Fri Jun 19 2026

Logo

થાણેવાસીઓ પર પાણીકાપનું સંકટ

2026-06-18 22:32:16
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: ચોમાસું લંબાઈ જવાને કારણે મુંબઈના જોડિયા શહેર ગણાતા થાણેમાં પણ પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે.  થાણે પાલિકા આગામી દિવસોમાં પાણીકાપને લઈને કડક પગલાં લેવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યુંં છે. થાણે શહેરના પાણી પુરવઠા વિભાગની ચિંતા વધી ગઈ છે. જો બંધના કેચમેન્ટ  વિસ્તારમાં સંતોષકારક વરસાદ નહીં પડ્યો  તો થાણે પાલિકા પ્રશાસનને પાણી પુરવઠાને જાળવી રાખવા માટે વધુ આકરા પગલાં લેવા બાબતે વિચારધીન છે.   થાણે પ્રશાસન દ્વારા હાલમાં ૧૫ દિવસમાં એક વખત લેવામાં ૧૨ કલાકના પાણીના શટડાઉનને  અઠવાડિયામાં એક વખત ૨૪ કલાક સુધી વધારવાના વિકલ્પ પર વિચાર કરી રહ્યું છે.

 થાણે શહેરને ભાત્સા બંધ, સ્ટેમ ઓથોરિટી, મુંબઈ મહાનગરપાલિકા અને એમઆઈડીસી જેવા  મુખ્ય સ્ત્રોતોમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. જોકે, કેટલાક સ્ત્રોતોમાંથી પુરવઠામાં ઘટાડો થવાને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા દરરોજ ૯૦ મિલ્યન લિટર પાણી પૂરું પાડવામાં આવે છે. નૌપાડા, પાચપાખાડી, હઝુરી, લુઈસવાડી, રઘુનાથનગર, કિસાનનગર, શિવાજીનગર, પડવલનગર, જ્ઞાનેશ્વરનગર, બાલ્કુમ અને માનપાડા વિસ્તારો આ પાણી પર આધાર રાખે છે. 

બંધના કેચમેન્ટ વિસ્તારમાં હજુ સુધી સંતોષકારક વરસાદ થયો ન હોવાથી પાલિકાના પાણી પુરવઠા વિભાગે સંભવિત પરિસ્થિતિની સમીક્ષા શરૂ કરી દીધી છે. જો વરસાદની સ્થિતિ ચાલુ રહે અને પાણીના સંગ્રહમાં અપેક્ષિત વધારો ન થાય, તો પાણી વિતરણ સમયપત્રકમાં ફેરફાર, વધારાના કાપ લાગુ કરવા અથવા વિભાગવાર પુરવઠાને નિયંત્રિત કરવા જેવા પગલાં લેવા પર વિચાર કરી શકાય છે.

બીજી તરફ એમઆઈડીસી દ્વારા અઠવાડિયામાં એકવાર ૨૪ કલાક માટે પાણી પુરવઠામાં ૨૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આને કારણે કલવા, મુમ્બ્રા અને દિવા વિસ્તારના નાગરિકોને ઓછા દબાણે પાણી મળવું અથવા પુરવઠાનો સમયગાળો ઘટાડવો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં ભાતસા બંધમાં  ૧૧ ટકા અને બારવી ડેમમાં ૨૪ ટકા પાણીનો જથ્થો બાકી છે. તેથી જો આગામી દિવસોમાં વરસાદ ન પડે તો થાણેના રહેવાસીઓને પાણી કાપમાં વધારાનો સામનો કરવો પડી શકે છે.