Fri Sep 04 2026

Logo

સુખનો પાસવર્ડ -કેવા લોકો સાથે જિંદગીનો અમૂલ્ય સમય વિતાવવો છે એ આપણે નક્કી કરવાનું...

2026-08-09 09:08:00
Author: Aashu Patel
સુખનો પાસવર્ડ -કેવા લોકો સાથે જિંદગીનો અમૂલ્ય સમય વિતાવવો છે એ આપણે નક્કી કરવાનું...

 

 

 

આશુ પટેલ

 

થોડા દિવસો અગાઉ એક યુવાન વાચકને મળવાનું થયું. તેનો ચહેરો ઊતરી ગયેલો હતો અને તે એકદમ વ્યથિત જણાતો હતો. એટલે મેં પૂછ્યું, ‘શું થયું?’

 

તેણે કહ્યું, ‘વાત જવા દો. આ દુનિયા બહુ જ ખરાબ છે. આ દુનિયામાં હવે કોઈ સારું રહ્યું જ નથી. મારા એક ફેસબુક ફ્રેન્ડે મારા વિરુદ્ધ ઘણું બધું લખ્યું. અમારે ઘરે આવવા-જવાનો સંબંધ થઈ ગયો હતો અને અમે બહુ સારા મિત્રો બની ગયા હતા, પણ તેણે મારી પીઠમાં ખંજર ભોંકી દીધું. હવે મને કોઈના પર ભરોસો જ નથી રહ્યો.’

 

મેં તેને કહ્યું, ‘ફેસબુક પર તો આવું બધું ચાલતું રહેતું હોય છે. અને જિંદગીમાં કેવા મિત્રો રાખવા એ આપણા હાથની વાત હોય છે. એવી રીતે ફેસબુકમાં કેવા ફ્રેન્ડ્સ રાખવા એ પણ આપણા જ હાથની વાત હોય છે. એટલે મિત્રોની પસંદગી ખોટી કરી હોય તો એમાં વાંક પહેલાં તો આપણો જ ગણાય.’

 

તેણે કહ્યું કે ‘મારા મિત્રએ પોસ્ટ મૂકી પછી બીજા ઘણા બધા ફેસબુક પર ફ્રેન્ડ બન્યા હોય, જેમની સાથે સારી ઓળખાણ થઈ ગઈ હોય કે દોસ્ત બની ગયા હોય એવા લોકોએ પણ એમાં બહુ ખરાબ કમેન્ટ કરી. અને ત્રણ-ચાર જણા તો એવા હતા કે જેમને મેં ભૂતકાળમાં મદદ કરી હતી. તેમણે પણ મારા ફેસબુક ફ્રેન્ડે મારા વિરુદ્ધ પોસ્ટ મૂકી એમાં સૂરમાં સૂર ભેળવીને મારા વિરુદ્ધ ગંદી કમેન્ટ્સ કરી.’

 

મેં તેને કહ્યું કે ‘જિંદગીમાં ક્યારેય વ્યક્તિગત રીતે મિત્ર બન્યા હોય કે સહાધ્યાયી હોય અને મિત્રો બન્યા હોય અને તમે ફેસબુક અકાઉન્ટ ખોલ્યું હોય એની પહેલાં મિત્રો બન્યા હોય અને એ મિત્રો સાથે ક્યારેય ઝઘડો થયો કે અણબનાવ થયો હોય તો એવું ક્યારેય તારી સાથે બન્યું છે?’

 

‘હા, એવું તો બનતું જ રહે છે. આ દુનિયા જ એવી છે. આજના સમયમાં કોઈના પર ભરોસો મુકાય એવું રહ્યું નથી.’ તેણે ફરી પોતાની હૈયાવરાળ ઠાલવવાનું શરૂ કર્યું.

 

મેં તેને પૂછ્યું કે ‘તો એ વખતે કોઈ વાસ્તવિક મિત્ર સાથે સંબંધ બંધાયો હોય અને અણબનાવ થયો હોય એવી સ્થિતિ ઊભી થઈ હોય ત્યારે તેં શું કર્યું હતું?’

 

‘એવા એક નકામા મિત્ર સાથે મેં સંબંધ તોડી નાખ્યો હતો અને બીજા એક મિત્ર સાથે જીવનભર અબોલા લઈ લીધા હતા.’

 

‘તો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર પણ તું એવું કરી જ શકે ને! ફેસબુક પર એને બ્લૉક કરી દે. ફેસબુક કે કોઈ પણ સોશ્યલ મીડિયા પર આપણે જેવા માણસો શોધીએ એવા માણસો આપણને મળે. તને એવા મિત્રો જોઈતા હતા તો એવા મિત્રો મળ્યા. અને જે ખટપટી હોય, જે દુષ્ટ પ્રકૃતિનો હોય કે જેને પંચાતમાં રસ હોય, એવા મિત્રો સાથે ફેસબુક પર પણ ફ્રેન્ડશિપ શા માટે કરવી જોઈએ? તું કહે છે કે તેણે ભૂતકાળમાં બીજા લોકો વિરુદ્ધ લખ્યું હતું એ વખતે તને નહોતું સમજાયું કે આ માણસ કાલે તારા વિરુદ્ધ પણ લખી શકે!’

 

પછી મેં તેને સમજાવ્યું કે ‘ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર કોઈ પણ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર આપણે જે પ્રકારનું ક્ધટેન્ટ વધુ જોતા હોઈએ એવા જ પ્રકારનું વધુ ક્ધટેન્ટ આપણી સામે આવતું હોય છે. આપણને એમ લાગે કે ત્યાં મોટાભાગનું ક્ધટેન્ટ આ પ્રકારનું જ આવતું હશે. આપણે ગીતો સાંભળવાનું પસંદ કરતા હોઈએ તો અપણને ગીતો જ વધુ જોવા મળશે. આપણે કોઈ સ્ટૅન્ડ અપ કૉમેડિયનનું ક્ધટેન્ટ જોવાનું પસંદ કરતા હોઈએ તો આપણને સ્ટૅન્ડઅપ કૉમેડિયનની રીલ્સ સતત જોવા મળશે. આપણે સ્પિરિચ્યુઅલ ક્ધટેન્ટ સતત જોતા હોઈએ તો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એવું જ બતાવશે. એટલે આપણે જે પસંદ કરતા હોઈએ એવું ક્ધટેન્ટ સોશ્યલ મીડિયા આપણી સામે મૂકતું રહે છે. 

 

એવી રીતે જિંદગીમાં પણ આપણી જે પસંદગી હોય એ પ્રકારના માણસો તમને મળતા રહેશે અથવા એ પ્રકારનો માહોલ આપણને મળતો રહે છે. ટૂંકમાં આપણે જે દિશામાં આગળ જઈએ એ દિશામાં આગળ વધતા હોઈએ છીએ.’

 

તેણે કહ્યું કે ‘એ તો તમને ક્યારેય માણસોના કડવા અનુભવો થયા નથી એટલે સલાહ આપી શકો. બાકી તમને મારા જેવો અનુભવ થાય તો ખબર પડે!’

 

‘મને પણ સોશ્યલ મીડિયા પર અનેક માણસોના કડવા અનુભવો થયા છે, પણ પછી હું એ લોકો સાથે અંતર કરી નાખું છું. એ લોકોને મારી જિંદગીમાં ચંચુપાત કરવાનો અધિકાર આપતો નથી’ મેં કહ્યું.

 

તેણે કહ્યું, ‘એ તો કોઈ તમારા વિરુદ્ધ સોશ્યલ મીડિયા પર લખશે તો તમને સમજાશે.’

 

મેં કહ્યું, ‘મારા વિરુદ્ધ અનેકવાર અનેક માણસો સોશ્યલ મીડિયા પર લખી ચૂક્યા છે. પહેલાં મને પણ ગુસ્સો આવતો. એક-બે વખત મેં જવાબ આપ્યા, કાનૂની કાર્યવાહીની ધમકી આપી, પણ પછી સમજાયું કે સાવ એટલે સાવ સરળ વાત એ છે કે કોઈની સાથે જિંદગીમાં આવા અનુભવો થાય તો તેમનાથી અંતર કરી નાખવાનું. મને પણ એવા ઘણા નકારાત્મક માણસો મળ્યા છે, પણ મેં તેમને સોશ્યલ મીડિયામાં જ નહીં, જિંદગીમાં પણ તેમને બ્લૉક કરી દીધા છે. એટલે આપણે કેવું જીવવું એ આપણે નક્કી કરી છીએ. આપણે કેવા લોકો સાથે સંબંધ રાખવો છે એ પણ આપણે નક્કી કરી શકીએ. એ પછી સોશ્યલ મીડિયા હોય કે વાસ્તવિક જિંદગી હોય.’

 

જિંદગીમાં આપણને મળે એ બધા જ માણસો સારા હોય એવું નથી અને બધા જ માણસો ખરાબ હોય એવું પણ નથી. દુનિયામાં દરેક પ્રકારના માણસો હોય છે. એમાંથી આપણે કેવા પ્રકારના માણસો સાથે જિંદગીનો અમૂલ્ય સમય વિતાવવો છે એ આપણે નક્કી કરવાનું.’

 

‘પણ આ રીતે કશી લેવાદેવા વિના આપણને કોઈ સોશ્યલ મીડિયા પર વિવાદમાં ઘસડે, આપણા વિરુદ્ધ લખે ત્યારે શું કરવું?’ એણે પૂછયું.

 

મેં કહ્યું, ‘એ વખતે શાંત થઈ જવું. કશી પ્રતિક્રિયા ન આપવી.’

 

તેણે કહ્યું, ‘હું કોઈ સંત નથી.’

 

‘તું ભલે સંત નથી, પણ કોઈ તારા પર કીચડ ઉછાળે ત્યારે તું તેની સામે કીચડ ઉછાળવા માટે કીચડ હાથમાં લેશે તો તારા હાથ કીચડવાળા થશે. સામેવાળાએ કીચડ ઉછાળ્યો એમાં તું કશું ન કરી શકે પણ તારે તેની સામે ઉછાળવા માટે કીચડ હાથમાં ન લેવો હોય તો એ તારા હાથની વાત છે’ મેં એને જવાબ આપ્યો.

 

આપણે કેવા પ્રકારના માણસો સાથે જિંદગીનો અમૂલ્ય સમય વિતાવવો છે એ આપણે નક્કી કરવાનું. બાકી એવા લોકો સાથે બાખડીને, ઝ ઘડીને જિંદગીનો અમૂલ્ય સમય બરબાદ કરવો એ મૂર્ખાઈ સિવાય કશું જ નથી.