Thu Jul 23 2026

Logo

સુરતમાં કૂતરાએ બચકું ભરી માસૂમનો માંસનો લોચો કાઢી નાખ્યો

2026-05-20 14:11:00
Author: Mayur Patel
Article Image

સુરતઃ ગઈકાલે સર્વોચ્ચ અદાલતે હડકાયેલા સહિત જોખમી કૂતરાને શાંતિપૂર્વક મારી નાખવા મંગળવારે મંજૂરી આપી હતી. આ દરમિયાન શહેરમાં કૂતરાનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ દરમિયાન કૂતરાએ બચકું ભરી માસૂમનો માંસનો લોચો કાઢી નાખ્યો હતો.

શું છે મામલો

સુરત નજીક પીપોદરા ખાતે આવેલી એક ફેકટરીમાં મજૂરી કામ કરતા એક યુવકનો અઢી વર્ષનો દીકરો  ફેક્ટરીની અંદર રૂમ પાસે રમતો હતો. તે વખતે એક હડકાયા કૂતરાએ હુમલો કરી દીધો હતો. કૂતરાએ બાળકના ગાલે એટલું ભયાનક બચકું ભર્યું હતું કે ત્યાંથી માસૂમનો માંસનો લોચો  નીકળી ગયો હતો.  

ઘટના બનતાની સાથે જ આસપાસના લોકો અને પરિવારજનો દોડી આવ્યા અને બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. બાળકના ચહેરા પર ગંભીર ઈજા થતાં પરિવારજનોમાં ભય અને ચિંતા છવાઈ ગઈ હતી.  જે કૂતરાએ હુમલો કર્યો તે હડકાયું હોવાની શંકા છે, જેના કારણે પરિવાર વધુ ભયમાં મુકાયો હતો.

સૂત્રો મુજબ, આ વર્ષે શહેરમાં ડોગ બાઈટના જાન્યુઆરીમાં 1148 કેસ, ફેબ્રુઆરીમાં 974 કેસ, માર્ચમાં 1136 કેસ, એપ્રિલમાં 1026 કેસ અને ચાલુ મહિને અત્યાર સુધીમાં 570થી વધુ કેસ નોંધાયા છે. આ પહેલા લિંબાયત વિસ્તારનો વીડિયો વાયરલ થયો હતો. અચાનક જ 3થી 4 હિંસક શ્વાન ભસતા-ભસતા ધસી આવ્યા હતા અને રમી રહેલા બાળકો પર હિચકારો હુમલો કર્યો હતો. કૂતરાઓને પોતાની તરફ આવતા જોઈ બાળકો જીવ બચાવવા ભાગ્યા હતા, પરંતુ એક હિંસક શ્વાન દોડીને આવ્યો હતો એક બાળકનો હાથ પકડી લીધો હતો.