નવી દિલ્હીઃ તાજેતરના ટી-20 વર્લ્ડ કપમાં કેટલીક મૅચોમાં જાહેરખબરોના પ્રસારણથી મસમોટી કમાણી થઈ હતી જેમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મૅચે સૌથી મોટું આકર્ષણ જમાવ્યું હતું અને એક જાણીતી સંસ્થાના અહેવાલમાં જણાવાયું છે કે વર્લ્ડ કપ (world cup)માં માત્ર ઍડ મારફત 1,500 કરોડ રૂપિયાથી પણ વધુ કમાણી (Income) થઈ હતી.
આઇસીસીની આ ઇવેન્ટ હતી અને બીસીસીઆઇએ ભારતમાં મૅચો પ્રસારિત કરવા માટે જાણીતી સ્પોર્ટ્સ ચૅનલ સાથે કરોડો રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ કર્યો હતો. વર્લ્ડ કપમાં જાહેરખબરો (Ad)ના પ્રસારણ થકી 1,500 કરોડ રૂપિયાથી વધુ આવક થઈ હોવાનો અહેવાલ હજી પ્રાથમિક છે અને અંતિમ અહેવાલમાં આ આંકડો વધી શકે.
10 સેકન્ડની ઍડના રેટ શું હતા?
ભારતમાં આઇપીએલ વખતે તેમ જ કોઈ પણ ક્રિકેટ મૅચ કે ટૂર્નામેન્ટ વખતે બીસીસીઆઇ અને ચૅનલના માલિકોથી માંડીને સ્ટેડિયમની બહારના ફેરિયા સહિત સૌ કોઈને નાની-મોટી કમાણી થતી હોય છે. પ્રેક્ષકો ટિકિટના પૈસા ખર્ચીને સ્ટેડિયમમાં ક્રિકેટના રોમાંચની સાથે મનોરંજન પણ મેળવતા હોય છે. ટીવી જોતા કરોડો દર્શકો પણ મૅચની ભરપૂર મોજ માણી લેતા હોય છે. વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન જેવી હાઈ-વૉલ્ટેજ મૅચ તેમ જ સેમિ ફાઇનલ અને ફાઇનલ માટે ટીવી તથા જાણીતી ઍપ પરની જાહેરખબરના રેટ ખૂબ ઊંચા હતા. સામાન્ય રીતે ટીવી પર 10 સેકન્ડની ઍડનો રેટ લગભગ 7.50 લાખ રૂપિયા હોય છે જે ટૂર્નામેન્ટ આગળ વધતી ગઈ એમ વધીને 15-16 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. પાકિસ્તાન તો ભારત સામેની મૅચનો બહિષ્કાર કરવાનું હતું, પણ આઇસીસી સામે ઝૂકીને રમ્યું હતું અને એ મૅચ વખતે 10 સેકન્ડના ઍડ સ્લૉટનો રેટ 20-25 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. સેમિ ફાઇનલ તથા ફાઇનલ જેવા જંગ માટેના 10 સેકન્ડના ઍડ સ્લૉટની કિંમત 15થી 20 લાખ રૂપિયા હતી. અખાતના દેશોની કેટલીક મોટી કંપનીઓએ જાહેરખબરો પાછળ 75 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કર્યો હતો.
ભારતનું ત્રીજું વિક્રમજનક ટાઇટલ
ભારતીય ટીમ વિક્રમજનક ત્રીજી વખત ટી-20 વર્લ્ડ કપ જીતી છે. માત્ર ખેલાડીઓ કે ફૅન્સ નહીં, આયોજક આઇસીસી તેમ જ ટૂર્નામેન્ટ સાથે સંકળાયેલી દરેક બૅ્રન્ડની કંપનીઓ માટે પણ આ આનંદનો અવસર બની ગયો. ટૂર્નામેન્ટ દરમ્યાન થયેલી ધીકતી કમાણીમાં સેમિ ફાઇનલ મૅચો તેમ જ ફાઇનલની પણ મોટી ભૂમિકા હતી. એક તો આ વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ હતી અને એમાં સૂર્યકુમાર યાદવની કૅપ્ટન્સીમાં ભારતીય ટીમે મોટા ભાગે સતત સારું પર્ફોર્મ કર્યું અને છેવટે ચૅમ્પિયનપદ પણ મેળવ્યું એટલે બધા માટે આ વિશ્વ કપ બમ્પર કમાણીનો અવસર સાબિત થયો.