- પ્રફુલ શાહ
ઈજિપ્ત અને સુદાનની વચ્ચે આવેલો આશરે 2,060 ચોરસ કિલોમીટરના ઉજ્જડ રણવિસ્તાર બીર તાવિલ (ઇશિ ઝફૂશહ)ને જતો કરવાનું કારણ છે હલાયેબ ટ્રાયેન્ગલ (ઇંફહફુયબ ઝશિફક્ષલહય). હા, ઇજિપ્ત અને સુદાન વચ્ચેનો લગભગ 20,580 ચો. કિમીનો વિવાદિત સરહદી વિસ્તાર. એનું ક્ષેત્રફળ ઇઝરાયેલ કરતાં સહેજ મોટું છે.
લાલ સમુદ્રના પશ્ર્ચિમ કિનારે, ઇજિપ્ત અને સુદાન સરહદ પાસે આવેલા આ વિસ્તાર પર હાલમાં ઇજિપ્ત વાસ્તવિક નિયંત્રણ ધરાવે છે અને તે પોતાના દેશનો ભાગ હોવાનો મક્કમ દાવો કરે છે. સામે પક્ષે સુદાન પણ ઐતિહાસિક અને સરહદી દાવાના આધારે હલાયેબ પર પોતાનો અધિકાર માને છે. હલાયેબ લાલ સમુદ્રના એવા વિસ્તારમાં છે જ્યાંથી લાલ સમુદ્ર અને સુએઝ નહેર તરફના દરિયાઈ માર્ગોનું વ્યૂહાત્મક મહત્ત્વ જોડાય છે. ઇજિપ્ત માટે આ ખાસ મહત્ત્વનું છે. હમણાં અમેરિકા અને ઈરાનના યુદ્ધે નહેર અને દરિયાઈ માર્ગોનું મહત્ત્વ દુનિયાને બરાબરનું સમજાવી દીધું છે.
હલાયેબ ટ્રાયેન્ગલનું મહત્ત્વ માત્ર જમીનના કદને કારણે નહીં, પરંતુ તેની ભૌગોલિક સ્થિતિ અને સંસાધનોને કારણે છે. વધુમાં હલાયેબને લાલ સમુદ્રનો લાંબો દરિયાકિનારો મળે છે. એટલે બંદર, માછીમારી અને સમુદ્રી વેપાર માટે તેનું વ્યૂહાત્મક મહત્ત્વ ઘણું છે.
લાલ સમુદ્રનો દરિયાકિનારો સ્થાનિક લોકો માટે માછીમારી અને અન્ય સમુદ્રી સંસાધનોનો પણ અગત્યનો સ્ત્રોત છે.
લાલ સમુદ્ર, કોરલ રીફ, રણ અને પર્વતીય ભૂદૃશ્યને કારણે આ વિસ્તાર ડાઇવિંગ, દરિયાઈ પર્યટન અને સાહસિક પ્રવાસન માટે આકર્ષક છે. આથી દેશ માટે આવક, રોજગાર અને વિકાસની શક્યતા નિર્માણ થાય છે.
આ વિસ્તારમાં સોનું, તાંબું અને અન્ય ખનિજોના ભંડારો હોવાની શક્યતા અને ખાણકામની પ્રવૃત્તિઓ મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને ઇજિપ્તે આ વિસ્તારમાં સોનાની શોધખોળ અને ખનિજ સંશોધન હાથ ધર્યું છે. જો કે અહીં એક મહત્ત્વની વાત સમજવા જેવી છે. હલાયેબનું સૌથી મોટું મૂલ્ય કદાચ એમાં રહેલા સોનામાં નથી પણ દરિયાકિનારા અને સરહદી સ્થાન બંને દેશો માટે વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી વધાર મહત્ત્વ છે.
હલાયેબ વિસ્તારમાં કેટલું સોનુ હશે?
હા, હલાયેબ અને શલાતીન વચ્ચેનો દક્ષિણ-પૂર્વ ઇજિપ્તનો વિસ્તાર પ્રાચીન સમયથી સોનાના ખનન માટે પ્રખ્યાત છે. આજે પણ અહીં સોનાની શોધખોળ અને નાના પાયે ખનન થાય છે. હકીકતમાં હલાયેબ - શલાતીન વિસ્તાર સોનાની ઊંચી સંભાવના ધરાવતા ઈસ્ટર્ન ડેઝર્ટનો ભાગ છે, પરંતુ નજીકનાં અન્ય ખાણક્ષેત્રોના આંકડાને આખા હલાયેબ ટ્રાયેન્ગલના સોનાના ભંડાર તરીકે ગણવું ઉચિત નથી જ.
હજી 2020માં ઇજિપ્તે ઈકાત વિસ્તારમાં 1 મિલિયન ઔંસ (આશરે 31,103.48 કિલોગ્રામ અર્થાત 31.1 મેટ્રિક ટન) થી વધુ સોનાનો અંદાજિત ભંડાર જાહેર કર્યો હતો. અન્ય એક માહિતીમાં ઈકાત માટે 1.4 મિલિયન ઔંસ (આશરે 43,545 કિલોગ્રામ એટલે 43.55 ટન)થી વધુ ઉત્પાદનની સંભાવના દર્શાવવામાં આવી છે. પરંતુ ઈકાત વિસ્તાર આખો હલાયેબ ટ્રાયેન્ગલ નથી. તેથી આ બધું સોનું હલાયેબ ટ્રાયેન્ગલનું છે એમ કહી ન શકાય.
જોકે હલાયેબ-શલાતીનના દરિયાકાંઠા વિસ્તારમાં હાથ ધરાયેલા વૈજ્ઞાનિક અભ્યાસોમાં અન્ય ખનિજ- ધાતુ હોવાનું બહાર આવ્યું હતું, જેમાં ઇલ્મેનાઇટ, ઝિર્કોન, મેગ્નેટાઇટ, રૂટાઇલ, ગાર્નેટ, મોનાઝાઇટનો સમાવેશ થાય છે.
આમ છતાં હલાયેબ ત્રિકોણ માટે ઈજિપ્ત અને સુદાન વચ્ચે કોઈ મોટું સત્તાવાર કે સીધું યુદ્ધ થયું નથી, પરંતુ આ બંને દેશો વચ્ચે આ પ્રદેશને લઈને લાંબા સમયથી રાજકીય વિવાદ અને તણાવ ચાલે છે. મહાસત્તા અમેરિકા રસ લે ત્યાં સુધી શાંતિ છે એનો હાશકારો અનુભવીએ.
(સંપૂર્ણ)