દેશની જાહેર વિતરણ પ્રણાલી (PDS) અને રેશનિંગ વ્યવસ્થામાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા (સંશોધન) વિધેયક, 2026 નો મુસદ્દો જાહેર કર્યો છે. આમાં અંત્યોદય અન્ન યોજના (AAY) હેઠળ અનાજ વિતરણની પદ્ધતિમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે આ પગલાનો ઉદ્દેશ્ય ખાદ્ય અને પોષણ સુરક્ષાને મજબૂત કરવાનો તેમજ વિતરણ વ્યવસ્થાને વધુ ન્યાયપૂર્ણ બનાવવાનો છે.
ફેરફારની જરૂર કેમ પડી?
સરકારનું માનવું છે કે વર્તમાન વ્યવસ્થામાં પરિવારોના કદ (સભ્યોની સંખ્યા)ના આધારે અસમાનતા જોવા મળે છે. નાના પરિવારોને વ્યક્તિદીઠ વધુ અનાજ મળી જાય છે, જ્યારે મોટા પરિવારોને વ્યક્તિદીઠ ઓછું અનાજ મળે છે.
આ અસંતુલનને નાબૂદ કરવા અને તમામ લાભાર્થીઓને સમાન ધોરણે લાભ આપવા માટે વ્યક્તિદીઠ આધાર પર અનાજ વિતરણની નવી વ્યવસ્થા પ્રસ્તાવિત કરવામાં આવી છે.
આનાથી શું ફાયદો થશે?
આ પ્રસ્તાવ અમલમાં આવવાથી રેશન વિતરણ પ્રણાલી (અનાજ વિતરણ વ્યવસ્થા)માં પારદર્શિતા અને સંતુલન વધવાની આશા છે. આનાથી એ સુનિશ્ચિત કરી શકાશે કે દરેક વ્યક્તિને તેની જરૂરિયાત મુજબ અનાજ મળી રહે.
ખાસ કરીને મોટા અને જરૂરિયાતમંદ પરિવારોને આનો લાભ મળી શકે છે, કારણ કે હવે રેશન (અનાજ)નું પ્રમાણ પરિવારના સભ્યોની સંખ્યાના આધારે નક્કી કરવામાં આવશે.