Wed Jun 10 2026

Logo

કેસરનો કમાલ: આ વર્ષે રેકોર્ડબ્રેક પાક સાથે કેસર કેરીની 'બમ્પર' સીઝન!

2026-06-10 11:02:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ કેરીની સીઝન હવે અંત તરફ છે. રાજ્યમાં તાલાલા કેસર કેરીનું હબ ગણાય છે.  તાલાલામાં ગત વર્ષના 44 દિવસ સામે આ વખતે સીઝન 50 કરતાં વધુ દિવસ ચાલી છે. 2025ના 4.5 લાખ બોક્સની સરખામણીએ અત્યાર સુધીમાં 7.5 લાખ બોક્સ વેચાયા છે. રેકોર્ડ બ્રેક પાક સાથે ખેડૂતો, કેરી વિક્રેતાઓ માટે આ વર્ષ સારું રહ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગત વર્ષે કેસરની સીઝન 44 દિવસ ચાલી હતી, જેમાં ખેડૂતો 10 કિલો વજન ધરાવતા ૪.૫ લાખ બોક્સ લાવ્યા હતા. આ વર્ષે સીઝનને 50 દિવસ થઈ ચૂક્યા છે અને 7.5 લાખ બોક્સ વેચાઈ ગયા છે. સીઝન હજુ પણ ચાલુ છે અને 15 જૂન સુધી ચાલે તેવી આશા છે.  એકંદરે સારા વાતાવરણને કારણે બમ્પર પાક મેળવવામાં મદદ મળી છે.

તાલાલા માર્કેટિંગ યાર્ડના આંકડા મુજબ, આ સીઝનમાં 10 કિલોના બોક્સનો સૌથી વધુ ભાવ રૂ. 1060 અને સૌથી ઓછો ભાવ રૂ. 360 રહ્યો હતો, જ્યારે સરેરાશ ભાવ પ્રતિ બોક્સ રૂ. 600 રહ્યો હતો.

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના સૂત્રો મુજબ, માર્ચ મહિનામાં સીઝન શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં તેમને 6.9 લાખ બોક્સ કેસર કેરીની આવક થઈ છે. આ આંકડો 2024-25ના 6.36 લાખ બોક્સ અને 2023-24ના 6.06 લાખ બોક્સના આંકડાને વટાવી ગયો છે.

ખેડૂતોના કહેવા પ્રમાણે, આ આંકડાઓ ઉપરાંત અંદાજે 5 લાખ બોક્સ ખેડૂતો દ્વારા સીધા જ વિવિધ શહેરોમાં વેચવામાં આવ્યા છે અને દેશની બહાર નિકાસ કરવામાં આવ્યા છે.કેસર કેરી માટે સાનુકૂળ વાતાવરણના કારણે આ વર્ષે સારો પાક થયો છે.