રહાણે અને રઘુવંશીની કમાલથી કોલકાતા વિજયીઃ સુનિલ નારાયણે રચ્યો ઈતિહાસ
હૈદરાબાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આજની મહત્ત્વની મેચ હૈદરાબાદ (SRH) અને કોલકાતા (KKR) વચ્ચે રમાઈ હતી, જેમાં સતત પાંચ મેચ જીતનારા હૈદરાબાદને હોમગ્રાઉન્ડ પર કોલકાતાએ સાત વિકેટથી હરાવ્યું છે. સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની આઈપીએલની 45 મેચમાં રમાઈ, જેમાં હૈદરાબાદે કોલકાતાને જીતવા 166 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેમાં કોલકાતાએ 19 ઓવરમાં ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો હતો, જ્યારે કોલકાતાએ જીતને હિટ્રેક નોંધાવી છે. પહેલી છ મેચમાં એક પણ મેચ નહીં જીતનારા કોલકાતાએ દમદાર વાપસી કરી છે.
166 રનના સાધારણ સ્કોર અચીવ કરવા આવેલી કોલકાતાની ટીમે ફિન એલનની 49 રનના સ્કોરે વિકેટ ગુમાવી હતી, પરંતુ કેપ્ટન અંજિક્ય રહાણે અને અંગકૃષ રઘુવંશીએ મજબૂત ભાગીદારીથી ટીમને જીત ભણી લઈ ગયા હતા. છેલ્લી ઓવરમાં કેપ્ટન રહાણે હાફ સેન્ચુરી કરી શક્યો નહોતો, પણ મેચ જીતાડવા માટે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. રહાણેએ 36 બોલમાં 43 રન અને અંગકૃષ રઘુવંશીએ 47 બોલમાં 59 રન બનાવ્યા હતા, પરંતુ બંનેએ પંદરમી અને 16મી ઓવરમાં વિકેટ આપી હતી. રિંકુ સિંહ અને કેમરુન ગ્રીનની ભાગીદારીમાં કોલકાતાને હૈદરાબાદ સામે જીતાડ્યું હતું. રિંકુ સિંહે 11 બોલમાં 22 રન અને ગ્રીને ત્રણ બોલમાં ત્રણ રન બનાવીને ટીમને જીતાડી હતી. 10 બોલ બાકી હતા તેમ જ સાત વિકેટથી જીત મેળવી હતી.

ટોસ જીતીને બેટિંગ કરનારી હૈદરાબાદની ટીમ 19 ઓવરમાં 165 રને સમેટાઈ ગઈ હતી, જેમાં ટ્રેવિસ હેડે 61 રન સૌથી વધુ બનાવ્યા હતા, જ્યારે અભિષેક શર્મા પણ દરેક વખતના માફક સસ્તામાં વિકેટ આપી હતી. 10 બોલમાં 15 રન બનાવનારા અભિષેક શર્માએ એક ચોગ્ગો અને એક સિક્સર ફટકારી હતી. ટ્રેવિસ હેડે 28 બોલમાં 61 રન બનાવ્યા હતા, જેમાં નવ ચોગ્ગા અને ત્રણ સિક્સરનો સમાવેશ હતો.
કાર્તિક ત્યાગીએ અભિષેક અને વરુણ ચક્રવર્તીએ ટ્રેવિસ હેડને આઉટ કર્યાં હતા. ટ્રેવિસ હેડ અને ઈશાન કિશનની 61 રનની ભાગીદારી નોંધાવી હતી, જ્યારે ઈશાન કિશન પણ હાફ સેન્ચુરી ચૂક્યો હતો. બે ચોગ્ગા અને બે સિક્સરની મદદથી ઈશાન કિશને 42 રન બનાવ્યા હતા, પરંતુ એના પછી તબક્કાવાર વિકેટ ગુમાવતા હૈદરાબાદ મજબૂત સ્કોર બનાવવામાં નિષ્ફળ રહ્યું હતું.

200 વિકેટ ઝડપનાર પ્રથમ વિદેશી બોલર
કોલકાતાની જીતમાં સુનિલ નારાયણના નવા રેકોર્ડે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આઈપીએલના સૌથી વધુ પ્રભાવશાળી ખેલાડી પૈકી સુનિલ નારાયણે સલિલ અરોરાને આઉટ કરીને નવો વિક્રમ નોંધાવ્યો હતો. આઈપીએલમાં 200 વિકેટ લેનારા પહેલો વિદેશી ખેલાડી બન્યો હતો. કુલ મળીને આ લીગમાં 200 વિકેટ લેનાર ત્રીજો બોલર બન્યો છે. આ અગાઉ યુઝવેન્દ્ર ચહલ (228) અને ભુવનેશ્વર કુમારે 215 વિકેટ ઝડપી છે, ત્યાર પછી હૈદરાદાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં નારાયણે નવો વિક્રમ બનાવ્યો છે. અત્યાર સુધીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ આઠ મેચમાંથી બે મેચ જીતીને આઠમા ક્રમે રહ્યું છે, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ 12 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે.