પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે 'ઈસ્લામાબાદ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ'ની જાહેરાત કરી; હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખોલવાનો માર્ગ મોકળો થયો
ઇસ્લામાબાદઃ પાકિસ્તાને જાહેરાત કરી કે અમેરિકા અને ઈરાને એક શાંતિ સમજૂતી પર ડિજિટલી હસ્તાક્ષર કર્યા છે, જેનાથી હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાનો માર્ગ મોકળો થયો છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે બંને સરકારોના ટોચના નેતૃત્વ દ્વારા કરાર પર હસ્તાક્ષર કરવાથી સંઘર્ષના રાજદ્વારી ઉકેલ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પ્રતિબિંબિત થાય છે.
શરીફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર કહ્યું હતું કે "મને જાહેરાત કરતા ગર્વ થાય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેના ઐતિહાસિક 'ઈસ્લામાબાદ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ' (એમઓયુ) પર આજે ડિજિટલી હસ્તાક્ષર કરવામાં આવ્યા છે," તેમણે કહ્યું હતું કે આ ડિજિટલ હસ્તાક્ષરો શુક્રવારે જિનેવામાં યોજાનાર ઔપચારિક હસ્તાક્ષર સમારોહ માટે માર્ગ મોકળો થયો છે જેનું આયોજન પાકિસ્તાન અને કતાર સંયુક્ત રીતે કરશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ઈરાન સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
શાહબાઝે કહ્યું કે તેમણે પોતે મધ્યસ્થી તરીકે બંને દેશોના રાષ્ટ્રપતિઓ દ્વારા હસ્તાક્ષર કરાયેલા એમઓયુને મંજૂરી આપી છે. પોતાની પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે, "ઈસ્લામાબાદ એમઓયુ તાત્કાલિક અમલમાં આવશે. પ્રથમ પગલા તરીકે ઈરાન તાત્કાલિક હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલશે જ્યારે અમેરિકા તાત્કાલિક તેની નૌકાદળ નાકાબંધી હટાવશે."
શાહબાઝે ટ્રમ્પને પણ અભિનંદન આપ્યા અને તેમની પ્રશંસા કરતા કહ્યું કે રાજદ્વારી પ્રત્યેની તેમની અટલ પ્રતિબદ્ધતા અને વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલને પ્રાથમિકતા આપવાથી ફરી એકવાર એવા સંઘર્ષનો અંત આવ્યો છે જેના પ્રદેશ અને તેનાથી આગળના દેશો માટે વિનાશક પરિણામો આવી શકે છે. તેમણે આ સિદ્ધિમાં યોગદાન આપવા બદલ અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જે.ડી. વેન્સ, સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર સહિત યુએસ વાટાઘાટોની ટીમના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.
શાહબાઝે ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ સૈયદ મોજતબા હુસેની ખામેનેઈ અને રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન પ્રત્યે "આદર અને કૃતજ્ઞતા" વ્યક્ત કરતા કહ્યું કે તેમણે શાંતિ પ્રાપ્ત કરવામાં શાણપણ, દૂરંદેશી અને રાજદ્વારી પરિપક્વતા દર્શાવી હતી. તેમણે ઈરાની વાટાઘાટ ટીમના સભ્યો મોહમ્મદ બાઘર ગાલિબાફ, અબ્બાસ અરાઘચી અને એસ્કંદર મામેનીનો સમાવેશ થાય છે, તેમના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.
પાકિસ્તાનના વડા પ્રધાને ખાસ કરીને આ શાંતિ કરાર સુધી પહોંચવામાં કતારની ભૂમિકા અને રચનાત્મક સહયોગ પર પ્રકાશ પાડ્યો. તેમણે સાઉદી અરેબિયા, તુર્કી અને ઇજિપ્તના નેતૃત્વની તેમની "અનિવાર્ય ભૂમિકા અને અમૂલ્ય યોગદાન" માટે પણ પ્રશંસા કરી હતી. શરીફે શાંતિ પ્રક્રિયામાં યોગદાન બદલ પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની પણ પ્રશંસા કરી હતી.