નેપાળનું તાજું જળસંકટ અકલ્પનીય છે. એની પાછળ કુદરતના નામે ચીન કોઈ ભેદી રમત રમી ગયું હોવાની શંકા પર્યાવરણના નિષ્ણાતોને છે. આવો જ ગેબી ખેલ ચીન આપણી સાથે કઈ રીતે રમી શકે એ જાણીને સાવચેત રહેવું જરૂરી છે....
- વિજય વ્યાસ
જોશીમઠ પર તોળાતું જોખમ
નેપાળની જલપ્રલયની હોનારતે આખી દુનિયાને ખળભળાવી મૂકી છે. તિબેટમાંથી નીકળતી ભોટેકોશી નદીના પાણીનો પ્રવાહ અવરોધાયો તેના કારણે બનેલું તળાવ અચાનક ફાટ્યું ને તેનાં પાણી નેપાળમાં ફરી વળ્યાં તેથી આખેઆખાં ગામ સાફ થઈ ગયાં. હજારોનાં મોત થયાં ને કલ્પના પણ ના કરી હોય એવી જાનહાનિ થઈ ગઈ. અત્યાર સુધી આપણે નદીઓમાં આવતાં પૂર, ભારે વરસાદ, દરિયાઈ તોફાનો, સુનામી જેવી ઘટનાઓના કારણે સર્જાતી તબાહી, વાદળો ફાટવાં વગેરે કુદરતી હોનારતોના કારણે આવતા જળપ્રલયના કારણે વેરાતો વિનાશ પણ જોયો હતો.
જોકે નેપાળમાં હવે અલગ પ્રકારનો જળપ્રલય જોયો કે જેને ચીન કુદરતી ગણાવે છે, પણ આ હોનારત ચીને સર્જી હોવાની પૂરી શક્યતા છે.
આ પરિસ્થિતિમાં નેપાળ જેવી જળહોનારતનો ભારે ખતરો આપણા પર છે. ખાસ કરીને ઉત્તરાખંડ પર મોટું જોખમ છે કેમ કે ઉત્તરાખંડમાં આડેધડ બાંધકામો થઈ રહ્યાં છે. પહાડોને તોડીને બનાવાઈ રહેલી હોટલો વગેરેના કારણે ભવિષ્યમાં શું સ્થિતિ થશે તેનાં ટ્રેલર આપણને વારંવાર જોવા મળે છે, પણ આપણે સુધરતા નથી. ઉત્તરાખંડમાં વારંવાર ભેખડો ધસી પડે છે અને રસ્તા બ્લોક થઈ જાય છે. નસીબજોગે અત્યાર લગી ભેખડો ધસીને નદીઓના રસ્તામાં પડી નથી તેથી તિબેટમાં બન્યું એવું કૃત્રિમ તળાવ બની જાય ને પછી અચાનક ફાટી જાય તેના કારણે કોઈ હોનારત સર્જાઈ નથી, પણ નદીકિનારે સતત થઈ રહેલાં બાંધકામોના કારણે ભવિષ્યમાં આ બાંધકામો તૂટીને નદીના પ્રવાહમાં ભળે તો હાહાકાર મચી જાય.
ઉત્તરાખંડમાં ગંગા સૌથી મોટી નદી છે. ગંગાનો પ્રવાહ જબરદસ્ત છે તેથી તેનો પ્રવાહ ના રોકાય અને કૃત્રિમ તળાવ ના બને પણ તેમાં ભેખડો પડે કે કાટમાળ પડે તો અકલ્પનીય વિનાશ સર્જાય. ઉત્તરાખંડમાં અલકનંદા, ભાગીરથી, યમુના, મંદાકિની વગેરે નદીઓ પણ છે કે જે ગંગા જેટલી મોટી નથી. આ નદીઓમાં ભેખડો. પથ્થરો વગેરે પડે ને પ્રવાહ રોકાઈ જાય તો ત્યાં પણ ન કલ્પેલી તબાહી થઈ શકે છે.
ઉત્તરાખંડમાં સતત થઈ રહેલાં બાંધકામોના કારણે કેવો ખતરો છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ જોશીમઠ છે. સ્થિતિ એ છે કે, ઉત્તરાખંડના જોશીમઠ શહેરનું અસ્તિત્વ જ મટી જાય... જોશીમઠ પ્રાચીન નગર છે અને હિંદુઓ માટે અત્યંત પવિત્ર યાત્રાધામ મનાતા બદરીનાથનું પ્રવેશદ્વાર ગણાય છે. બદરીનાથ તથા હેમકુંડ સાહિબના રસ્તામાં આવતા જોશીમઠની પાસે જ આંતરરાષ્ટ્રીય સ્કીઈંગ પ્લેસ ઔલી પણ આવેલું છે. જોશીમઠમાં શંકરાચાર્યનો આશ્રમ જ્યોતિર્મઠ આશ્રમ પણ છે ને બીજાં પણ પવિત્ર મનાતાં સ્થળો છે. જોશીમઠમાં બધાં મળીને 4000ની આસપાસ ઘર છે પણ તેની આસપાસ થઈ રહેલાં બાંધકામોના કારણે 1000 જેટલાં ઘરોમાં તિરાડો પડી ગઈ છે. જોશીમઠ અલકનંદા અને ધૌલીગંગા નદીઓના સંગમસ્થાને વસેલું છે તેથી આ ઘરો અને ભેખડો તૂટીને બંને નદીના પાણીમાં ભળે તો આપણે વિચારી પણ ના શકીએ એવી બરબાદી સર્જાઈ જાય.
જોશીમઠ સહિતનાં ઊંચાઈ પર આવેલાં ઘણાં શહેરોમાં મોટા પાયે ચાલી રહેલા બાંધકામના કારણે ખતરો હોવાની ચેતવણી પહેલાં પણ અપાઈ છે, પણ રાજ્ય સરકાર તેને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખે છે. બલ્કે રાજ્ય સરકારની મહેરબાનીથી નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિ. (એનટીપીસી)એ આ વિસ્તારમાં તપોવન-વિષ્ણુગઢ પ્રોજેક્ટ શરૂ કર્યો છે ને તેના કારણે પણ જમીન પોલી થઈ ગઈ છે.
ભૂસ્તરશાસ્ત્રીઓનું કહેવું છે કે, જોશીમઠ જ નહીં, પણ નૈનિતાલ અને બીજાં શહેરોમાં પણ આ જ સ્થિતિ સર્જાઈ શકે છે. ઉત્તરાખંડમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો આડેધડ ઔદ્યોગિકીકરણ કરી રહી છે, શહેરીકરણ કરી કરીને નવી નવી યોજનાઓ બનાવી રહી છે. પ્રવાસનને ઉત્તેજન આપવાના નામે ગેસ્ટહાઉસ, ફેક્ટરીઓ, કોલોનીઓ બનાવાઈ રહી તેથી પ્રાકૃતિક સ્રોતનો વિનાશ થયો છે ને જમીનનું સંતુલન ખોરવાઈ ગયું છે. પર્યાવરણ અને ભૂસ્તરમાં થયેલા ફેરફારોના કારણે ભૂગર્ભીય ગડબડ થઈ ગઈ છે.
ઉત્તરાખંડ હિમાલયમાં વસેલું રાજ્ય છે. આ પહાડી પ્રદેશ છે પણ પહાડો નક્કર નથી પણ બનેલા છે તેથી બરફ પિગળે ત્યારે માટી ધોવાય છે. આ માટી ધોવાય નહીં એટલે તેને બાંધી રાખવી જરૂરી છે પણ ખોદકામ થાય એટલે માટી બંધાયેલી રહેતી નથી. તેનાં વર્ષોથી ચાલતા ક્ધસ્ટ્રક્શન અને કહેવાતાં વિકાસ કાર્યોના પગલે ભૂસ્ખલન થાય છે ને પોલાણ થાય છે. તેના પરિણામે જમીન ધસી પડવાની ઘટનાઓ વધતી જ જાય છે. આ ઉપરાંત બાંધકામોના કારણે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે તેથી હિમશીલાઓ અને હિમનદીઓ પિગળવાનું પ્રમાણ પણ વધ્યું છે. આ કારણે નદીઓમાં પૂરની ઘટનાઓ વધી રહી છે. ઉત્તરાખંડમાં વાદળો ફાટવાની ઘટનાઓ પણ વધી છે તેથી અચાનક જ પાણીનો પ્રવાહ વધી જાય એવું પણ બને છે તેથી આપણે આ કહેવાતા વિકાસને નહીં રોકીએ તો ભવિષ્યમાં ભારતમાં પણ નેપાળ જેવી તબાહી સર્જાઈ શકે છે.
ભારતને તો ચીન તરફથી ઉત્તર-પૂર્વમાં માનવસર્જિત હોનારતનો પણ ખતરો છે. લોકોની યાદદાસ્ત બહુ ટૂંકી છે તેથી બહુ બધાંને યાદ નહીં હોય પણ ચીને 2018માં નેપાળ જેવી હોનારત ભારતમાં સર્જાઈ શકે એવી ચેતવણી આપી જ હતી. 2018માં ચીને ચેતવણી આપી હતી કે, તિબેટમાં ભારે વરસાદના કારણે ભેખડો ધસી પડવાથી યાર્લુંગ સાંગપો એટલે કે બ્રહ્મપુત્રા નદીના પાણીનો પ્રવાહ રોકાઈ જતાં વિશાળ કૃત્રિમ સરોવરનું નિર્માણ થયું છે. માટી અને પથ્થરોનું બનેલું આ કૃત્રિમ સરોવર ગમે ત્યારે ફાટી જાય અને અરૂણાચલ પ્રદેશમાં બ્રહ્મપુત્રા નદીનાં ધસમસતાં પાણી ફરી વળશે તેથી જબરદસ્ત તબાહી થશે એવી ચેતવણી ચીને આપી હતી. આ ચેતવણીના પગલે ભારત સચેત થઈ ગયું હતું. લોકોને સલામત સ્થળે ખસેડવા સહિતનાં પગલાં તાત્કાલિક ભરાયાં હતાં. લોકોને ઘરો ખાલી કરીને બહાર મોકલી દેવાયાં હતાં. બ્રહ્મપુત્રાનું પાણી આસામમાં જાય છે તેથી આસામમાં પણ કાંઠાના વિસ્તારો ખાલી કરી દેવાયા હતા. ચીને એ પછી જાહેર કર્યું કે, પાણી ઓસરી જતાં હવે સરોવર ફાટવાનો ખતરો નથી તેથી ચિંતા ના કરશો.
જોકે નિષ્ણાતો માને છે કે, ચીને પોતે કૃત્રિમ સરોવરની અફવા ફેલાવી હતી કે જેથી ભારત પર તેની શું અસર થાય છે તે ચકાસી શકાય. ચીને ભારતમાં ફફડાટ ફેલાવવા અને ભવિષ્યમાં પોતે ભારતને તબાહ કરી શકે છે તેનો અહેસાસ કરાવવા આ નાટક કરેલું. વાસ્તવમાં કોઈ કૃત્રિમ સરોવર બન્યું જ નહોતું, પણ ભારતનો ગભરાટ જોયા પછી ચીનને લાગ્યું કે, આ પણ એક અસરકારક હથિયાર સાબિત થઈ શકે છે તેથી ચીને હવે આવાં નાનાં નાનાં કૃત્રિમ સરકોવર બનાવ્યાં છે કે જેનો ઉપયોગ ભવિષ્યમાં ભારત સામે કરી શકાય. નેપાળ પર તેનો સફળ પ્રયોગ કરી લીધો ને હવે કદાચ ભારતનો વારો આવી શકે. આવાં ત્રીસેક સરોવરો તિબેટમાં બનાવાયાં છે એવું કહેવાય છે એ જોતાં ભારત પર ખતરો છે જ.
ચીન તો તિબેટમાંથી નીકળતી નદીઓનાં પાણી પર પોતાનો જ અધિકાર રહે એ માટે નદીઓના કુદરતી ઉત્તરથી દક્ષિણ તરફના પ્રવાહને બદલીને દક્ષિણથી ઉત્તર તરફ પણ કરી રહ્યું છે. બ્રહ્મપુત્રા પર જ 11 બંધ બનાવીને આ બંધનાં પાણીને મોટી પાઈપોથી ચીનના જળસંકટગ્રસ્ત દક્ષિણ ભાગ તરફ વાળવાનો પ્રોજેક્ટ ચીને હાથ ધરેલો જ છે. આ સિવાય ચીન બીજા નાના નાના ડેમ પણ બનાવી રહ્યું છે. પહાડોમાં બની રહેલા આ ડેમના કારણે જમીનનું સંતુલન બગડી જતાં ભૂકંપનો ખતરો પણ છે. ભૂકંપ આવે ને એકાદ ડેમ તૂટે તો તેનું પાણી સીધું ભારતમાં જ ઘૂસે એ જોતાં ભારત માટે બહુ મોટો ખતરો છે.
નેપાળની તાજી હોનારતમાંથી ભારતે બોધપાઠ લેવાની જરૂર છે. ઉત્તરાખંડમાં પર્વતો કાપી કાપીને બેફામ બાંધકામો થઈ રહ્યાં છે તેના કારણે હિમશીલાઓ અને હિમનદીઓ ઝડપથી ઓગળી રહી છે. બીજી તરફ ચીન તો પાણીનો ઉપયોગ હથિયાર તરીકે કરવાની દિશામાં આગળ વધી જ રહ્યું છે. ચીન પાસે રાક્ષસી ટેકનોલોજી છે તેથી એ ગમે તે કરી શકે એ જોતાં ભારતે આ બે તરફના ખતરાને પહોંચી વળવા માટે નક્કર નીતિ બનાવવી જરૂરી છે. શિયાળ જેવા લુચ્ચા શત્રુ ચીનથી સતત ચેતતા રહેવું જરૂરી છે.