Mon May 18 2026

Logo

સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરોનું હાઈટેક નેટવર્ક પકડાયું: ખનીજ માફિયાઓના 42  ‘ખબરીઓ’ ઝડપાયા!

2026-05-17 18:27:11
Author: Devayat Khatana
Article Image

સુરેન્દ્રનગર: અહીંના જિલ્લા અને અન્ય જિલ્લામાં ગેરકાયદે ખાણ ખનીજ પ્રવૃતિઓ માટે સતત ચર્ચામાં રહે છે. ચોટીલા, મુળી, થાન, સુરેન્દ્રનગર તેમ જ સાયલા તાલુકામાં ગેરકાયદે ખાણ ખનીજ પ્રવૃતિઓ ધમધમતી હોવાના અનેક મીડિયા અહેવાલો બહાર આવી ચૂક્યા હતા. જોકે પાક્કી બાતમીને આધારે દરોડો પાડવા ગયેલી પોલીસને નિષ્ફળતા મળી હતી. 

આ અંગે તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે અમુક લોકો પોલીસ દરોડો પાડવા જાય તેની જાણ અમુક ખબરીઓ ખનીજ માફિયાઓને કરી દેતા હતા. આ અંગે પોલીસે 42 ખબરીઓને ઝડપી લીધા હતા. 

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ ચલાવતા ખનીજ માફિયાઓ સામે પોલીસે એક મોટી અને અભૂતપૂર્વ કાર્યવાહી હાથ ધરી છે. ખાણ માફિયાઓ દ્વારા પોલીસની રેડ અને ટીમના લોકેશનને ટ્રેક કરવા માટે ખાસ 'વોટ્સએપ ગ્રૂપ્સ'નો ઉપયોગ કરવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો છે. 

સુરેન્દ્રનગર ડિવિઝનના એએસપી (ASP) વેદિકા બિહાનીએ આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, જ્યારે પણ પોલીસ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનન પર દરોડા પાડવામાં આવતા, ત્યારે ઘણીવાર ઓપરેશન નિષ્ફળ જતું હતું. તપાસ દરમિયાન સામે આવ્યું કે માફિયાઓ પોલીસનું લાઈવ લોકેશન આવા ગ્રૂપમાં શેર કરીને એકબીજાને એલર્ટ કરી દેતા હતા.

આ હાઈટેક નેટવર્કને તોડી પાડવા માટે પોલીસે સપાટો બોલાવીને આવા ગ્રૂપમાં સક્રિય અને બાતમી લીક કરવામાં સામેલ કુલ 42 લોકોને ઝડપી પાડ્યા છે. પકડાયેલા તમામ શખ્સોને પોલીસ સ્ટેશને લાવીને કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે. 

એએસપી વેદિકા બિહાનીએ ઉમેર્યું હતું કે, આ તમામ લોકોને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે અને જો તેઓ ભવિષ્યમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ રહેશે અથવા પોલીસની કામગીરીમાં અવરોધ ઊભો કરશે, તો તેમની સામે કાયદાકીય રીતે અત્યંત કડક અને શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.