સુરતઃ ઉત્તરપ્રદેશનના જોનપુરની કુખ્યાત શોલે ગેંગનો મુખ્ય સૂત્રધાર શોલેસિંગને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બે પિસ્તોલ અને છ જીવતા કારતુસ સાથે ખટોદરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. બોલિવૂડની ક્લાસિક ફિલ્મ શોલેથી પ્રભાવિત થઈને પોતાની એક અલગ સ્ટાઈલ બનાવી હતી અને સોશિયલ મીડિયાનો ઉપયોગ પોતાની એક ડરામણી છબિ ઊભી કરવા માટે કરતો હતો.
પકડાયેલા આરોપી સામે ખંડણી અને હત્યાના પ્રયાસના 5 જેટલા ગુનાઓ ઉત્તરપ્રદેશમાં નોંધાયા છે. ગેંગ વેપારીઓ પર ફાયરિંગ કરી તેનો વીડિયો વાયરલ કરી ધાક ઊભી કરતી હતી. પોલીસે શોલેસિંગ માટે રૂ. 1.50 લાખનું ઇનામ જાહેર કર્યું હતું.
કઈ રીતે ઝડપાયો?
બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ઉત્તરપ્રદેશના જોનપુર જિલ્લામાં આતંક મચાવનાર કુખ્યાત શોલે ગેંગનો મુખ્ય સૂત્રધાર આનંદસિંગ ઉર્ફે શોલેસિંગ ઉર્ફે સચિનસિંગ અશોકસિંગ (ઉવ.26) ખટોદરા ગોકુલનગરની બાજુમાં આવેલા બાયોડ્રાઇવસિટી પાર્ક પાસે આવ્યો હોવાની સુરત ક્રાઈમ બ્રાંચની બાતમી મળી હતી.
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં બાયોડાઈવર્સિટીના ગેટ નં.1 પાસે આવેલા આનંદસિંગને પોલીસે ઝડપી પાડી તેની અંગ જડતી લેતા તેની પાસેથી બે દેશી બનાવટની પિસ્તોલ અને છ જીવતા કારતુસ મળી આવ્યા હતા.
પૂછપરછમાં થયો આ ખુલાસો
પોલીસે આ હથિયાર કબજે લઈને આનંદસિંગની ધરુપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આનંદસિંગ ઉર્ફે શોલેસિંગને ઉત્તરપ્રદેશના જોનપુરમાં બાહુબલી બનાવાનો શોખ થયો હતો. એ જાણીતી હિન્દી ફિલ્મ 'શોલે'થી પ્રભાવિત હોવાથી તેણે શોલે નામની ગેંગ બનાવી હતી અને પોતાનું નામ શોલેસિંગ રાખી દીધું હતું. આ ગેંગના સાગરિતો જોનપુર, પ્રતાપગઢ, ભકસા, બદલાપુર વિસ્તારમાં વેપારીઓ પર કાયરિંગ કરીને ભય ઉભો કરતા હતા. બાદમાં ખંડણી માંગતા હતા.
ઉત્તરપ્રદેશ પોલીસની ભીંસ વધતા આનંદસિંહ ઉર્ફે શોલેસિંગ સુરત આવી જતો હતો અને ટેલરિંગ કે સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. છેલ્લા કેટલાક સમયથી આનંદસિંહ પલસાણા પરવેશ પાર્કમાં છુપાયો હતો. ઉત્તરપ્રદેશ પોલીસે આરોપી પર રૂ.1.50 લાખનું ઇનામ જાહેર કર્યું હતું.
ગેંગના કારનામા
. ઉત્તરપ્રદેશના આસપુર દેવસરામાં આનંદસિંગના મિત્ર નિતેશ તિવારી પર ત્યાંના કુખ્યાત સંદીપ ઉપાધ્યાયે ફાયરીંગ કરાવ્યું હતું. જેને બદલો લેવા આનંદસિંગે સાગરીતો સાથે સંદીપના ઘરે જઈ ફાયરિંગ કર્યું હતું.
. યુપીના બદલાપુર ખાતે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલ જોસેફ પાસે 1 કરોડની ખંડણી માંગી ફાયરિંગ કર્યું હતું.
. ડૉક્ટર પર 5 રાઉન્ડ ફાયરીંગ કરીને રૂ.50 લાખ માંગ્યા હતા.
. ખંડણીની માંગણી કરી સેન્ટ ઝેવિયર્સના પ્રિન્સિપાલ પર ફાયરિંગ કર્યું હતું.
. બક્સામાં બેંક મેનેજર પાસે 2 લાખની માંગણી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.