ગઢચિરોલી: ગઢચિરોલી જિલ્લાના ધાનોરા તાલુકાના જપતલાઈ ખાતેની સરકારી આશ્રમ શાળામાં સાપે ડંખ મારતા ત્રણ આદિવાસી વિદ્યાર્થિનીના મોત નિપજ્યાં હતાં. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. એક તરફ ધાનોરા પોલીસે શાળાના શિક્ષકો, મહિલા સુપરિટેન્ડન્ટ, પુરુષ અધિક્ષક સહિત સંસ્થાના અધ્યક્ષ અને સચિવ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. બીજી તરફ આદિવાસી વિકાસ વિભાગે પણ વિભાગીય જવાબદાર બે અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ ઘટના 10 ઓગસ્ટની મોડી રાતે બે વાગે બની હતી. જપતલાઈ ખાતે આશ્રમશાળાના વિદ્યાર્થી નિવાસમાં વિદ્યાર્થીઓ ભોજન અને અભ્યાસ કર્યા બાદ સૂઈ રહ્યા હતા ત્યારે તેમના રૂમમાં એક સાપ ઘૂસી ગયો અને અમુક વિદ્યાર્થીઓને સાપે ડંખ મારતા અફડાતફડીનો માહોલનું નિર્માણ થયું હતું. આ બનાવમાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થોને સારવારાર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સારવાર દરમિયાન 14 વર્ષીય દીપિકા અને 15 વર્ષીય સરોજિત મંડલના મોત નિપજ્યા હતા. ત્યાર બાદ સર્પદંશ સબંધિત લક્ષણો જણાતા 16 વિદ્યાર્થિનીઓને ગઢચિરોલીની એક હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન 8 વર્ષીય અનું ગજુરામ કારેટીનું પણ મોત નીપજ્યું હતું. આ રીતે આ ઘટનામાં ત્રણ માસૂમ વિદ્યાર્થિનીના મોત થયાં હતાં.
પાંચ લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ
ત્રણ વિદ્યાર્થીનીના મૃત્યુ બાદ આશ્રમશાળાની સુરક્ષા અને વ્યવસ્થાઓને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા. ગઢચિરોલી ખાતે એકાત્મીક આદિવાસી વિકાસ પ્રકલ્પ દ્વારા આ મામલાની વિસ્તૃત તપાસ માટે ચાર લોકોની તપાસ સમિતિ ભેગી કરવામાં આવી, પોલીસના જણાવ્યા અનુસાર સમિતિની તપાસ રિપોર્ટમાં આશ્રમશાળાથી જોડાયેલા તમામ જવબદાર લોકો દ્વારા તેમની કામગીરીમાં બેદરકારી અને ધ્યાન નહીં દોરવાનું જણાવ્યું હતું.
ધાનોરા પોલીસ સ્ટેશનમાં પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 106(1), 125(A), 125(B), 3(5) BNS 2023 અને કિશોર ન્યાય અધિનિયમની કલમ 75 હેઠળ મામલો નોંધવામાં આવ્યો હતો. આ એફઆઈઆરમાં પ્રશાંત વિલાસરાવ તાતપલ્લીવાર(51), ભાગ્યશ્રી જ્ઞાનેશ્વર ચિલ્લમવાર(34), ભાષ્કર રામચંદ્ર ભોંયર(50), મારોતરાવ સૈનુજી કોવાસે અને વિશ્વજીત મારોતરાવ કોવાસી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.