Thu Jul 23 2026

Logo

સુરતમાં ફ્રી ફાયર ઓનલાઈન મુ્દે પિતાએ ઠપકો આપતાં ત્રણ બાળકો ઘરથી ફરાર, જાણો ક્યાંથી મળી આવ્યા

2026-05-22 11:59:00
Author: Mayur Patel
Article Image

સુરતઃ શહેરમાં ફ્રી ફાયર ઓનલાઈન મુદ્દે પિતાએ ઠપકો આપતાં ત્રણ બાળકો ઘરથી ફરાર થઈ ગયા હતા. ગેમ રમવાના ચક્કરમાં સુરતથી બોમ્બે, જયપુર અને દિલ્હી સુધીની લાંબી સફર ખેડીને પરત આવેલા બાળકો સુરક્ષિત મળી આવ્યા હતા.

શું છે મામલો

શહેરના વેડરોડ, પંડોળમાં આવેલી સહયોગ પાવર લુમ્સ સોસાયટીના એક ઘરમાંથી એક સાથે 3 સગીર ભાઈ-બહેનો ગુમ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. 14 વર્ષનો દીકરો, 11 વર્ષનો દીકરો અને માત્ર 9 વર્ષની દીકરી 19 મે, 2026ની મધ્યરાત્રિએ આશરે 01:30થી સવારના 05:30 વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈને પણ કહ્યા વગર ઘરે ચાલ્યા ગયા હતા.આ બાળકોને ફ્રી ફાયર ગેમ રમવાની ભયંકર આદત પડી ગઈ હતી. પિતાએ ઓનલાઈન ગેમિંગના આ દૂષણથી બાળકોને બચાવવા માટે મોબાઈલમાંથી સીમકાર્ડ કાઢી ફોન કબાટમાં સંતાડી દીધો હતો. જે વાત બાળકોને એટલી હદે લાગી આવી કે તેઓ ઘર છોડીને ભાગી ગયા હતા.

બાળકોના લાચાર પિતાએ જણાવ્યું હતું કે, હું ગયા મહિનાની 27-28 તારીખે વતન ગયો હતો. મારો મોબાઈલ અહીં જ રહી ગયો હતો, જેનો ઉપયોગ મારો દીકરો કરતો હતો. હું વતનથી પરત આવ્યો ત્યારે મારી પત્નીએ ચિંતા વ્યક્ત કરી કે બાળકો બગડી રહ્યા છે અને દિવસ-રાત ફ્રી ફાયર ગેમ રમે છે. પત્નીના કહેવાથી મેં બાળકોને સુધારવા માટે 3 દિવસ પહેલા જ મોબાઈલમાંથી સીમકાર્ડ કાઢી લીધું અને ફોન પેટીમાં મૂકી દીધો હતો. 

બાળકોના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે, મેં ક્યારેય બાળકો પર હાથ નથી ઉપાડ્યો કે નથી ગાળો આપી. બસ, ગેમ રમવા ન મળી એટલે આ પગલું ભર્યું હતું. બાળકો પહેલા ભણતા હતા, પણ અહીં આવ્યા પછી તેઓ સ્કૂલે પણ નહોતા જતા અને આખો દિવસ ગેમમાં જ ડૂબેલા રહેતા હતા. રાત્રે જ્યારે એક-કે બે વાગ્યે નિંદર ઉડે તો પણ બાળકો ગેમ રમતા જોવા મળતા હતા.