Thu Jun 18 2026

Logo

લોકશાહી જરૂરી નથી, ધાર્મિક નેતા પણ ચાલશે! ટ્રમ્પે કહ્યું કેવો હોવો જોઈએ ઈરાનનો નેતા

Tehran   2026-03-07 11:27:00
Author: Tejas Rajpara
Article Image

ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈના અવસાનને એક સપ્તાહ વીતી ગયું હોવા છતાં, હજુ સુધી દેશના નવા ઉત્તરાધિકારીની જાહેરાત કરવામાં આવી નથી. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના આગામી નેતૃત્વને લઈને અત્યંત ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે અમેરિકાને ઈરાનમાં લોકશાહી જ સ્થાપિત થાય તેવો કોઈ આગ્રહ નથી, પરંતુ તેમનો રસ માત્ર એવા નેતામાં છે જે અમેરિકા અને તેના સાથી દેશોના હિતમાં કામ કરે.

મીડિયા ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાનમાં આગામી નેતા કોઈ ધાર્મિક વડા હોય તો પણ તેમને વાંધો નથી. તેમણે કહ્યું કે, "મારે ઘણા ધાર્મિક નેતાઓ સાથે કામ કરવાનું થાય છે અને તેઓ અદ્ભુત હોય છે." ટ્રમ્પના મતે, નેતા લોકશાહી રીતે ચૂંટાયેલા હોય તેના કરતાં વધુ મહત્વનું એ છે કે તે વ્યક્તિ નિષ્પક્ષ હોય અને અમેરિકા તેમજ ઈઝરાયલ સાથે સારા સંબંધો જાળવી રાખે. જોકે, તેમણે ખામેનેઈના પુત્ર મૌજતબા ખામિનેઈને નેતા તરીકે સ્વીકારવાનો પહેલાથી જ ઈનકાર કરી દીધો છે.

ટ્રમ્પે ઈરાનને "બિનશરતી શરણાગતિ" સ્વીકારવા માટે પણ હાકલ કરી છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, જ્યારે રાષ્ટ્રપતિને લાગશે કે ઈરાન હવે અમેરિકા માટે ખતરો નથી, ત્યારે જ સૈન્ય કાર્યવાહીના લક્ષ્યો પૂરા થયેલા માનવામાં આવશે. ટ્રમ્પ ઈચ્છે છે કે ઈરાનનું નવું નેતૃત્વ મિડલ ઈસ્ટના અન્ય આરબ દેશો સાથે પણ મિત્રતાભર્યા સંબંધો રાખે, કારણ કે તે તમામ અમેરિકાના ભાગીદારો છે. ઈરાનમાં હાલમાં આર્થિક કટોકટી અને મોંઘવારી સામે અસંતોષ છે, છતાં સૈન્ય હુમલા બાદ ત્યાં ખામેનેઈના સમર્થકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ, ઈરાને હજુ હથિયાર હેઠા મૂક્યા નથી. ઈરાની સેના સતત અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર ટૂંકા અંતરની મિસાઈલો અને ડ્રોન વડે હુમલા કરી રહી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી દ્વારા પણ હિંમતભર્યું નિવેદન આપવામાં આવ્યું છે કે જો અમેરિકા ઈરાન પર જમીની હુમલો (Ground Attack) કરશે, તો તેઓ તેનો સામનો કરવા માટે પૂરી રીતે તૈયાર છે. તેમણે દાવો કર્યો હતો કે ઈરાની સેના અમેરિકી ગ્રાઉન્ડ ફોર્સની રાહ જોઈ રહી છે અને તેઓ આ યુદ્ધમાં જીત મેળવવાનો આત્મવિશ્વાસ ધરાવે છે.