Thu May 14 2026

Logo

બેઇજિંગમાં ટ્રમ્પ અને શી જિનપિંગ મળ્યા, અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- ‘અમે હરીફ નહીં, સહયોગી છીએ’

2026-05-14 08:54:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ચીનની રાજધાની બેઇજિંગમાં 'ગ્રેટ હોલ ઓફ ધ પીપલ' ખાતે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ટ્રમ્પને 'ગાર્ડ ઓફ ઓનર' આપવામાં આવ્યું હતું. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં જિનપિંગ અને ટ્રમ્પે એકબીજાના વખાણ કર્યા હતા.

ચીની રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, "આપણે સહયોગી છીએ, હરીફ નથી. મજબૂત સંબંધોથી બંને દેશોને ફાયદો થશે અને આપણે સાથે મળીને દુનિયામાં પરિવર્તન લાવીશું." ટ્રમ્પે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ચીન અને અમેરિકાના સંબંધો વધુ સારા બનશે.

આ પ્રવાસમાં સૌથી વધુ ચર્ચા બોઇંગ વિમાનના સોદા (Deal) અંગે છે. ચીન અમેરિકન કંપની બોઇંગ પાસેથી આશરે ₹9 લાખ કરોડની કિંમતના વિમાનો ખરીદવા માટે મોટો કરાર કરી શકે છે. જો આ સોદો પૂર્ણ થાય, તો તે વિશ્વની સૌથી મોટી એવિએશન ડીલ્સમાંની એક બની શકે છે.

ટ્રમ્પની આ યાત્રા એટલા માટે ખાસ છે કારણ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની 2017ની યાત્રા પછી કોઇ અમેરિકી રાષ્ટ્રપતિની ચીનની આ પહેલી રાજકીય યાત્રા છે.  

વેપાર પર હશે ફોકસ

ગુરુવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત અને સત્તાવાર રાજકીય સ્વાગત સમારોહમાં ભાગ લીધા બાદ અન્ય ઘણા સત્તાવાર કાર્યક્રમોમાં હાજરી આપશે. વ્હાઇટ હાઉસથી ચીન જવા રવાના થતા પહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે આ શિખર મંત્રણામાં વેપાર સૌથી મોટો મુદ્દો રહેશે.

તેમણે કહ્યું હતું કે, "ચીન સાથે અમારા ગાઢ સંબંધો છે. આપણે બંને મહાસત્તાઓ (Superpowers) છીએ અને અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવાની છે. અમારું સૌથી વધુ ધ્યાન વેપાર પર રહેશે."

'જિનપિંગ સાથે મારા શાનદાર સંબંધ' - ટ્રમ્પ

આ અગાઉ 13 મેના રોજ બેઇજિંગ પહોંચેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પનું ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગે ભવ્ય સ્વાગત કર્યું હતું. ટ્રમ્પે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમેરિકા અને ચીન દુનિયાની બે સૌથી મોટી શક્તિઓ છે અને બંને દેશો વચ્ચેના સંબંધો 'મજબૂત અને સ્થિર' છે.

તેમણે ઉમેર્યું હતું કે, "રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મારા સંબંધો શાનદાર છે. ચીન સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે." અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકા-ચીન વચ્ચેના આર્થિક સંબંધોને બંને દેશો માટે ફાયદાકારક ગણાવ્યા હતા.

તેમણે કહ્યું, "અમે ચીન સાથે ઘણો મોટો વેપાર કરીએ છીએ. અમને પણ ફાયદો થઈ રહ્યો છે અને ચીનને પણ. અમારા સંબંધો સારા છે." સાથે જ તેમણે એમ પણ રહ્યું કે શી જિનપિંગ આ વર્ષના અંત સુધીમાં અમેરિકાની મુલાકાત લઈ શકે છે.