Fri Apr 17 2026

Logo

એટલાન્ટિક મહાસાગરમાં નવાજૂનીના એંધાણઃ બ્રિટન-નોર્વેએ રશિયન સબમરીનને ખદેડી હોવાનો દાવો

London   2026-04-09 19:16:17
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન એમ ત્રણેય દેશના નિવેદન પર દુનિયાભરના દેશની નજર છે. દરેક મુવમેન્ટની આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર નોંધ લેવામાં આવી રહી છે. આ માહોલ વચ્ચે હવે બ્રિટને એક મોટી સ્પષ્ટતા કરી છે. બ્રિટનને રક્ષામંત્રી જોની હીલીએ સ્પષ્ટ કર્યું હતું કે, ઉત્તર એટલાંટિક સમુદ્રમાં રશિયાની સબમરીનની હિલચાલ અચાનક વધી ગઈ છે. 

રશિયન સબમરીને દિશા બદલી
આ ઑપરેશન બાદ રશિયાની સબમરીન બ્રિટનના સમુદ્રી વિસ્તારમાંથી નીકળીને હવે ઉત્તર દિશા તરફ ચાલી ગઈ છે. એટલાંટિક મહાસાગરના ઉત્તરમાં બ્રિટનનો સમુદ્રી વિસ્તાર ભૌગોલિક રીતે ઘણું મહત્ત્વ ધરાવે છે. અહીંયા સમુદ્રની નીચે સેટ કરવામાં આવેલા કેબલ્સ અને પાઈપલાઈન્સ જે પસાર થાય છે એ સમગ્ર યુરોપને ઈન્ટરનેટ સર્વિસ આપે છે. ન માત્ર ઈન્ટરનેટ પણ ઊર્જા પણ પૂરી પાડે છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ બાદ રશિયાની નૌસેનાની હિલચાલ યુરોપની આસપાસ વધી ચૂકી છે. 

સબમરીને ટ્રેક કરવામાં આવી
આ વખતે રશિયાની સબમરીન બ્રિટનના સમુદ્રી વિસ્તારની આસપાસ જોવા મળી હતી. આ ડાયરેક્ટ એક ચેતવણી જેવું હતું.આ અંગેની અપડેટ જ્યારે મળી એ સમયે તરત જ બ્રિટનના સૈન્યને આદેશ આપવામાં આવ્યો હતો. આ ઑપરેશનમાં રિટેન અને નોર્વે એમ બન્નેએ સંયુક્ત કાર્યવાહી કરી છે. ખાસ કરીને સબમરીન એ મૂકવામાં આવી જે સરળતાથી રશિયાની સબમરીનને ટ્રેક કરી શકે. એમની દરેક હિલચાલનો રિપોર્ટ આપી શકે. આ પછી રશિયાની સબમરીન બ્રિટનનો સમુદ્રી વિસ્તાર છોડીને ઉત્તર તરફ જતી રહી હતી. સૌથી મોટો ભય એ હતો કે, રશિયાની સબમરીન સમુદ્રની નીચે રહેલા કેબલ્સને નુકસાન પહોંચાડી શકે છે. 

સમુદ્રમાં રહેલા કેબલ્સને નુકસાન
યુરોપમાં ગત વર્ષે કેટલીક એવી ઘટનાઓ બની હતી કે, સમુદ્રની નીચે રહેલા કેબલ્સ અચાનક તૂટી ગયા હતા. જેમાં આશંકાનું ઠીકરૂ રશિયા પર ફૂટ્યું હતું. આ વખતે પણ આવો જ ભય હોય એ સમજી શકાય છે. રક્ષામંત્રી હીલીએ ભરોસો આપતા કહ્યું કે, આ મામલે હજુ સુધી કોઈ પ્રકારના પુરાવા મળ્યા નથી. બ્રિટનની કોઈ પાઈપલાઈન કે કેબલ્સને કોઈ નુકસાન થયાનો રિપોર્ટ નથી. રશિયાની નજર છેલ્લા કેટલાક સમયથી યુરોપ પર છે. ખાસ કરીને સમુદ્રી વિસ્તારમાં તે ચાંપતી નજર રાખી રહ્યો છે. 

આવી હિલચાલ જોખમી
યુરોપના દેશો સુરક્ષાની દ્રષ્ટિએ આવી હિલચાલને જોખમી માને છે. આ પાછળનું કારણ એ છે કે, સમુદ્રની નીચે રહેલા કેબલ્સથી જ સમગ્ર યુરોપમાં ઈન્ટરનેટ ચાલે છે, પાઈપલાઈનથી ગેસ આવે છે અને ક્રૂડ ઓઈલ આવે છે. આને નુકસાન થાય તો યુરોપને ખૂબ મોટું નુકસાન થાય એમ છે. બ્રિટને જે પગલું ભર્યું એના પરથી સંદેશ સ્પષ્ટ હતો કે, બ્રિટન પોતાના સમુદ્રી વિસ્તારમાં કોઈ પ્રકારની ખોટી હરકતને સાંખી નહીં લે.