Thu Oct 01 2026

Logo

ફેસબુક પોસ્ટને મુદ્દે યુવાનની મારપીટ: શિવસેનાની નગરસેવિકા વિરુદ્ધ ગુનો

2026-09-16 17:32:08
Author: Yogesh C. Patel
ફેસબુક પોસ્ટને મુદ્દે યુવાનની મારપીટ: શિવસેનાની નગરસેવિકા વિરુદ્ધ ગુનો

પાલઘર: ફેસબુક પોસ્ટમાં કરાયેલી ટિપ્પણીને મુદ્દે યુવાનની મારપીટ કરવામાં આવી હોવાની ઘટના નાલાસોપારામાં બનતાં પોલીસે શિવસેનાની નગરસેવિકા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
પોલીસે સામસામી ફરિયાદ નોંધીને યુવાન સહિત બેની ધરપકડ કરી હતી, જ્યારે વસઈ-વિરાર મહાનગરપાલિકાની નગરસેવિકા હેમલતા સિંહ અને અન્ય મુખ્ય શકમંદો ફરાર હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

નાલાસોપારાના વૉર્ડ નંબર-18ની પ્રતિનિધિ હેમલતા સિંહ વિરુદ્ધ તુલિંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. વિશ્ર્વકર્માએ ફેસબુક પરની એક પોસ્ટ પર ટિપ્પણી કરી હતી, જેને પગલે તેની મારપીટ કરવામાં આવી હતી.ફરિયાદમાં વિશ્ર્વકર્માએ જણાવ્યું હતું કે અર્જુન દુબે નામના માણસે તેને એક હોટેલમાં મળવા બોલાવ્યો હતો. વિશ્ર્વકર્મા હોટેલ પહોંચ્યો ત્યારે નગરસેવિકા હેમલતા તેના સાથી અમરીશ સાથે ત્યાં આવી હતી. ટિપ્પણી વિશે પૂછ્યા પછી ધક્કે ચઢાવીને વિશ્ર્વકર્માને લાફો મારવામાં આવ્યો હતો. પછી બામ્બુ વડે તેને ફટકારવામાં આવ્યો હોવાનું એફઆઈઆરમાં જણાવાયું હતું.

મારપીટ દરમિયાન વિશ્ર્વકર્માની સોનાની ચેન આંચકી લેવામાં આવી હતી અને તેનો મોબાઈલ ફોન પણ ચોરાયો હતો, એવો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.પોલીસે બન્ને પક્ષની ફરિયાદ બાદ ક્રોસ એફઆઈઆર નોંધ્યો હતો. વિશ્ર્વકર્મા અને નગરસેવિકાના સાથી મનીષ સિંહની ધરપકડ કરવામાં આવી હતી. જખમી ગોવિંદાઓની સારવારના બિલને મુદ્દે પાલઘરની હૉસ્પિટલના કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યાના ગણતરીના દિવસોમાં જ શિવસેનાના કાર્યકરો દ્વારા મારપીટની આ ઘટના બની હતી. પાંચમી સપ્ટેમ્બરની રાતે હૉસ્પિટલમાં હંગામો મચાવી મારપીટના આરોપસર શિવસેનાના પાલઘર શહેર પ્રમુખ રાહુલ ઘરાતની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં પોલીસે સેનાના વિધાનસભ્ય રાજેન્દ્ર ગાવિતના પુત્ર રોહિત સહિત 14 જણની ધરપકડ કરી હતી. (પીટીઆઈ)