મુંબઈ/અમદાવાદઃ ટી-20 વર્લ્ડ કપ (world cup)ની 10મી સીઝન ચાલી રહી છે જેમાં લીગની લડાઈ પૂરી થવાની તૈયારીમાં છે ત્યારે સુપર-એઇટમાં સહ-યજમાનો ભારત અને શ્રીલંકા સહિત સાત દેશની ટીમ પહોંચી ગઈ છે અને હવે માત્ર છેલ્લી ટીમના પ્રવેશની રાહ જોવાઈ રહી છે. પાકિસ્તાન ઇચ્છશે કે બુધવારે નેધરલૅન્ડસ સામે ભારતનો વિજય થાય.
કયા સાત દેશ સુપર-એઇટમાં?
ભારત તથા શ્રીલંકા ઉપરાંત સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, ઇંગ્લૅન્ડ, ન્યૂ ઝીલૅન્ડ તથા ઝિમ્બાબ્વે સુપર-એઇટ (Super Eight) મુકાબલામાં પહોંચી ગયા છે. હવે છેલ્લા એટલે કે આઠમા સ્થાન માટે ગ્રૂપ-એના ત્રણ દેશ અમેરિકા, પાકિસ્તાન તથા નેધરલૅન્ડ્સ વચ્ચે હરીફાઈ છે.
કયા 10 દેશ ટૂર્નામેન્ટની બહાર થયા?
વર્લ્ડ કપના ચાર ગ્રૂપમાંથી 10 દેશ ટૂર્નામેન્ટની બહાર થઈ ગયા છે જેમાં ઑસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઇટલી, નામિબિયા, ઓમાન, નેપાળ, સ્કૉટલૅન્ડ, કૅનેડા, યુએઇ અને આયરલૅન્ડ.
ગ્રૂપ-એના પાંચમાંથી ત્રણ દેશ વચ્ચે હરીફાઈ
ગ્રૂપ-એમાંથી એકમાત્ર ભારત સુપર-એઇટમાં પહોંચી ગયું છે અને ખરેખર તો એકમાત્ર નામિબિયા આઉટ થઈ ગયું છે. અમેરિકા (ચાર પૉઇન્ટ, +0.788નો રનરેટ)ની તમામ ચાર લીગ મૅચ રમાઈ ગઈ છે. જોકે બુધવારની મૅચ (બપોરે 3.00 વાગ્યાથી)માં પાકિસ્તાન (ચાર પૉઇન્ટ, -0.403નો રનરેટ) જો નામિબિયા (0 પૉઇન્ટ, -2.443નો રનરેટ) સામે હારી જશે તો સુપર-એઇટમાં પહોંચી જવાનો અમેરિકાનો ચાન્સ વધુ રહેશે.
જોકે બુધવારે અમદાવાદમાં ભારતની નેધરલૅન્ડ્સ (બે પૉઇન્ટ, -1.352નો રનરેટ) સામેની મૅચ (સાંજે 7.00 વાગ્યાથી)માં જો ભારતનો વિજય થશે તો નેધરલૅન્ડ્સ તો આઉટ થઈ જ જશે, આ ગ્રૂપમાંથી સુપર-એઇટમાં જવા રનરેટ પર પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે હરીફાઈ થશે. ભારત-નેધરલૅન્ડ્સ મૅચ પહેલાં (3.00 વાગ્યાથી) કોલંબોમાં પાકિસ્તાન-નામિબિયા વચ્ચે મુકાબલો થશે અને એ મૅચ પણ અમુક રીતે નિર્ણાયક સાબિત થઈ શકે.