Sat Aug 29 2026

Logo

વિલેપાર્લેના ફ્લૅટમાં લાગેલી આગમાં બાળક સહિત બેનાં મોત: છને ઇજા

2026-08-12 17:24:53
Author: Yogesh C. Patel
વિલેપાર્લેના ફ્લૅટમાં લાગેલી આગમાં બાળક સહિત બેનાં મોત: છને ઇજા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિલેપાર્લેમાં બનેલી કમનસીબ ઘટનામાં 12 માળની ઈમારતના ફ્લૅટમાં લાગેલી આગમાં અઢી વર્ષના બાળક સહિત બે જણે જીવ ગુમાવ્યા હતા. આ બનાવમાં ફાયર બ્રિગેડના બે જવાન સહિત છને હૉસ્પિટલભેગા કરવા પડ્યા હોઈ ત્રણને સારવાર માટે દાખલ કરવા પડ્યા હતા.સાંતાક્રુઝ પોલીસના જણાવ્યા મુજબ આગ મંગળવારની રાતે 10 વાગ્યાની આસપાસ લાગી હતી. આગને કારણે અઢી વર્ષના અબીર બટાવિયા અને નોકરાણી અંકિતા છત્રી (23)નાં મોત નીપજ્યાં હતાં.

ફાયર બિગ્રેડના અધિકારીએ જણાવ્યું હતું કે વિલેપાર્લે પશ્ર્ચિમમાં ચર્ચ રોડ પરની શાંતા ભવન બિલ્ડિંગના 11 માળે આગ લાગી હોવાની માહિતી રાતે 10 વાગ્યે મળી હતી. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડના જવાનો, પોલીસ, સંબંધિત વીજ વિતરણ કંપની અને પાલિકાના વૉર્ડ અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.કહેવાય છે કે એક ફ્લૅટમાં લાગેલી આગની ચપેટમાં બાજુનો બીજો ફ્લૅટ પર આવી ગયો હતો. આગની જ્વાળા દૂર દૂર સુધી દેખાતી હતી અને ધુમાડો પણ આખા માળ પર ફેલાઈ ગયો હતો. પહેલા લેવલની આગને પંદરેક મિનિટમાં જ ફાયર બ્રિગેડે બીજા લેવલની જાહેર કરવી પડી હતી. પરિણામે આસપાસનાં ફાયર બ્રિગેડ સ્ટેશનમાંથી જવાનોની વધુ ટીમ આગ ઓલવવાની કામગીરી માટે જોડાઈ હતી.

અધિકારીના જણાવ્યા મુજબ બટાવિયા પરિવારના ફ્લૅટમાં આગ લાગી હતી. ઈલેક્ટ્રિક વાયરિંગ, રાચરચીલું, એસી અને ઘરના અન્ય સામાનમાં આગ ઝડપભેર ફેલાઈ હતી. મધરાતે એક વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડને આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.આગમાં દાઝવાથી અને ગૂંગળામણને કારણે અબીર, અંકિતા, પાર્થ બટાવિયા (32), હિરેન બટાવિયા (62), યશસ્વી અને અભિષેકને નજીકની નાણાવટી હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં, જ્યાં ફરજ પરના તબીબે અબીર અને અંકિતાને મૃત જાહેર કરાયાં હતાં. યશસ્વી અને અભિષેકને પ્રાથમિક ઉપચાર પછી ઘરે જવા દેવાયાં હતાં, જ્યારે પાર્થ અને હિરેનને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આગ ઓલવવાની કામગીરી દરમિયાન જખમી ફાયર બ્રિગેડના બે જવાન મનોજ સોનાવણે (30) અને શિવમ દ્વિવેદી (29)ને કૂપર હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. વધુ ઇજાને કારણે સોનાવણેને હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ તાત્કાલિક જાણી શકાયું નહોતું.