Tue Sep 01 2026

Logo

આઇપીઓમાં શૉર્ટટર્મ રોકાણનો ટ્રેન્ડ: લિસ્ટિંગ ગેનનો લાભ લેવા લાલાઓની દોટ...

2026-08-30 08:24:00
Author: Jayesh Chitaliya
આઇપીઓમાં શૉર્ટટર્મ રોકાણનો ટ્રેન્ડ: લિસ્ટિંગ ગેનનો લાભ લેવા લાલાઓની દોટ...

 

ભૂલો દોહરાવતા રોકાણકારો વૅલ્યુએશનની ગૅમ સમજે તેમાં સાર...

જયેશ ચિતલિયા

તાજતેરમાં ફરી એકવાર આઇપીઓની મોસમ જોરમાં છે. આ બે-ત્રણ મહિનામાં સંખ્યાબંધ આઇપીઓ બજારમાં આવતા રહેવાના છે. આમાંની ઘણી કંપનીઓ વેસ્ટ-એસિયા ક્રાઇસિસને અને વૉલેટિલિટીને કારણે ઈસ્યૂ લાવવાનું ટાળી રહી હતી. કંપનીઓના આઇપીઓ માર્કેટની કતાર આમ તો રોકાણકારો માટે એક તક હોય છે, પરંતુ સાવચેતી બહુ જરૂરી હોય છે.

આઇપીઓને લઈને રોકાણકારો મોટેભાગે જે ભૂલી જાય છે અને કોઈ પણ આઇપીઓમાં રોકાણ કરવા દોડે છે તેમની માટે યાદ કરાવવા જેવી વાત એ છે કે આ કતારમાં આવતા દરેક નવાં સાહસો-ન્યુએજ કંપનીઓ પોતાના નામથી કેટલા પણ પૉપ્યુલર હોય તેમના નામે અંજાઈ જવું નહીં, કારણ કે કોના ભાવ પછીથી ઢીલા પડી જાય એ સમજવું કઠિન હોય છે. 2024માં આવેલા આવા કેટલાક આઇપીઓના ભાવો પછીથી નબળાં પડી ગયા હતા, જે લિસ્ટિંગ વખતે પ્રીમિયમમાં લિસ્ટ થયા હતા. જે રોકાણકારો લિસ્ટિંગ ગેન માટે દાડ્યા હોય તેમની વાત જુદી છે, પરંતુ જો લિસ્ટિંગના ભાવ જોઈ નવા યા વધુ રોકાણ માટે દોડ્યા હોય તો સમજવું જરૂરી છે.

2024માં મૂડીબજારમાં આવેલી 17 ન્યુએજ કંપનીમાંથી સાત કંપનીઓ પ્રીમિયમ ભાવે લિસ્ટ થઈ હતી, જેના ભાવ હાલ ઈસ્યૂ પ્રાઇસ કરતાં  પણ નીચા બોલાઈ રહ્યા છે. યાદ રહે, લિસ્ટિંગના ભાવ એ યુફોરિયા હોય છે અને જુગાર કે જુગાડ પણ હોય છે. 
રોકાણકારો શૉર્ટટર્મ રિસ્ક લેતા હોય છે. આ આખી ગેમ જ લિસ્ટિંગ ગેન માટેની હોય છે. જેમાં શરૂના ભાવ જોઈ અંજાઈ જનારા લાંબે ગાળે એ ભાવ ન પામે એવું બનવાની શક્યતા ઊંચી રહે છે, જેથી યાદ એ રાખવાનું છે કે લિસ્ટિંગના ભાવ કરતા કંપનીના ફંડામેન્ટલ્સ પર ધ્યાન આપવામાં શાણપણ છે.

હાલ નાણાં પ્રવાહ આઇપીઓ તરફ વળતો હોવાનું બની શકે છે. તાજેતરના માર્કેટ ટ્રેન્ડને ધ્યાનમાં રાખતા નવા રોકાણકારો જૂની ભૂલો દોહરાવી રહ્યા હોવાનું સ્પષ્ટ જોવા મળે છે. લોકોને આઇપીઓના કડવા અનુભવો ભૂલી જતા વાર લાગતી નથી. વર્તમાન સમયમાં આવી રહેલા સંખ્યાબંધ આઇપીઓ-પબ્લિક ઈસ્યુઝમાંથી અડધી કંપનીઓના ભાવ નીચે ગયેલા જોવા મળી શકે છે. અમુક કંપનીઓના ભાવ ઑફર પ્રાઇસથી નીચે બોલાતા હશે, થોડી અપવાદરૂપ કંપનીઓના શૅરના ભાવ બહેતર અને વૃદ્ધિલક્ષી બન્યા હશે.

નવા બિઝનેસનાં જોખમો જાણો...

જાણકારોની દૃષ્ટિએ સંખ્યાબંધ કંપનીઓ માત્ર મૂડીબજારની તેજીનો લાભ લેવા બજારમાં પ્રવેશી છે. આમાંથી મોટાભાગની નવા બિઝનેસની કંપનીઓ છે, જેના ભાવિ વિશે અનુમાન બાંધી શકાય એમ નથી. આમાંની કેટલીક કંપનીઓના કોઈ ટ્રેકરેકૉર્ડ નથી અથવા બહુ ઓછા સમયનો છે, તેમના બિઝનેસ સાવ નવા પ્રકારના હોવાથી અનિશ્ર્ચિંતતાથી ભરેલા છે, એ પૉપ્યુલર ભલે થઈ જાય, પણ તે નક્કર નફો ક્યારે કરશે, કેટલો કરશે એ અધ્ધર રહેશે. હાલ તો વળી અઈં (આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ)નો ટ્રેન્ડ જોરમાં છે, પરંતુ આવી કંપનીઓના પ્રૉફિટ મોડેલ વિશે સવાલો છે. બિઝનેસ વૉલ્યુમ ઊંચા રહી શકે, બ્રાન્ડ જાણીતી થઈ શકે, પણ ખરું વૅલ્યુએશન અધ્ધરતાલ હશે. 2021થી 2025ના કેટલીક ન્યુએજ કંપનીઓના ઘણા કિસ્સા જાહેર છે. શૉર્ટ ટર્મ પ્રૉફિટમાં જ રસ આઇપીઓ માર્કેટની તેજી માટેનાં પરિબળોમાં સંબંધિત કંપનીઓના ફંડામેન્ટલ્સ કરતાં બજારની પ્રવાહિતા અને સેન્ટીમેન્ટ વધુ જવાબદાર છે, તેમાં વળી આઇપીઓ માટે ધિરાણ મર્યાદા વધી હોવાથી દોડનારાઓને ઢાળ મળ્યો છે. આવા માહોલમાં ઇન્વેસ્ટર્સના તાલ જોઈએ તો છેલ્લા અમુક વરસથી આઇપીઓનાં રોકાણકારોની માનસિકતા બદલાતી ગઈ છે, તેમને આઇપીઓમાં રોકાણ કરતા લિસ્ટિંગ ગેનમાં (એટલે કે શૅર ઊંચા ભાવે લિસ્ટ થાય કે તરત તેમાંથી નફો લઈ નીકળી જવું હોય છે. આ વર્ગ ગંભીર રોકાણ માટે તૈયાર નથી, તેમનું લક્ષ્ય માત્ર નફા તરફ રહે છે. બીજા શબ્દોમાં કહીએ તો પ્રાઇમરી માર્કેટમાં પણ શૉર્ટ ટર્મ ઇન્વેસ્ટર્સ વધી રહ્યા છે. આ વર્ગને ઇન્વેસ્ટર કહી શકાય નહીં, બલકે ટ્રેડર્સ અથવા સ્પક્યુલેટર વધુ કહી શકાય.

વૅલ્યુએશનની ગૅમ પણ સમજો...

બાય ધ વે, માર્કેટમાં કેટલાક સમયથી વૅલ્યુએશનની રમત જોરમાં છે, આ ચાલાકી ઘણેખરે અંશે સફળ પણ થઈ રહી છે. 

બીજીબાજુ, મ્યુચ્યુઅલ ફંડ્સનો પણ આઇપીઓને છલકાવવામાં ઉપયોગ થઈ રહ્યોે છે, જેમાં પરસ્પર સ્થાપિત હિતો સાચવવાનાં હોય છે. આ કાર્ય મર્ચન્ટ બૅન્કર્સ હોશિયારીપૂર્વક કરી રહ્યા છે. 

ત્રણ-સાડાત્રણ દાયકાના ભૂતકાળમાં જઈએ તો અગાઉના અનેક આઇપીઓવાળી કંપનીઓ આજે ગાયબ છે, નામશેષ છે. લોકો હવે આ કંપનીઓને ભૂલી ગયા છે, કારણ કે એ સમયના રોકાણકારો પણ હવે ભૂતકાળ બની ગયા છે, નવી જનરેશનના રોકાણકારોને ભૂતકાળમાં જવું નથી જેથી માણસો ભલે બદલાય, ભૂલો રિપીટ થયા કરે છે. 

નવા જનરેશનને 1985થી લઈને લાંબા સમયના પ્રાઇમરી માર્કેટના ટ્રેન્ડનો ખ્યાલ અને અનુભવ નથી. ખાસ કરીને કોવિડ-19 બાદના રોકાણકારો તો બજારના કેટલાય એવા ટ્રેન્ડથી વાકેફ નથી, જે જાણવા તેમની માટે જરૂરી છે, અન્યથા તે બધા બજારના ગાડરિયા પ્રવાહમાં, લેભાગુ કંપનીઓના સ્ટૉક્સમાં અને માર્કેટ મેનિપ્યુલેશનથી લઈ વૅલ્યુએશનની રમતમાં ફસાઈ શકે છે.