Thu Jun 18 2026

Logo

હોર્મુઝ સ્ટ્રેટ પાસે જહાજ પર કેટલાક શખ્સોનો કબજો, ઈરાન બાજુ લઈ જતા ફરી ખળભળાટ

Tehran   2026-05-14 18:52:25
Author: Mumbai Samachar Team
Article Image

તેહરાનઃ બ્રિટનની સુમદ્રી સરક્ષા એજન્સી UKMTO (યુનાઈટેડ કિંગ્ડમ ઓફ મેરિટાઈમ ટ્રેડ ઑપરેશન)એ ગુરૂવારે એક મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. સંસ્થાએ જણાવ્યું હતું કે, સંયુક્ત આરબ અમીરાતના ફુજૈરા પોર્ટથી 38 નોટિકલ માઈલ દૂર ઉત્તર પૂર્વમાં એક ઘટના બની છે. એજન્સીના રિપોર્ટ અનુસાર લંગર નાખીને અટકાયેલા જહાજ પર કેટલાક શખ્સોએ કબજો કરી લીધો છે.આ જહાજને હવે ઈરાનના સમુદ્રી વિસ્તાર બાજુ લઈ જવામાં આવી રહ્યું છે. 

કોણે કબજો કર્યો એ સ્પષ્ટ નથી

જહાજનું નામ શું છે અને એમાં કેટલાક નાવિકો કે ક્રૂ સ્ટાફ છે એ અંગે હાલ કોઈ પ્રકારની જાણકારી સામે આવી નથી. હોર્મુઝ સ્ટ્રેટના સમુદ્રી વિસ્તારમાં આ ઘટના એવા સમય બની રહી છે, જ્યારે ભારતે કહ્યું હતું કે, ઓમાનના સમુદ્રી વિસ્તારમાં ભારતીય તિરંગાવાળા જહાજ પર હુમલો સ્વીકાર્ય નથી. રાહતની વાત એ છે કે, જહાજ પરના તમામ નાવિકો અને અન્ય ક્રૂ સ્ટાફ સલામત છે.

પોર્ટમાંથી વિગત એવી પણ મળી રહી છે કે, જે જહાજ પર શખ્સોએ કબજો કરી લીધો છે એ સંયુક્ત આરબ અમિરાતનું છે. આ કબજો કોણે કર્યો એ અંગે હજુ સુધી કોઈ પ્રકારનો ખુલાસો સામે આવ્યો નથી. ગુજરાતના કાર્ગો જહાજ હાજીઅલી પર હુમલો થયો અને એ જહાજ ડૂબી ગયું એ પછી આ ઘટના સામે આવી છે.

ગુજરાતના જહાજના સ્ટાફને બચાવાયા

ઓમાનના કોસ્ટ ગાર્ડે રેસ્ક્યૂ ઑપરેશન કરીને આ જહાજના સ્ટાફ તથા ક્રૂ મેમ્બર્સને બચાવી લીધા હતા. ભારતે આ ઘટનાની નોંધ લઈને ઓમાનનો આભાર વ્યક્ત કર્યો છે. જહાજ પર હુમલાને લઈને વિદેશ મંત્રાલયે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી છે. આ હુમલો કોના તરફથી કરવામાં આવ્યો એ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. ઓમાનના કોસ્ટગાર્ડે રેસ્ક્યૂ ઑપરેશન કરીને તમામ સ્ટાફને ડીબા પોર્ટ પર સુરક્ષિત ઊતારી દીધા હતા. બન્ને જહાજમાં એક સામાન્ય વાત એ સામે આવી રહી છે કે, ગુજરાતના જહાજ પર કોને હુમલો કર્યો એ સ્પષ્ટ નથી અને સંયુક્ત આરબ અમિરાતના જહાજ પર કોણે કબજો કર્યો એ સ્પષ્ટ થયું નથી. 

ચીનના જહાજ હોર્મુઝમાંથી પસાર

ચીનનું એક સુપરટેન્કર બુધવારે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ ગયું છે. જહાજને ટ્રેક કરતી એજન્સી લંડન સ્ટોક એક્સચેન્જ ગ્રૂપ અને કેપ્લરના આંકડાકીય રિપોર્ટ અનુસાર પસાર થનારા બે ટેન્કર બે મહિનાથી વધારે સમય સુધી ખાડી વિસ્તારમાં પડ્યા હતા. ઓમાનની ખાડી પાસે લંગર નાંખીને બે જહાજ પડ્યા હતા આ પછી મંજૂરી મળ્યા બાદ હોર્મુઝ સ્ટ્રેટમાંથી તે પસાર થયા હતા. આ બન્ને ટેન્કરમાં ઓઈલ હોવાનું જાણવા મળ્યું છે.

જે ચીન સુધી પહોંચશે. આ એ જ વિસ્તાર છે જ્યાં એક બાજુ અમેરિકાના સૈન્ય અને ઈરાનના ગાર્ડે નાકાબંધી યથાવત રાખી દીધી છે. ડૉનાલ્ડ ટ્રમ્પે ચીનની મુલાકાત કરી છે અને શી જિંગપિંગ સાથે સાથે બેઠક યોજી છે. આ માહોલ વચ્ચે ચીનના જહાજને હોર્મુઝમાંથી જવાની મંજૂરી મળી છે.