Wed Jun 17 2026

Logo

બળવાખોર શિવસેના (યુબીટી)ના છ નેતાઓના સમર્થનનો દાવો કરીને બિરલાને મળ્યા: સૂત્રો

2026-06-17 19:53:02
Author: Vipul Vaidya
Article Image

નવી દિલ્હી: શિવસેના (યુબીટી)ના બળવાખોર નેતાઓનું એક જૂથ બુધવારે લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળ્યું હોવાનું જાણવા મળ્યું છે, અને તેમણે લોકસભામાં પાર્ટીના નવમાંથી છ સાંસદોના સમર્થનનો દાવો કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

બંને પક્ષ તરફથી બેઠકમાં શું થયું તે અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી, પરંતુ ઉદ્ધવ ઠાકરેના વફાદાર અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે જણાવ્યું હતું કે પાર્ટીએ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ શાસક શિવસેનામાં સ્વિચ કરવાની યોજના ધરાવતા હોવાનું કોઈને મોઢે સાંભળ્યું નથી.

સેના (યુબીટી)ના તમામ સાંસદોને ત્રણ લાઇનનો વ્હીપ જારી કરવામાં આવ્યો છે, જેમાં તેમને ગુરુવારે તેના સંસદીય પક્ષની બેઠકમાં હાજરી આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
‘ગુરુવારની બેઠક પછી વસ્તુ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે,’ એમ રાઉતે પાર્ટીના લોકસભા સાંસદો અરવિંદ સાવંત અને અનિલ દેસાઈ સાથે બિરલાને પણ મળ્યા બાદ પત્રકારોને જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે, સાંસદોને બેઠકમાં રૂબરૂ હાજર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

રવિવારે, મુંબઈમાં ઠાકરે દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં શિવસેના (યુબીટી)ના પાંચ સાંસદો વર્ચ્યુઅલી જોડાયા હતા.બુધવારે, બિરલાને મળતા પહેલા રાઉતે સંબોધેલી પત્રકાર પરિષદમાં પણ શિવસેના (યુબીટી) સામેની કટોકટીનો ખુલાસો થયો હતો. સાવંત અને દેસાઈ ઉપરાંત, તેમની સાથે ફક્ત લોકસભાના સાંસદ રાજાભાઉ વાજે હાજર હતા. પક્ષના બાકીના છ સાંસદો ક્યાં છે તે જાણી શકાયું નહોતું.

શિવસેના (યુબીટી)ના લોકસભામાં નવ સાંસદો છે અને પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠરવાથી બચવા માટે ઓછામાં ઓછા છ સાંસદોએ પક્ષ બદલવો પડશે.
એવું પણ જાણવા મળ્યું છે કે 2022માં અવિભાજિત શિવસેનામાં ભાગલા પાડવાના મુખ્ય શિલ્પી શિંદે દિલ્હીમાં પડાવ નાખીને બેઠા છે, જેમને કારણે મહા વિકાસ આઘાડીની સરકાર પડી ભાંગી હતી. 

દરમિયાન, બિરલા સાથેની મુલાકાત બાદ, દેસાઈએ પત્રકારોને જણાવ્યું હતું કે તેઓએ સ્પીકરને એક રજૂઆત સુપરત કરી છે જેમાં તેમને કોઈપણ ગેરકાયદે પક્ષપલટા સામે રક્ષણ આપવા વિનંતી કરવામાં આવી છે.‘કાયદા હેઠળ, કોઈ પણ વ્યક્તિ બે તૃતીયાંશ સાંસદોનો ટેકો હોય તો પણ તે પક્ષમાં ભળી શકતું નથી. ફક્ત મૂળ પક્ષ જ જરૂરી બે તૃતીયાંશ સંખ્યાબળ હોય તો જ અન્ય પાર્ટીમાં મર્જ થઈ શકે છે,’ એમ તેમણે કહ્યું હતું.

‘વિવેકબુદ્ધિ સ્પીકરની છે. તેથી જો બે તૃતીયાંશ સમર્થન હોવાનો દાવો કરતું જૂથ બીજા પક્ષમાં ભળી જવાનો અભિગમ અપનાવે છે, તો તે જૂથને નિયમો હેઠળ માન્યતા આપી શકાતી નથી, કારણ કે જોગવાઈઓ હેઠળ ફક્ત મૂળ પક્ષ જ મર્જ થઈ શકે છે. છ સાંસદો હોવા છતાં, તેનાથી કોઈ ફરક પડતો નથી,’ એમ પણ દેસાઈએ ઉમેર્યું હતું. 

મહારાષ્ટ્રના કેટલાક સાંસદોને પક્ષ બદલવા માટે ‘50 કરોડ રૂપિયા’ની ઓફર કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરનારા સંજય રાઉતે આ બેઠક બાદ કહ્યું હતું કે બિરલાએ તેમને ખાતરી આપી હતી કે તેઓ કોઈપણ નિર્ણય લેતા પહેલા કાયદાના દરેક પાસાને ધ્યાનમાં લેશે.‘સ્પીકર એક આદરણીય વ્યક્તિ છે અને તેમણે અમને કહ્યું કે જો કોઈ તેમને મળવા આવશે તો તેઓ તમામ પાસાઓ ધ્યાનમાં લેશે,’ એમ તેમણે કહ્યું હતું.