(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:રિક્ષામાં સિગારેટ ફૂંકવી ગુનો હોવાનું કહીને બીએમસીના અધિકારીના સ્વાંગમાં વેપારી પાસેથી નાણાં પડાવનારા ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. ખેરવાડી પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ અમિત કુળે (34), સુધીર પૂજારી (32) અને વિનોદ સદર (36) તરીકે થઈ હતી. આરોપીઓ વિરુદ્ધ અગાઉ જૂહુ અને પવઈ પોલીસ સ્ટેશનોમાં પણ ગુના નોંધાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના પચીસ ઑગસ્ટની સવારે 10.45 વાગ્યાની આસપાસ બાન્દ્રા પૂર્વમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે નજીક હંસ ભુગરા જંક્શન ખાતે બની હતી. ફરિયાદી વેપારી ઝુબિન શાહ (37) અંધેરીથી રિક્ષામાં બેસી ઘરે જઈ રહ્યો હતો. બાઈક પર આવેલા બે શખસે ફરિયાદીની રિક્ષાને આંતરી હતી અને પોતાની ઓળખ મુંબઈ મહાનગરપાલિકાના અધિકારી તરીકે આપી હતી. રિક્ષામાં સિગારેટ ફૂંકતો હોવાનો દાવો કરી બન્ને શખસે ફરિયાદીને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો.
ફરિયાદીએ આરોપીઓ પાસે આઈ કાર્ડ જોવા માગ્યાં હતાં, પરંતુ ઓળખપત્ર દેખાડવાને બદલે બન્નેએ ધમકીભરી ભાષા વાપરી હતી અને સાહેબને મળવાનું કહ્યું હતું. આરોપીઓનો એક સાથી બીજી બાઈક સાથે રસ્તાને કિનારે ઊભો હતો.
ફરિયાદીને તેની પાસે લઈ જવામાં આવ્યો હતો અને પછી 19,500 રૂપિયા પડાવવામાં આવ્યા હતા. ફરિયાદીને નજીકના પોલીસ સ્ટેશને પહોંચવાનું કહીને ત્રણેય આરોપી બાઈક પર ફરાર થઈ ગયા હતા. પોતે છેતરાયો હોવાની જાણ થતાં શાહે ખેરવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે ત્રણેય આરોપીને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી ગુનામાં વપરાયેલી બન્ને બાઈક પણ જપ્ત કરાઈ હતી.