વોશિંગ્ટન ડીસી: પશ્ચિમ એશિયામાં શરુ થયેલા યુદ્ધને કારણે ભારતની પેટ્રોલિયમ આયાતને માઠી અસર પહોંચી છે, એવામાં યુએસએ ભારતને રાહત આપી છે. શુક્રવારે યુએસએ જણાવ્યું હતું કે રશિયન પેટ્રોલિયમ ખરીદવાનું બંધ કરવા ભારતને વધુ 30 દિવસની કામચલાઉ છૂટ આપવામાં આવી રહી છે.
નોંધનીય છે કે ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદ સાંભળ્યા બાદ યુએસ રશિયા પાસેથી પેટ્રોલિયમની ખરીદી બંધ કરવા ભારત પર દબાણ કરતુ આવ્યું છે. ટ્રમ્પ સતત આરોપ લગાવતા આવ્યા છે કે ભારતને પેટ્રોલિયમ વેચીને મળતા નાણાનો ઉપયોગ રશિયા યુક્રેન સામેના યુદ્ધ માટે કરી રહ્યું છે.
યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને જણાવ્યું કે ભારતને આ છૂટ આપવાથી રશિયાને નાણાકીય લાભ નહીં થાય, કેમ કે હાલ પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે ફક્ત સમુદ્રમાં પહેલાથી જ ફસાયેલા ઓઈલ ટેન્કર માટે જ ટ્રાન્ઝેક્શન કરવાની મંજુરી આપવામાં આવી છે.
એક અહેવાલમાં જણાવાયું છે કે ગયા અઠવાડિયા સુધીમાં 9.5 મિલિયન બેરલ રશિયન પેટ્રોલિયમ સાથેના ટેન્કર જહાજો એશિયન દરિયાઈ ક્ષેત્રોમાં હતાં. યુએસ તરફથી ફક્ત 5 માર્ચ પહેલા લોડ કરવામાં આવેલા જહાજો પર લાગુ પડે છે, આ છૂટ વોશિંગ્ટન સમય અનુસાર 4 એપ્રિલ 12:01 વાગ્યે સમાપ્ત થાય છે.
ભારત યુએસ પાસેથી વધુ પેટ્રોલિયમ ખરીદશે:
યુએસ ટ્રેઝરી સેક્રેટરી જણાવ્યું કે વૈશ્વિક દબાણને દૂર કરવા માટે ભારતને કામચલાઉ છૂટ આપવામાં આવી છે. તેમણે X પર લખ્યું, "ભારત યુનાઇટેડ સ્ટેટ્સનો એક આવશ્યક ભાગીદાર છે, અને અમને આશા છે કે નવી દિલ્હી યુએસ પાસેથી પેટ્રોલિયમની ખરીદીમાં વધારો કરશે."