Mon Sep 07 2026

Logo

ભાવનગરમાં લઠ્ઠો પીનારા શિક્ષક લોહીની ઉલટીઓ કરી કરીને તરફડીને મર્યા..........

2026-08-20 09:33:00
Author: Mayur Patel
ભાવનગરમાં લઠ્ઠો પીનારા શિક્ષક લોહીની ઉલટીઓ કરી કરીને તરફડીને મર્યા..........

ભાવનગરઃ ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે. આ દરમિયાન સામે આવેલી માહિતી પ્રમાણે, લઠ્ઠો પીનારા શિક્ષક લોહીની ઉલટીઓ કરી કરીને તરફડીનો મર્યો હતો. બુધવાર રાત્રે ભાવનગરના ગાંધી કોલોની સામે આવેલા એક એપાર્ટમેન્ટના બીજા માળેથી સોનગઢની સરકારી સ્કૂલના શિક્ષક હિતેશ પરમારની શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી. ઘરના રસોડામાં રોયલ સ્ટેગની અડધી ભરેલી બોટલ પણ મળી હતી. પોલીસ તપાસમાં સામે આવેલી વિગત પ્રમાણે, શિક્ષકના મોત બાદ જપ્ત કરવામાં આવેલી દારૂની બોટલમાં 38.59% મિથેનોલ અને માત્ર 0.94% ઇથેનોલ મળી આવ્યું હતું. 

ભાવનગર કલેકટરે શું કરી અપીલ

લઠ્ઠાકાંડ બાદ ભાવનગર કલેકટરે અપીલ કરી  કે, છેલ્લા 3-4 દિવસમાં રોયલ સ્ટેગ પીનારા લોકોએ જલદી નજીકની હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ .ઝેરી કેમિકલયુક્ત દારૂ પીવાના કારણે અનેક લોકોની તબિયત લથડી છે, જેમાં સત્તાવાર તેમજ શંકાસ્પદ મળીને કુલ 7 જેટલા લોકોના મોત નિપજ્યા  છે, જ્યારે 15થી વધુ લોકો હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

વરતેજના આંબલીયાવાડ વિસ્તારના રહેવાસી બુટલેગર ગૌતમ સોલંકી, રહીશ અને મુકેશ નામના શખ્સો દ્વારા આ નકલી/ઝેરી દારૂ બનાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.  તપાસ મુજબ ઉજ્જૈનથી લવાયેલી દારૂની બોટલોમાં કેમિકલ મિક્સ કરીને અંદાજે 250 જેટલી ઝેરી દારૂની બોટલો તૈયાર કરવામાં આવી હતી. પોલીસે 130 બોટલ જપ્ત કરી છે, જ્યારે બાકીની 120 બોટલો હજુ કબજે કરવાની બાકી હોવાથી તે કોના કોના સુધી પહોંચી છે તેની તપાસ તેજ કરવામાં આવી છે.

આ કેસ માત્ર સ્થાનિક સ્તરે પૂરતો મર્યાદિત છે કે તેની પાછળ વધુ મોટું નેટવર્ક કાર્યરત છે, તે જાણવા માટે પોલીસે તપાસનો વ્યાપ વધાર્યો છે. આગામી થોડા દિવસોમાં આ કેસમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે.