મુંબઈ: મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ જણાવ્યું હતું કે, જૂન અને ઓગસ્ટ વચ્ચે ખાદ્યપદાર્થો, દવાઓ અને સૌંદર્ય પ્રસાધનોના ૩૨,૬૦૪ નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી, જે ૪૩૫ ટકાનો વધારો દર્શાવે છે અને તેમાંથી લગભગ અડધા નમૂના નિર્ધારિત ધોરણોને અનુરૂપ નહીં હોવાનું જણાયું હતું.
એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, અગાઉના વર્ષની સરખામણીમાં નમૂના એકત્રિત કરવાનો માસિક દર ત્રણ ગણો અને પરીક્ષણનો દર ચાર ગણો વધ્યો છે. મુંઢેએ મે મહિનામાં કાર્યભાર સંભાળ્યા બાદ સમગ્ર રાજ્યમાં વિશેષ તપાસ ઝુંબેશ શરૂ કરી છે.
એક નિવેદન અનુસાર, ૨૦૨૫-૨૬ની સરખામણીમાં ખાદ્યપદાર્થોના નમૂના એકત્રિત કરવાની અને તેની ચકાસણી કરવાની ગતિમાં નોંધપાત્ર વધારો થયો છે; નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે એફડીએ એ ચકાસણી માટે એકત્રિત કરાયેલા ખાદ્યપદાર્થોના નમૂનાની સંખ્યામાં સરેરાશ ૩૪૦ ટકા અને ચકાસણી કરાયેલા નમૂનાની સંખ્યામાં ૪૩૫ ટકાનો વધારો નોંધ્યો છે.
દવાઓ અને સૌંદર્ય પ્રસાધનો માટે, પરીક્ષણ અર્થે એકત્રિત કરવામાં આવેલા નમૂનાઓની સંખ્યામાં સરેરાશ ૧૭૫ ટકાનો વધારો થયો છે, જ્યારે ૨૦૨૫-૨૬ની સરખામણીમાં પરીક્ષણની પ્રક્રિયામાં ૧૬૫ ટકાનો વધારો થયો છે.
સમગ્ર ૨૦૨૫-૨૬ દરમિયાન, એફડીએ એ પરીક્ષણ માટે ખાદ્ય પદાર્થો, દવાઓ અને સૌંદર્ય પ્રસાધનોના ૪૭,૬૦૦ નમૂના એકત્રિત કર્યા હતા અને ૩૩,૧૧૯ નમૂનાઓનું પરીક્ષણ પૂર્ણ કર્યું હતું. માસિક ધોરણે, તેણે સરેરાશ ૩,૯૬૭ નમૂના એકત્રિત કર્યા હતા અને ૨,૭૬૦ નમૂનાઓનું પરીક્ષણ કર્યું હતું. પરંતુ આ વર્ષે જૂન અને ઓગસ્ટની વચ્ચે, તેણે દર મહિને સરેરાશ ૧૨,૫૩૪ નમૂના એકત્રિત કર્યા અને ૧૦,૮૬૮ નમૂનાનું પરીક્ષણ પૂર્ણ કર્યું, તેમ નિવેદનમાં જણાવાયું છે.
આ વિભાગની મુંબઈ, છત્રપતિ સંભાજીનગર અને નાગપુરમાં ત્રણ દવા-પરીક્ષણ અને ત્રણ ખાદ્ય-પરીક્ષણ પ્રયોગશાળાઓ આવેલી છે. ખાદ્ય પદાર્થોના નમૂના પુણે સ્થિત રાજ્ય જાહેર આરોગ્ય પ્રયોગશાળામાં પણ મોકલવામાં આવે છે.