Mon May 25 2026

Logo

કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં ડીઝલની તીવ્ર અછત: પંપો પર વાહનોની લાંબી કતારો, ખેતી અને પરિવહન ઉદ્યોગ પ્રભાવિત

2026-05-25 12:40:00
Author: mumbai samachar team
Article Image

ભુજ: ટ્રાન્સ્પોટેશન વ્યવસાયનું હબ ગણાતા કચ્છ જિલ્લાના ગ્રામીણ પંથકોમાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની ભારે અછત સર્જાતાં પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક બની ગઈ છે. જિલ્લાના અનેક પેટ્રોલ પંપો પર ડીઝલ મેળવવા માટે વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતો, વાહનચાલકો અને સ્થાનિક ઉદ્યોગકારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

ખાસ કરીને સફેદ માટી (ક્લે)ના ઉત્ખનન માટે જાણીતા પદ્ધર, મમુઆરા, નાડાપા અને ડગાળા વિસ્તારમાં મોટી સંખ્યામાં લોડર, ડમ્પર અને ટ્રકો માલ પરિવહન સાથે સંકળાયેલા હોવાથી ડીઝલની માંગ ખૂબ ઊંચી રહે છે. ધાણેટીથી કનૈયાબે તેમજ ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર આવેલા પંપો પર સેંકડો વાહનોની કતારો લાગી રહી છે, જેને લીધે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ખોરવાઈ છે. 

ફેક્ટરી માલિકોના જણાવ્યા મુજબ, મંદીના માહોલ વચ્ચે ડીઝલની અછત લાંબી ચાલશે તો માલની સપ્લાય ખોરવાતાં ઉદ્યોગોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડશે. બીજી તરફ, કોટડા-ચકાર અને કુકમા પંથકમાં ખેડૂતો વહેલી સવારથી હાથમાં કેરબા લઈને પંપો પર લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે, જેનાથી ખેતીકામ પર માઠી અસર પડી રહી છે.

આ વિકટ સમસ્યા અંગે માધાપર પંચાયતના પૂર્વ સદસ્ય રૂપમ વરૂએ રાજ્ય સરકારને પત્ર લખીને રજૂઆત કરી છે કે, અછતની આ સમસ્યા વધુ વરવું સ્વરૂપ ધારણ કરે તે પહેલાં સરકાર ગંભીરતાથી તેનો કાયમી ઉકેલ લાવે. ભૌગોલિક દ્રષ્ટિએ મોટા એવા કચ્છ જિલ્લાને પેટ્રોલ-ડીઝલ જેવા ઊર્જા પુરવઠાની ફાળવણીમાં વિશેષ દરજ્જો આપવામાં આવે, જેથી અહીંના નાના-મોટા ઉદ્યોગો, ખેડૂતો અને સ્થાનિક નાગરિકોના રોજબરોજના જીવન તેમજ આર્થિક સ્થિતિ પર કોઈ પ્રતિકૂળ અસર ન પડે.

(ઉત્સવ વૈદ્ય)