેરિકાએ આ પગલું ન લીધું હોત તો આજે ઈરાન પાસે મોટા પરમાણું હથિયારો હોત.હવે ઈરાન સામેની લડાઈ અંતિમ તબક્કામાં છે. સીઝફાયરમાં કોઈ હુમલો કરવામાં આવ્યો નથી.
અમેરિકાના વલણ પર સૌની નજર
ઈરાન અમેરિકા વચ્ચેની લડાઈથી મિડલ ઈસ્ટમાં તણાવગ્રસ્ત માહોલ છે. એવામાં ઈરાનનું મૌન પણ સ્પષ્ટ કરે છે કે, ઈરાન પણ પરિસ્થિતિમાં કોઈ ઉશ્કેરણી ઈચ્છતું નથી. આવનારા એક અઠવાડિયા સુધી સતત મોનિટરિંગ અને અમેરિકાના વલણ પર સૌની નજર રહેશે. જવાબી હુમલાઓ થશે તો હવે મિડલ ઈસ્ટના અનેક એવા નાના-મોટા રાષ્ટ્રોની અર્થવ્યવસ્થા પર ડામ લાગશે. ઈરાને ફરી કોઈ અમેરિકી જહાજ પર ટાર્ગેટ નક્કી કરીને પડકારો ઊભા કર્યા તો મુશ્કેલીઓ વધશે અને હુમલા ફરી થશે.