Mon Sep 07 2026

Logo

અંતરિક્ષથી અન્નદાતા સુધી... ખેતીમાં સ્પેસ ટેક્નૉલૉજીની નવી ક્રાંતિ

2026-08-30 08:23:00
Author: Bharat Mehta
અંતરિક્ષથી અન્નદાતા સુધી... ખેતીમાં સ્પેસ ટેક્નૉલૉજીની નવી ક્રાંતિ

 

ભરત મહેતા

એક સમય એવો હતો જ્યારે ખેડૂત વરસાદ માટે આકાશ તરફ જોતો હતો. આજે તે જ આકાશમાં ફરતા ઉપગ્રહો તેની ખેતીના માર્ગદર્શક બની ગયા છે. અવકાશ ટેક્નૉલૉજી માત્ર વૈજ્ઞાનિક સિદ્ધિ નથી રહી, પરંતુ તે ખેતરમાં હરિયાળી, ઉત્પાદકતા અને સમૃદ્ધિ લાવતું આધુનિક સાધન બની છે. ગુજરાતનાં ગામડાંમાં વહેલી સવારનું દૃશ્ય કલ્પો. ખેડૂત ખભે કોદાળી લઈને ખેતર તરફ નીકળે છે. વર્ષોથી તેની નજર આકાશ પર રહેતી આવી છે. ક્યારે વરસાદ આવશે? ક્યારે પાકને પાણી આપવું? ક્યારે વાવણી કરવી? આ બધા પ્રશ્રોના જવાબ તે કુદરતના સંકેતોમાંથી શોધતો હતો.

આજે પણ તે આકાશ તરફ જુએ છે, પરંતુ હવે કારણ જુદું છે, કારણ કે એ જ આકાશમાં ફરતા ઉપગ્રહો તેના ખેતરની ખબર રાખી રહ્યા છે.

અવકાશ ટેક્નૉલૉજીનું નામ સાંભળતાં આપણને સામાન્ય રીતે ચંદ્રયાન, ગગનયાન કે મંગળયાન યાદ આવે,  પરંતુ અવકાશ વિજ્ઞાનની સૌથી મોટી સિદ્ધિ કદાચ એ છે કે તેની ટેક્નૉલૉજી હવે ખેતરો સુધી પહોંચી ગઈ છે. ઉપગ્રહો અને કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) ખેતીને અનુભવ આધારિત વ્યવસાયમાંથી માહિતી આધારિત વિજ્ઞાનમાં પરિવર્તિત કરી રહ્યા છે.

હવામાનની આગાહી છે ખેડૂતો માટે જીવનરેખા...

ખેડૂત માટે વરસાદ માત્ર કુદરતી ઘટના નથી, પરંતુ સમગ્ર અર્થતંત્રનો આધાર છે. એક ખોટો નિર્ણય આખી મોસમને અસર કરી શકે છે.

અવકાશમાં ફરતા હવામાન ઉપગ્રહો સતત વાદળોની ગતિ, ભેજ, તાપમાન અને વાતાવરણમાં થતા ફેરફારોનું નિરીક્ષણ કરે છે. આ માહિતીના આધારે ખેડૂતોને સમયસર હવામાનની આગાહી મળે છે. પરિણામે તે વાવણી, સિંચાઈ અને કાપણી અંગે વધુ ચોક્કસ નિર્ણય લઈ શકે છે.

ગુજરાત જેવા પ્રદેશમાં, જ્યાં ક્યારેક દુષ્કાળ તો ક્યારેક અતિવૃષ્ટિ જોવા મળે છે ત્યાં આવી આગાહી ખેડૂતો માટે વરદાન સમાન છે.

જ્યારે સૅટેલાઇટ બને પાકનો ડૉક્ટર...

માણસ બીમાર પડે તો ડૉક્ટર પાસે જાય, પરંતુ પાકની તબિયત કોણ તપાસે?

સૅટેલાઇટ્સમાં આવેલા અદ્યતન સેન્સર્સ છોડમાંથી પરાવર્તિત થતા વિવિધ પ્રકારના પ્રકાશનું વિશ્ર્લેષણ કરે છે. છોડને પૂરતું પાણી મળે છે કે નહીં, તેમાં પોષક તત્ત્વોની ખામી છે કે નહીં, અથવા તે કોઈ રોગના પ્રભાવ હેઠળ છે કે નહીં, તેનો અંદાજ વૈજ્ઞાનિકો પહેલાંથી મેળવી શકે છે.

ISRO દ્વારા વિકસાવવામાં આવેલી રિમોટ સેન્સિંગ ટેક્નૉલૉજીનો ઉપયોગ પાકની સ્થિતિ, ઉત્પાદનના અંદાજ અને જમીનની માહિતી મેળવવા માટે લાંબા સમયથી કરવામાં આવે છે. FASAL કાર્યક્રમ હેઠળ અવકાશ આધારિત માહિતી અને હવામાનના આંકડાઓના આધારે પાક ઉત્પાદનનું પૂર્વાનુમાન કરવામાં આવે છે.

એટલે આજે સૅટેલાઇટ માત્ર ફોટોગ્રાફ લેતું સાધન નથી, પરંતુ ખેડૂતના પાકનું નિદાન કરતો નિ:શબ્દ વૈજ્ઞાનિક છે.

પાણીનું એક-એક ટીપું હવે બની રહ્યું છે કીમતી...

આવનારાં વર્ષોમાં ખેતીનો સૌથી મોટો પડકાર પાણીનો રહેશે. વિશ્વભરમાં પાણીની અછત વધી રહી છે અને ગુજરાત પણ આ સમસ્યાથી અજાણ નથી.

સૅટેલાઇટ ટેક્નૉલૉજી જમીનની ભેજનું માપ આપે છે. જેના આધારે કયા વિસ્તારમાં કેટલું પાણી આપવું તે નક્કી કરી શકાય છે. આને ‘પ્રિસિઝન ફાર્મિંગ’ કહેવામાં આવે છે. પાણીનો બિનજરૂરી બગાડ અટકે છે, વીજળી બચે છે અને ઉત્પાદન ખર્ચ ઘટે છે.
ખેડૂત માટે આ માત્ર ટેક્નૉલૉજી નથી, પરંતુ નફાકારક ખેતી તરફનું એક પગલું છે.

વિશ્વભરમાં શું થઈ રહ્યું છે? 

ભારત આ ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે, પરંતુ વિશ્વના અન્ય દેશોએ પણ અવકાશ ટેક્નૉલૉજીનો કૃષિમાં વ્યાપક ઉપયોગ શરૂ કરી દીધો છે.

યુરોપિયન યુનિયનનો Copernicus કાર્યક્રમ ખેતી માટે વિશ્વના સૌથી સફળ અવકાશ પ્રોજેક્ટ્સમાં ગણાય છે. Sentinel ઉપગ્રહો પાકની સ્થિતિ, જમીન ઉપયોગ, સિંચાઈ વ્યવસ્થાપન અને ઉત્પાદનના અંદાજ માટે માહિતી પૂરી પાડે છે. પ્રિસિઝન ફાર્મિંગમાં યુરોપ આજે અગ્રણી માનવામાં આવે છે.

અમેરિકામાં NASA અને અન્ય સંસ્થાઓ પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહો દ્વારા દુષ્કાળ, પાકની સ્થિતિ અને કૃષિ સંસાધનોનું નિરીક્ષણ કરે છે. ઇઝરાયલે અવકાશ માહિતી અને સ્માર્ટ સિંચાઈને જોડીને રણપ્રદેશમાં પણ અસરકારક ખેતીનું મોડેલ વિકસાવ્યું છે.
આ બધા વચ્ચે ભારતની ખાસિયત એ છે કે અહીં આ ટેક્નૉલૉજી કરોડો નાના ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ દિશામાં ISROનું યોગદાન વિશેષ નોંધપાત્ર છે.

AI તથા સ્માર્ટફોન: ખેડૂતના છે નવા સાથી... 

એક સમયે ખેડૂતને વૈજ્ઞાનિક સલાહ મેળવવા માટે કચેરીઓના ધક્કા ખાવા પડતા. આજે એ માહિતી તેના હાથમાં રહેલા મોબાઇલ સુધી પહોંચી ગઈ છે. સૅટેલાઇટ ડેટા, AI અને મોબાઇલ ઍપ્લિકેશન્સના સંયોજન દ્વારા ખેડૂતોને પાકની સ્થિતિ, ભેજનું પ્રમાણ અને સંભવિત હવામાન પરિવર્તન અંગે સીધી માહિતી આપવામાં આવે છે. ભારતની અનેક કંપનીઓ આ દિશામાં કામ કરી રહી છે અને ખેડૂતોને ડેટા આધારિત ખેતી તરફ દોરી રહી છે.

નવી હરિત ક્રાંતિનો પાયો છે આ...

1960ના દાયકાની હરિત ક્રાંતિએ ભારતમાં અનાજનું ઉત્પાદન વધાર્યું હતું. એકવીસમી સદીની નવી હરિત ક્રાંતિ માહિતી, ડેટા અને અવકાશ ટેક્નૉલૉજી પર આધારિત હશે.

આજે રૉકેટના ગર્જતા અવાજ અને ખેતરમાં લહેરાતા પાક વચ્ચે એક અદૃશ્ય સંબંધ ઊભો થયો છે. અવકાશમાં થતી શોધોનો સીધો લાભ હવે ખેડૂત સુધી પહોંચવા લાગ્યો છે. આ વિજ્ઞાનની સાચી લોકશાહી છે. ખેડૂત આજે પણ આકાશ તરફ જુએ છે, પરંતુ હવે તેની નજર માત્ર વરસાદ પર નથી. તેને ખબર છે કે એ જ આકાશમાં ફરતો કોઈ ઉપગ્રહ તેના ખેતરની ખબર રાખી રહ્યો છે. આકાશ અને ધરતી વચ્ચેનો આ અદૃશ્ય સંવાદ જ ભારતની નવી કૃષિક્રાંતિનો પાયો છે.