(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ વાવ-થરાદ જિલ્લાના થરાદમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) પોલીસે ડ્રગ્સ માફિયાઓ સામે સૌથી મોટી કાર્યવાહી કરતા અંદાજે રૂ. 7,12,750 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બાતમીના આધારે પોલીસે થરાદ ટાઉન વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન એક કારમાંથી 66,750 ગ્રામ મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજિત રૂ. 2.20 લાખ જેટલી થાય છે. આ ડ્રગ્સના જથ્થા સાથે કાર અને મોબાઈલ કબજે કરી પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજીના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમે વાવ-થરાદ હાઇવે પરથી આવતી કાર શંકાના આધારે રોકી હતી. તપાસ કરતા કારમાં બેઠેલા રાણારામ (જગા) ચૌધરી પાસેથી આ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સ મંગાવવા અને પહોંચાડવાના સંદર્ભમાં પોલીસે રાણારામ ઉપરાંત સુરેશ ડાયા ત્રિવેદી અને બાબુ હીરા રાઠોડ (પઢીયાર)ની સ્થળ પરથી જ અટકાયત કરી હતી. હાલમાં પોલીસે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની ધરપકડ કરી હતી.
આ ડ્રગ્સકાંડમાં સૌથી મોટો ધડાકો ત્યારે થયો જ્યારે પકડાયેલા આરોપીઓના ભાજપ સાથેના તાર જોડાયેલા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. પકડાયેલા ત્રણ આરોપીઓ પૈકી સુરેશ ત્રિવેદી થરાદ નગરપાલિકાના વોર્ડ નંબરના ભાજપના નગરસેવકનો સગો ભાઈ હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત અન્ય એક આરોપી બાબુભાઈ પઢીયાર પણ ભાજપના સંગઠન સાથે સક્રિય રીતે જોડાયેલો હોવાના દાવા થઈ રહ્યા છે. આ હાઈ-પ્રોફાઈલ રાજકીય કનેક્શન બહાર આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. પોલીસ હવે આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને કોને સપ્લાય કરવાનું હતું, તે સમગ્ર નેટવર્કની દિશામાં સઘન તપાસ ચલાવી રહી છે.