Sun Jun 14 2026

Logo

દિલ્હીમાં TMCના બળવાખોર નેતાઓનો ડીનર કાર્યક્રમ, લોકસભાના સ્પીકરને મળવા પાછળ રાજકીય રહસ્ય?

2026-06-14 15:12:29
Author: mumbai samachar team
Article Image

નવી દિલ્હીઃ ડીનર ડિપ્લોમસીની પોલીસી આપણા દેશમાં વર્ષો જૂની રહી છે, જેનું સાતત્ય હજુ સુધી યથાવત છે. પશ્ચિમ બંગાળની રાજકીય પાર્ટી તૃણમૂલ કોંગ્રેસમાં દિવસે દિવસે તિરાડ મોટી થતી જાય છે. ભંગાણના આરે આવીને ઊભેલી રાજકીય પાર્ટીમાં જ બળવાખોર નેતાઓની ટીમ તૈયાર થઈ છે. નવી દિલ્હીમાં રવિવારે આ બળવાખોર નેતાઓના જુથ અને મુખ્યમંત્રી સુવેંદુ અધિકારી વચ્ચે ડીનર યોજાવવાનું છે.તૃણમૂલ કોંગ્રેસના નેતા ડીનર માટે દિલ્લી પહોંચ્યા છે. પણ વાવડ એવા મળી રહ્યા છે કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી આ ડીનરમાં જોડાવવાના નથી. 

કોનું નામ હતું પહેલા ક્રમે?
જ્યારે કૉલકાતામાં આ ડીનર અંગે પ્લાનિંગ થઈ રહ્યું હતું એ સમયે મુખ્યમંત્રીનું નામ પહેલા ક્રમે રહ્યું હતું. પછી ધીમે ધીમે તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યો અને સાંસદોએ દિલ્હી બાજુ કુચ કરતા અનેક સમીકરણ બનવાના શરૂ થઈ ગયા હતા. ડીનરની વાતને લઈને જ્યારે સૂત્રોએ જણાવ્યું એ સમયે સ્પષ્ટ થયું કે, આ ડીનર કાર્યક્રમમાં મુખ્યમંત્રી જોડાશે નહીં. દિલ્હીમાં આ કાર્યક્રમ થકી ચર્ચા એ થઈ રહી છે કે, આ ડીનર કાર્યક્રમમાં આગામી રણનીતિની ચર્ચા થઈ શકે છે. આ માટે બળવાખોર નેતા તરીકે જાણીતા માલા રોય અને સાયોની ઘોષ દિલ્હી પહોંચી ચૂક્યા છે. મામલો ત્યાં સુધી પહોંચ્યો છે કે, હવે આ તૃણમૂલ કોંગ્રેસના તમામ બળવાખોર નેતા લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળવા માગે છે. દિલ્હીની વ્યવસ્થા અને સાંસદની ટીમ વચ્ચે કૉલકાતાની ઉત્તર સીટના સાંસદ સુદીપ બંદોપાધ્યાય તૃણમૂલ કોંગ્રેસ તથા દિલ્હીના રાજકારણના મધ્યસ્થી તરીકે કામ કરી શકે છે. 

આંતરિક અસંતોષ ઊભરી આવ્યો
અગાઉ પણ એમને એક સારી એવી કડી રૂપે માનવામાં આવતા હતા. હવે અસલી TMCને લઈ કૉલકાતામાં ચર્ચા શરૂ થઈ છે ત્યારે દિલ્હીમાં ડીનર સાથે બેઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. સ્પીકરને મળવાની વાત છે ત્યાં સુધી તૃણમૂલ કોંગ્રેસના મોટાનેતા ભાજપ અને અન્ય સાથી પક્ષની મંજૂરી પણ માગી શકે છે. આંતરિક અસંતોષ ચાલી રહ્યો છે એ વાતનો પુરાવો પણ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ જ આપી દીધો હતો.મહુઆ મોઈત્રાએ સુદીપ પર ટોણો મારતા કહ્યું હતું કે, સુદીપનું માસ્ક અને વિગ ઊતરી ગયા છે. સુદીપે અમને કહ્યું હતું કે, પેટમાં દુઃખાવાના કારણે તેઓ કૉલકાતાની હોસ્પિટલમાં એડમિટ થયા છે.પણ અચાનક તેઓ દિલ્હીમાં ભૂપેન્દ્ર યાદવના ઘરે જોવા મળ્યા હતા. દાદા, ઓછામાં ઓછું ટ્વિટર હેન્ડલ બદલીને ભાજપની બી ટીમ જોઈન કરી લો. અમારા નામનો ઉપયોગ કરવાનું બંધ કરો. 

આ રીતે બદલી કૉલકાતાની રાજનીતિ
તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ આ પહેલા કૉલકાતામાં પણ બેઠક યોજી હતી. જેમાં ચોક્કસ રણનીતિ સામે આવી હતી. મેયરે જ્યારે કોર્પોરેશનમાંથી રાજીનામું આપ્યું અને બળવાખોર ધારાસભ્યોનું જુથ બન્યું એ સમયે જ સૌથી વધારે આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો હતો. એ પછી પશ્ચિમ બંગાળની ભાજપ સરકાર સામે આક્ષેપ બાજી શરૂ થઈ ગઈ હતી. દિલ્હીમાં બેઠક યોજાયા બાદ આ જુથ એક થયું અને સ્પીકરને મળવા માટે વાત નક્કી થઈ હતી.તૃણમૂલ કોંગ્રેસમાં પડેતી તિરાડમાં અસલી TMCનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો છે. જેના પડઘા દિલ્હી સુધી પડી રહ્યા છે. આ ડીનર કાર્યક્રમમાં જે વિષયની ચર્ચા થશે એ પછી રાજનીતિનું કયું પાનું લખાશે એના પર સૌની નજર રહેલી છે.