- કીર્તિશેખર
જ્યારે કોઈ ફિલ્મનું ભાવનાત્મક દૃશ્ય આપણને રડાવી દે છે, કોઈ ક્રિકેટ મૅચનો માહોલ રોમાંચ પેદા કરી દે છે, કોઈ ધાર્મિક આયોજનમાં મંત્રોચ્ચાર મનને સ્પર્શી જાય છે અથવા કોઈ મોટા કૉન્સર્ટમાં હજારો લોકો એકસાથે ઊભા થઈને ઝૂમવા લાગે છે, શું તમને ખબર છે, ત્યારે આ બધાની પાછળ કોણ હોય છે? જી હા, તે કલાકારો જે ધ્વનિને સાચું સ્વરૂપ આપવામાં નિષ્ણાત હોય છે એટલે કે સાઉન્ડ એન્જિનિયર. વાસ્તવમાં સાઉન્ડ એન્જિનિયરિંગ આજની તારીખમાં કરિયરના એક ચમકતા ક્ષેત્ર તરીકે ઊભરી આવ્યું છે. જોકે સાઉન્ડ એન્જિનિયરિંગનું આપણા સમાજમાં હંમેશાંથી એક મહત્ત્વપૂર્ણ સ્થાન રહ્યું છે, પરંતુ આજકાલ ઓટીટી પ્લૅટફૉર્મ, યુટ્યુબ, પોડકાસ્ટ, મ્યુઝિક ઇન્ડસ્ટ્રી, ધાર્મિક આયોજનો, કૉર્પોરેટ ઇવેન્ટ્સ, સ્પોટર્સ લીગ અને લાઇવ કૉન્સર્ટ જેવાં આયોજનો ઝડપથી વધી રહ્યાં છે. જેના કારણે પ્રશિક્ષિત સાઉન્ડ એન્જિનિયરો અને લાઇવ ઑડિયો નિષ્ણાતોની માગ પણ ખૂબ ઝડપથી વધી રહી છે.
તેથી જ આજે સાઉન્ડ એન્જિનિયરિંગનું કરિયર અત્યંત ‘સાઉન્ડ’ એટલે કે મજબૂત બની ગયું છે.
સાઉન્ડ એન્જિનિયરિંગ શું છે?
સામાન્ય ભાષામાં કહીએ તો ધ્વનિને રેકૉર્ડ કરવો અથવા વહી રહેલા ધ્વનિને નિયંત્રિત કરવો અથવા અતિશય ઘોંઘાટ વચ્ચે કોઈ ચોક્કસ ધ્વનિને સ્પષ્ટ કરવો, કોઈ એક ધ્વનિમાં બીજો ધ્વનિ મિક્સ કરવો અને તેને શ્રોતાઓ સુધી સર્વોત્તમ સ્વરૂપે પહોંચાડવો, આ બધી પ્રવૃત્તિઓ જ સાઉન્ડ એન્જિનિયરિંગ છે. પરંતુ એક સાઉન્ડ એન્જિનિયરે આના માટે ઘણું બધું ભણવું અને સમજવું પડે છે. જેમ કે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે, માઇક્રોફોન કેવી રીતે કામ કરે છે, રેકૉર્ડિંગ કેવી રીતે કરવામાં આવે છે, કોઈ વાતચીત કે ગીત-સંગીતમાં રહેલા વધારાના અવાજને કેવી રીતે દૂર કરવામાં આવે છે, તેમજ મોટાં આયોજનોમાં હજારો લોકો સુધી ધ્વનિ કેવી રીતે પહોંચાડવામાં આવે છે. આ બધી બાબતોને જાણવી અને તેના વિશે અભ્યાસ કરવો એ જ સાઉન્ડ એન્જિનિયરિંગ છે.
આજે આ ક્ષેત્રમાં રેકૉર્ડિંગ, ફિલ્મ સાઉન્ડ, ગેમ ઑડિયો, પૉડકાસ્ટ, રેડિયો, મ્યુઝિક પ્રોડક્શન અને લાઇવ ઇવેન્ટ ટેક્નૉલૉજી જેવી શાખાઓ વિકસી ચૂકી છે અને ભવિષ્યમાં પણ આ ક્ષેત્રમાં ઘણી નવી શાખાઓ વિકસવાની સંભાવના છે, તેમજ સાઉન્ડ એન્જિનિયરોની માગ સતત વધતી રહેશે તેવી પણ પૂરેપૂરી આશા છે.
આ ક્ષેત્રમાં રહેલી કરિયરની તકો
આ ક્ષેત્રમાં કરિયરના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે અને આજકાલ તે બધાની જ ખૂબ માગ છે, કારણ કે આ ક્ષેત્રનું દરેક કરિયર પોતાનામાં સંપૂર્ણ છે. આ ક્ષેત્રના કોઈ એક વ્યક્તિનું સ્થાન બીજી વ્યક્તિ સરળતાથી લઈ શકતી નથી. હાલના દિવસોમાં સાઉન્ડ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં જે મુખ્ય કરિયર ઉપલબ્ધ છે, તે આ પ્રમાણે છે:
* રેકૉર્ડિંગ એન્જિનિયર : આ લોકો સ્ટુડિયોમાં ગાયકો અને કલાકારોના અવાજને રેકૉર્ડ કરવાનું કામ કરે છે.
* મિક્સિંગ એન્જિનિયર : આ લોકો અલગ-અલગ ધ્વનિ વચ્ચે સંતુલન જાળવીને તેને અંતિમ સ્વરૂપ આપે છે.
* માસ્ટરિંગ એન્જિનિયર : સંગીત અથવા ઑડિયોની આખરી ક્વૉલિટી આ લોકો જ તૈયાર કરે છે.
* લાઇવ સાઉન્ડ એન્જિનિયર : કૉન્સર્ટ અને મોટાં આયોજનોની ધ્વનિ વ્યવસ્થા આ લોકો જ સંભાળે છે.
* ફિલ્મ સાઉન્ડ ડિઝાઇનર: આ એવા લોકો હોય છે જે ફિલ્મો અને વેબ સિરીઝ માટે સાઉન્ડ ઇફેક્ટ્સ તૈયાર કરે છે. આજકાલ તેમની માગ ખૂબ જ વધારે છે.
* ફોલી આર્ટિસ્ટ : આ એવા કલાકારો હોય છે જે અલગ-અલગ દૃશ્યો માટે જરૂરી આર્ટિફિશ્યલ સાઉન્ડ ઇફેક્ટ્સ બનાવે છે.
*પૉડકાસ્ટ અને બ્રૉડકાસ્ટ ઑડિયો એક્સપર્ટ: આ લોકો રેડિયો અને ડિજિટલ ઑડિયો પ્લૅટફૉર્મ માટે કામ કરે છે અને કોઈ પણ અવાજને સાંભળવા લાયક બનાવવામાં પોતાનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે.
આ ક્ષેત્ર માટે જરૂરી અભ્યાસ
સૌથી સારી વાત એ છે કે સાઉન્ડ એન્જિનિયર બનવા માટે જરૂરી નથી કે તમે પ્રોફેશનલ એન્જિનિયરિંગનો જ અભ્યાસ કરો. 12મું ધોરણ પાસ કર્યા પછી કોઈ પણ સ્ટ્રીમનો વિદ્યાર્થી સાઉન્ડ એન્જિનિયરિંગ સંબંધિત અભ્યાસ કરી શકે છે. આ ક્ષેત્રમાં આગળ વધવા માટેના મુખ્ય અભ્યાસક્રમો આ મુજબ છે:
* બી.એસસી. સાઉન્ડ એન્જિનિયરિંગ
* ડિપ્લોમા ઇન સાઉન્ડ એન્જિનિયરિંગ
* સર્ટિફિકેટ ઇન સાઉન્ડ રેકૉર્ડિંગ
* ઑડિયો એન્જિનિયરિંગ ઍન્ડ મ્યુઝિક પ્રોડક્શન
* પીજી ડિપ્લોમા ઇન સાઉન્ડ રેકૉર્ડિંગ ઍન્ડ ડિઝાઇન જ્યાં સુધી આ ક્ષેત્રનો અભ્યાસ કરવા માટેની મહત્ત્વપૂર્ણ સંસ્થાઓની વાત છે તો તે કંઈક આ પ્રમાણે છે:
* ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા
* સત્યજિત રે ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ
* સીમેડૂ સ્કૂલ ઑફ પ્રો-એક્સપ્રેશનિઝમ
* કેએમ મ્યુઝિક ક્ધઝર્વેટરી
આ અલગ-અલગ સંસ્થાઓ છે જ્યાંથી સાઉન્ડ એન્જિનિયરિંગ, ડિઝાઇનિંગ અને તેને આર્ટિસ્ટિક બનાવવાની કામગીરીમાં નિપુણતા મેળવી શકાય છે.
જ્યાં સુધી આ સંસ્થાઓમાં ઍડ્મિશનનો સવાલ છે, તો મોટાભાગની જગ્યાઓ પર 12મું ધોરણ પાસ કર્યા પછી સરળતાથી ઍડ્મિશન મળી જાય છે. કેટલીક જગ્યાઓ પર એન્ટ્રન્સ એક્ઝામ હોય છે અને અમુક જગ્યાઓ પર એન્ટ્રન્સ એક્ઝામ પછી પણ ઇન્ટરવ્યૂ કે ઑડિશન લેવામાં આવે છે.
શૈક્ષણિક લાયકાત સિવાયની અન્ય યોગ્યતાઓ
આ ક્ષેત્રમાં આગળ વધવા માટે શૈક્ષણિક લાયકાત ઉપરાંત કેટલીક અન્ય યોગ્યતાઓની પણ જરૂર પડે છે. જેમ કે:
સંગીત અને ધ્વનિમાં રસ હોવો. એ જરૂરી નથી કે તમે પોતે સંગીતકાર જ હોવ, પરંતુ જો તમે આ ક્ષેત્રમાં આવવા માગો છો તો શરત એ છે કે અવાજ પ્રત્યે તમારામાં સંવેદનશીલતા હોવી જોઈએ. તમારામાં સારા અને ખરાબ અવાજને પારખવાની ક્ષમતા હોવી જોઈએ. આ ક્ષેત્રમાં આવવા માટે બીજી જરૂરી યોગ્યતા એ છે કે તમને સાઉન્ડ ટેક્નૉલૉજી પ્રત્યે લગાવ હોવો જોઈએ. સૉફ્ટવેર, રેકૉર્ડિંગ સિસ્ટમ અને સાધનોની સમજ હોવી પણ એટલી જ જરૂરી છે.
સાથે તમારામાં ધીરજ હોવી પણ ખૂબ જ જરૂરી છે. ઘણી વખત એક નાનકડા રેકૉર્ડિંગને પરફેક્ટ બનાવવા માટે કલાકોના કલાકો નીકળી જાય છે. આવા સમયે આ કામમાં લાગતા સમય માટે તમારી અંદર ધીરજ હોવી અનિવાર્ય છે. આ ક્ષેત્રમાં આવનારા લોકોમાં સાંભળવા પ્રત્યે પ્રેમ હોવો જરૂરી છે, એટલે કે તમારા કાન વસ્તુઓને સાંભળવામાં રસ લેતા હોવા જોઈએ. તો જ તમે સાઉન્ડ એન્જિનિયરિંગની બારીકાઈઓ અને સારા-નરસા ધ્વનિની ઓળખ કરી શકશો. અંતમાં, અન્ય દરેક ક્ષેત્રની જેમ આ ક્ષેત્રમાં પણ ટીમ વર્ક પ્રત્યે સન્માન હોવું જરૂરી છે, કારણ કે સાઉન્ડ એન્જિનિયરિંગનું કામ એકલા હાથે કરી શકાય તેવું નથી હોતું. આમાં ઘણા લોકો સાથે મળીને કૉન્સર્ટ અને મીડિયા પ્રોજેક્ટ્સને પૂરા કરવાના હોય છે.
નોકરી ક્યાં મળે છે?
સાઉન્ડ એન્જિનિયરો અને સાઉન્ડ આર્ટિસ્ટો માટે મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી કંપનીઓ નોકરી આપે છે. જેમ કેટી-સિરીઝ, ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝિસ, સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા, ઑલ ઇન્ડિયા રેડિયો, પ્રસાર ભારતી, નેટફ્લિક્સ અને પ્રાઇમ વીડિયો જેવા ઓટીટી તેમજ ડિજિટલ પ્રોડક્શન હાઉસમાં નોકરી મળે છે. આ ઉપરાંત લાઇવ શો અને મોટાં આયોજનોમાં પણ આ કલાકારોની સતત માગ રહે છે. આજકાલ ગેમિંગ અને ઍનિમેશન ઉદ્યોગમાં પણ સાઉન્ડ ડિઝાઇનિંગની માગ ખૂબ ઝડપથી વધી છે, તેથી અહીં પણ પુષ્કળ તકો ઉપલબ્ધ છે.
કમાણીની વાત કરીએ તો આ ક્ષેત્રમાં શરૂઆતમાં સામાન્ય રીતે વાર્ષિક 3થી 5 લાખ રૂપિયા સુધીની કમાણી થાય છે. આગળ જતાં અનુભવ અને નિપુણતાના આધારે આ કમાણી વાર્ષિક 20થી લઈને 35-40 લાખ રૂપિયા સુધી પણ થઈ શકે છે. અને હા, આ ક્ષેત્રના નિષ્ણાતો પોતાનું વ્યક્તિગત કામ પણ શરૂ કરી શકે છે. જેમ કે પોતાનો રેકૉર્ડિંગ સ્ટુડિયો ખોલી શકે છે, પૉડકાસ્ટ પ્રોડક્શન હાઉસ શરૂ કરી શકે છે, લાઇવ સાઉન્ડ સર્વિસ પૂરી પાડી શકે છે, યુટ્યુબ ઑડિયો પ્રોડક્શન કંપની તેમજ મ્યુઝિક પ્રોડક્શન સ્ટુડિયોની પણ આજકાલ ભારે માગ છે. આમ, આ ક્ષેત્ર માત્ર ઝડપથી વિકસતું ક્ષેત્ર જ નથી, સાથે તેના પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની એટલી અસર નહીં પડે જેટલી અન્ય બીજાં ક્ષેત્રો પર પડી રહી છે.