થાણે: વીજ બિલને મુદ્દે વિવાદ થતાં મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (એમએસઈડીસીએલ)ના અધિકારી સાથે મારપીટ કરનારી મહિલાને થાણેની સેશન્સ કોર્ટે એક વર્ષની સાદી કેદની સજા સંભળાવી હતી.
એડિશનલ સેશન્સ જજ આર. એસ. ભાકરેએ ચુકાદામાં જ્યોત્સ્ના મોહન પવાર (36)ને એક વર્ષની જેલ અને ત્રણ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.ફરિયાદ પક્ષે જણાવ્યું હતું કે ઘટના જાન્યુઆરી, 2020માં એમએસઈડીસીએલની દીવા ઑફિસમાં બની હતી. બિલ વધુ રકમનું આવતું હોવાની ફરિયાદ કરવા પવાર ગઈ ત્યારે આસિસ્ટન્ટ એન્જિનિયર શશિકાંત ઉદુગડેએ જણાવ્યું હતું કે મીટર અનુસાર બિલ યોગ્ય જ છે. તેણે બિલ ભરી દેવાની વિનંતી કરી હતી, જેને લઈ પવાર ગુસ્સે ભરાઈ હતી. ગાળો બોલી, ધક્કે ચડાવી પવારે અધિકારીની મારપીટ કરી હતી.
જોકે પવારે દાવો કર્યો હતો કે અધિકારી દ્વારા મારપીટના ખોટા કેસમાં તેને સંડોવવામાં આવી છે. પુરાવાને આધારે કોર્ટે પવારની દલીલો ફગાવી દીધી હતી.કોર્ટે નોંધ્યું હતું કે ફરિયાદીના નિરાકરણથી આરોપીને સંતોષ નહોતો તો તેણે ઉપરી અધિકારીને ફરિયાદ કરવી જોઈતી હતી અથવા કાયદેસરનાં પગલાં લેવાં જોઈતાં હતાં.આરોપીને પોતાની સમસ્યાનું સમાધાન મેળવવાનો હક છે, પણ તે કાયદાને હાથમાં ન લઈ શકે, એવું જણાવી કોર્ટે પવારને કસૂરવાર ઠેરવી હતી. (પીટીઆઈ)