થાણે: નવી મુંબઈના ખારઘર વિસ્તારમાં આવેલી ઝેરોક્સની દુકાનેથી હજારો એસઆઈઆર ફૉર્મ્સ પ્રિન્ટ કરેલાં મળી આવ્યાં હતાં. આ મુદ્દે શિવ સેના (યુબીટી) અને ભાજપના કાર્યકરો બાખડી પડતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.પોલીસના જણાવ્યા મુજબ ઘટના શુક્રવારે બની હતી. ઠાકરે જૂથના કાર્યકરોએ દાવો કર્યો હતો કે ભાજપની યુવા પાંખનો એક પદાધિકારી ઝેરોક્સની દુકાનમાં કથિત એસઆઈઆર ફૉર્મ્સની ફોટોકૉપી કઢાવતો હતો ત્યારે તેને પકડી પાડવામાં આવ્યો હતો. ત્યાર બાદ બન્ને પક્ષના કાર્યકરો બાખડી પડ્યા હતા.
માહિતી મળતાં જ ખારઘર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ભાજપના કથિત પદાધિકારીને તાબામાં લીધો હતો. પોલીસે દુકાન સંકુલમાંથી હજારોની સંખ્યામાં છપાયેલા એસઆઈઆર ફૉર્મ્સ જપ્ત કર્યાં હતાં.તાબામાં લેવાયેલા ભાજપના પદાધિકારીને પૂછપરછ માટે ખારઘર પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો, જ્યાંથી તે નાસી ગયો હોવાનો આક્ષેપ સેના (યુબીટી)ના કાર્યકરોએ કર્યો હતો. પોલીસ તેની શોધ ચલાવી રહી છે. આ મામલે તપાસ ચાલી રહી હોવાથી કોઈ ગુનો નોંધાયો ન હોવાનું નવી મુંબઈ પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)