Thu Jun 18 2026

Logo

જ્યારે ખાખીએ કલમને આપ્યો સાથ: બે દીકરીઓના સપના રોળાયા નહીં, ઉના પોલીસ બની શિક્ષણની 'ઢાલ'

2026-06-18 21:59:35
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
 ઉના: ખાખી વર્દી માત્ર કાયદાનો દંડ નથી, તે તો કરુણાનું કવચ પણ છે એ ઉના પોલીસે પોતાના આચરણથી સિદ્ધ કરી બતાવ્યું હતું. ઉના તાલુકાના અંતરિયાળ લામધાર વાડી વિસ્તારમાં જ્ઞાનની જ્યોત ઓલવાઈ રહી હતી, ત્યાં પોલીસના સ્નેહસભર‌સ્પર્શે શિક્ષણનો દીપ પુનઃ પ્રજ્વલિત કર્યો છે.

ઝૂંપડામાં વસતા પાંચાભાઈ ચુડાસમાની બે દીકરી ભૂમિકા અને સંજના વિદ્યાની વાટ પકડવા તત્પર હતી, પરંતુ વિકટ અને વેરાન પંથ, વહેલી સવારનું અંધારું અને અસલામતીના ઓળા વચ્ચે તેમના સપનાં અધવચ્ચે જ રઝળી પડ્યાં હતાં. એક વર્ષથી શાળાએ જવાનું સ્થગિત કરી દેનાર આ બે દીકરીની વેદના ઉના પોલીસના કર્ણ સુધી પહોંચતા જ ખાખી એકાએક વાત્સલ્યમૂર્તિ બની ગઈ.  

ગીર સોમનાથ જિલ્લા પોલીસઅધિક્ષક જયદીપસિંહ જાડેજા અને ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકસી.સી. ખટાણાની દીર્ઘદૃષ્ટિ અને સંવેદનશીલ સૂચનાથી ઉના પંથકમાં બાળ મજૂરી નાબૂદી, માનવ તસ્કરી નિવારણ અને શાળાએથી વિમુખ થયેલા બાળકોને પુનઃ શિક્ષણ ની ધારામાં લાવવાની ઝુંબેશ વેગવંતી બની છે. આ જ ઝુંબેશના ભાગરૂપે પીઆઈ જે.કે. મોરીના નેતૃત્વમાં પોલીસ ટુકડી જ્ઞાનની શોધમાં નીકળી પડી હતી. 

પોલીસ હેડ કોન્સ્ટેબલ નાનજીભાઈ ,સાદુલભાઈ ચારણિયા સાથે વુમન પોલીસ સોનલબેન કનુભાઈ, ભાવિબેન લક્ષ્મણભાઈ અને ચેતનાબેન પ્રેમજીભાઈ લામધારની વાડીએ પહોંચ્યા ત્યારે દીકરીઓના ડરનું કારણ સ્પષ્ટ થયું. મોટા ડેસરની સરકારી માધ્યમિક શાળા સુધી પહોંચવા માટે ઉબડખાબડ, નિર્જન અને અસુરક્ષિત પગદંડી પાર કરવી પડતી હતી. પ્રભાતના પહોરમાં એકલા જવાનો ભય જ આ કળીઓને શાળાથી વિમુખ કરી ગયો હતો.

 પોલીસે માત્ર કાયદાના રક્ષક નહીં, પણ પરિવારના સભ્ય બનીને પાંચાભાઈ ચુડાસમા સાથે સંવાદ સાધ્યો. દીકરીઓના મનમાંથી ભયનું વિષ ઓગાળી, શિક્ષણરૂપી અમૃતનું મહત્ત્વ સમજાવ્યું. વાલીને વિશ્વાસની હૂંફ આપી, તેમને સાથે લઈને જ પોલીસ ટુકડી મોટા ડેસરની શાળાએ પહોંચી અને બંને દીકરીઓને ધોરણ 10માં ગૌરવભેર પુનઃ પ્રવેશ અપાવી ભણે ગુજરાતના  સંકલ્પને જીવંત કર્યો હતો. ખાખીએ કલમને સાથ આપ્યો અને પોલીસે પ્રતિજ્ઞા લીધી કે આ બંને દીકરીઓ ઉચ્ચ શિક્ષણના શિખર સર કરે ત્યાં સુધી તેઓ ઢાલ બનીને ઉભા રહેશે.