Sun Aug 30 2026

Logo

TMC નેતા અભિષેક બેનર્જી પર કથિત હુમલોના કેસમાં પાંચ લોકોની ધરપકડ, બંગાળમાં રાજકારણ ગરમાયું

2026-05-31 10:54:00
Author: Vimal Prajapati
TMC નેતા અભિષેક બેનર્જી પર કથિત હુમલોના કેસમાં પાંચ લોકોની ધરપકડ, બંગાળમાં રાજકારણ ગરમાયું

કોલકાતા:  પશ્ચિમ બંગાળમાં અત્યારે રાજકીય માહોલ ગરમાયેલો છે. TMC નેતા અભિષેક બેનર્જી ગઈ કાલે હુમલો કરવાના મામલે પશ્ચિમ બંગાળ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સોનારપુર પોલીસે આ ઘટનામાં તાત્કાલિક પગલાં ભરીને પાંચ સ્થાનિક લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ એ જ લોકો છે જેમણે સોનારપુર પ્રવાસ દરમિયાન અભિષેક બેનર્જીનો ઘેરાવ કર્યો હતો, તેમનો વિરોધ કર્યો હતો અને તેમની સાથે ગાળાગાળી કરી હતી. આ મામલે આગળની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. 

હુમલાના વિરોધમાં તૃણમૂલ કોંગ્રેસ રસ્તા પર ઉતરી

અભિષેક બેનર્જી પર થયેલા આ કથિત હુમલાના સમાચાર વાયુવેગે પ્રસરતાં જ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ વિરોધ પ્રદર્શન કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. હુગલી જિલ્લાના ચુંચુડામાં પાર્ટી કાર્યકર્તાઓ દ્વારા જોરદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પૂર્વ તૃણમૂલ ધારાસભ્ય અસિત મજૂમદારે પિપુલપાતી વળાંક પર રસ્તા જામ કરીને ધરણા કર્યા હતા, જેના કારણે કલાકો સુધી ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી.

અસિત મજૂમદારે આરોપ લગાવતા જણાવ્યું હતું કે, ‘અત્યાચારનો સામનો કરી રહેલા પાર્ટી કાર્યકર્તાઓના સમર્થનમાં જ્યારે અભિષેક બેનર્જી ત્યાં ગયા, ત્યારે તેમને કથિત રીતે અપમાનિત કરવામાં આવ્યા. તેમના પર ઇંડા અને જૂતા ફેંકવામાં આવ્યા હતા, જેના વિરોધમાં તૃણમૂલ કોંગ્રેસ રસ્તા પર ઉતરીને ન્યાયની માંગ કરી રહી છે’. ટીએમસી દ્વારા આ ઘટના મામલે ભાજપને જવાબદાર ગણાવવામાં આવી છે. ભાજપના લોકોએ જ આ હુમલો કરાવ્યો હોવાનો તેમમે આક્ષેપ લગાવ્યો હતો. 

મોંઘવારીની રેલી અચાનક ધરણા પ્રદર્શનમાં ફેરવાઈ

મળતી માહિતી મુજબ, પૂર્વ ધારાસભ્ય અસિત મજૂમદારનું આ પ્રદર્શન પહેલાથી જ નિર્ધારિત હતું, જેમાં તેઓ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અને મોંઘવારી વિરૂદ્ધ જોલાઘાટથી બીરપાતી સુધી પાર્ટી કાર્યકર્તાઓ સાથે રેલી કાઢી રહ્યા હતા. પરંતુ આ રેલી દરમિયાન જ તેમને અભિષેક બેનર્જી સાથે થયેલા દુરવ્યવહારની માહિતી મળી હતી. આ સમાચાર મળતા જ તેઓ પોતાના સમર્થકો સાથે ધરણા પર બેસી ગયા હતા. આ મુદ્દો અત્યારે પશ્ચિમ બંગાળમાં સૌથી મોટો ચર્ચાનો વિષય બની ગયો છે.