Thu Jun 18 2026

Logo

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ સૂર્યકુમાર યાદવને આ વાતનો અફસોસ! જાણો કેમ માફી માંગી

2026-03-12 14:58:00
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ ચેમ્પિયનનું ટાઈટલ જાળવવામાં સફળ રહી છે. ટીમને ચેમ્પિયન બનાવવા છતાં સૂર્યકુમાર યાદવને એક વાતનો અફસોસ રહી ગયો છે, જેના માટે તેણે માફી માંગી છે. 

નોંધનીય છે કે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ક્રિકેટ ટીમે 9 મેચ રમી, જેમાંથી માત્ર એક જ મેચમાં ટીમને હાર મળી. ટુર્નામેન્ટના સુપર-8 સ્ટેજમાં ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે 76 રને હારી ગઈ. આ મેચ માટે ટીમમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. આ મેચમાં ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલને ટીમની બહાર રાખવામાં આવ્યો હતો, હવે કેપ્ટન સૂર્ય કુમારે સ્વીકાર્યું કે અક્ષરને પ્લેઇંગ-11ની બહાર રાખવો એ તેમની 'ભૂલ' હતી.

અક્ષર ગુસ્સે ભરાયો હતો:
એક ઈન્ટરવ્યુંમાં સૂર્યકુમાર યાદવે ખુલાસો કર્યો કે પ્લેઇંગ-11ની બહાર રાખવામાં આવતા અક્ષર ખૂબ જ નારાજ હતો. સૂર્યકુમારે જણાવ્યું કે તેણે મેચ પછી અક્ષરને મળીને વ્યક્તિગત રીતે માફી માંગી હતી. 
સૂર્યકુમારે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું, "અક્ષર પટેલ ખૂબ ગુસ્સામાં હતો, તેનો ગુસ્સો વ્યાજબી હતો. તે એક અનુભવી ખેલાડી છે, તે ફ્રેન્ચાઇઝીનો કેપ્ટન છે. મેં તેની માફી માંગી હતી, મેં તેને કહ્યું કે મેં ભૂલ કરી છે, અને મને માફ કર. વાત કરવી ખુબ મુશ્કેલ હતી, પણ અમે બીજા દિવસે વાત કરી." 

અક્ષરનું મહત્વપૂર્ણ યોગદાન:
ઈજાને કારણે અક્ષર પટેલ નેધરલેન્ડ્સ સામે ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ રમી શક્યો ન હતો, ત્યાર બાદ સુપર-8 સ્ટેજમાં દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં અક્ષરને બદલે વોશિંગ્ટન સુંદરને સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, વોશિંગ્ટન સુંદર માત્ર 11 રન જ બનાવી શક્યો અને એક પણ વિકેટ ન લઇ શક્યો.

ન્યુઝીલેન્ડ સામેની ફાઈનલ મેચમાં એક્સરે મહત્વપૂર્ણ ત્રણ વિકેટ લીધી હતી, જો કે તેને બેટિંગ કરવાની તક મળી ન હતી. ઇંગ્લેન્ડ સામેની સેમિફાઇનલમાં મેચ તેણે 2 મહત્વપૂર્ણ કેચ પકડ્યા હતાં.