Sat May 02 2026

Logo

શેરબજારમાં આગેકૂચની હેટ ટ્રીક: સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ એક ટકાનો ઉછાળો, મિડકેપ અને સ્મોલ કેપમાં સારી લેવાલી

2026-03-18 19:46:30
Author: Nilesh Wagela
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
શેરબજારમાં આગેકૂચનો સિલસિલો સતત ત્રીજા દિવસે લંબાયો હતો અને બુધવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ એક ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ક્રૂડ ઓઇલના ભાવમાં થોડો ઘટાડો અને વૈશ્ર્વિક શેરબજારોમાં મજબૂત વલણ વચ્ચે શેરબજારના બેન્ચમાર્ક ઇન્ડેક્સને નવું બળ મળ્યું હતું. આઇટી શેરોમાં તેજીને કારણે સ્થાનિક બજારોમાં પણ આશાવાદી વલણ જોવા મળ્યું હતું. દરમિયાન, ફોરેક્સ માર્કએટમાં રૂપિયાએ યુએસ ડોલર સામે તીવ્ર ઘટાડો નોંધાવ્યો છે, જે પ્રથમ વખત ૯૨.૫૦ના સ્તરને પાર કરીને ૯૨.૬૩ ના રેકોર્ડ નીચા સ્તરે બંધ થયો છે.

દિવસ દરમિયાન ૯૨૯.૩૮ પોઈન્ટ અથવા ૧.૨૨ ટકા વધીને ૭૭,૦૦૦.૨૨ પોઇન્ટની ઊંચી સપાટીને અથડાયા બાદ સત્રને અંતે સેન્સેક્સ ૬૩૩.૨૯ પોઈન્ટ અથવા ૦.૮૩ ટકા ઉછળીને ૭૬,૭૦૪.૧૩ પર સ્થિર થયો હતો. જ્યારે નિફટી ૧૯૬.૬૫ પોઇન્ટ અથવા તો ૦.૮૩ ટકાના વધારા સાથે ૨૩,૭૭૭.૮૦ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો. પાછલા ત્રણ સત્રમાં સેન્સેક્સ લગભગ ૨૭૦૦ પોઇન્ટ ઊછળ્યો છે.

નોંધવું રહ્યું કે, પાછલા સપ્તાહે, સેન્સેક્સ ૪,૩૫૪.૯૮ પોઈન્ટ અથવા ૫.૫૨ ટકા ઘટીને ૭૪,૫૬૩.૯૨ની સપાટી પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ૫૦ ૧,૨૯૯.૩૫ પોઈન્ટ અથવા ૫.૩૧ ટકા ઘટીને ૨૩,૧૫૧.૧૦ની સપાટી પર બંધ થયો હતો, જે તાજેતરના વર્ષોમાં સૌથી અત્યંત તીવ્ર સાપ્તાહિક ઘટાડામાંનો એક છે. પાછલા સપ્તાહના છેલ્લા ત્રણ જ સત્રમાં સેન્સેક્સમાં લગભગ ૩૭૦૦ પોઇન્ટથી વધુ ધોવાણ થયું હતું.

જિયો ફાઇનાન્શિયલ, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, ઇટરનલ, એમ એન્ડ એમના શેર નિફ્ટીમાં સૌથી વધુ વધનારા શેરોમાં સામેલ હતા, જ્યારે કોલ ઇન્ડિયા, એનટીપીસી, એચયુએલ, સિપ્લા અને સન ફાર્માનો નિફ્ટીના સૌથી વધુ ઘટનારા શેરોમાં સમાવેશ થતો હતો. વ્યાપક બજારોએ બેન્ચમાર્ક સૂચકાંકો કરતાં વધુ સારો દેખાવ કર્યો, જેમાં નિફ્ટી મિડકેપ ૧૦૦ અને નિફ્ટી સ્મોલકેપ ૧૦૦ શેરઆંક અનુક્રમે બે ટકા અને ૧.૬ ટકા વધ્યા હતા.

બુધવારે સતત ત્રીજા સત્રમાં બજારોમાં રિકવરીનો દોર ચાલુ રહ્યો, જેને સ્થિર વૈશ્ર્વિક સંકેતોનો ટેકો મળ્યો, જોકે અસ્થિરતા ચાલુ રહી. નિફ્ટી મજબૂત નોંધ પર ખુલ્યો અને મોટાભાગના સત્ર દરમિયાન હકારાત્મક વલણ જાળવી રાખ્યું; જોકે, અંતિમ કલાકોમાં પ્રોફિટ બુકિંગથી બજારે કેટલોક સુધારો ગુમાવ્યો હોવાને પરિણામે, ઇન્ડેક્સ ૨૩,૭૬૪ની નજીક સ્થિર થયો.

ક્ષેત્રીય ભાગીદારી મોટાભાગે હકારાત્મક રહી, જે વ્યાપક-આધારિત ખરીદી રસને પ્રતિબિંબિત કરે છે. આઇટી, રિયલ્ટી, ઓટો અને બેંકિંગ ટોચના લાભકર્તા તરીકે ઉભરી આવ્યા, જ્યારે મેટલ અને એફએમસીજી શેરો ધીમા પડ્યા. વ્યાપક બજારમાં, મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોએ બેન્ચમાર્ક કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું અને લગભગ બે ટકા જેવા સુધારો નોંધાવ્યો, જે જોખમ લેવાની ક્ષમતામાં વધારો દર્શાવે છે.

બુધવારના સત્રમાં આઇટી પેકમાં તીવ્ર રિકવરી એક મુખ્ય હાઇલાઇટ હતી અને આ તેણે સત્રની રિકવરીને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જો કે, લાંબા ગાળાના ભૂ-રાજકીય તણાવ, રૂપિયામાં નબળાઈ અને ક્રૂડ ઓઇલના ભાવમાં નવી અસ્થિરતાની શક્યતા બજારના સહભાગીઓમાં સાવચેતીનું માનસ જાળવી રાખશે.

સ્ટોક સ્પેસિફિક એકશનમાં, ક્વાર્ટર પછીની કમાણીમાં ક્લીન મેક્સ એન્વાયરો એનર્જી સોલ્યુશન્સના શેરમાં ત્રણ ટકાનો ઘટાડો થયો, એઆઇ સોફ્ટવેર ડિલિવરી પ્લેટફોર્મ કંપની સાથે સહયોગથી વિપ્રોના શેરમાં ૧.૫૦ ટકાનો વધારો થયો, એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા વધારાનો હિસ્સો ખરીદ્યા પછી અર્બન કંપનીના શેરમાં ૧૧ ટકાનો ઉછાળો આવ્યો, સ્વાન ડિફેન્સ અને હેવી ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ૫ાંચ ટકાનો ઘટાડો થયો કારણ કે પ્રમોટર ૫ાંચ ટકા સુધીનો હિસ્સો વેચી રહ્યા છે.

ભારત માટે રિવોટ્રિલ બ્રાન્ડ હસ્તગત કરવાથી મેનકાઇન્ડ ફાર્માના શેરમાં વધારો થયો, સ્વિટ્ઝર્લેન્ડના સેન્ડોઝ એજી સાથે કરાર કરવાથી સ્ટ્રાઇડ્સ ફાર્મા સાયન્સના શેરમાં વધારો થયો, મફતલાલ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ૧૧૪ કરોડ રૂપિયાનો પાંચ વર્ષનો ઓર્ડર મેળવવાથી વધારો થયો, કોર્પોરેટ પુનર્ગઠન દરખાસ્ત પર વિચાર કરવા માટે બોર્ડે થોમસ કૂકના શેરમાં વધારો થયો, બીઈએમએલના શેરમાં ૬૦ મિલિયન ડોલરનો વિદેશી મેટ્રો રોલિંગ સ્ટોક ઓર્ડર મેળવવાથી વધારો થયો.

ટેક્નિકલ એનાલિસ્ટે જણાવ્યું હતું કે સેન્ટિમેન્ટ પોઝિટિવ રહેવાની શક્યતા છે અને ૨૪,૨૫૦ તરફ વધવાની શક્યતા છે. જ્યારે, ૨૩૫૦૦ પર સપોર્ટ મૂકવામાં આવ્યો છે, જે ટૂંકા ગાળા માટે સપોર્ટ રહેવાની શક્યતા છે. ગુજરાત સ્ટેટ પેટ્રો, સિપ્લા, ટાટા કેમિકલ્સ, ગુજરાત ગેસ, હનીવેલ ઓટોમેશન, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હાઇજીન એન્ડ હેલ્થ કેર, સી. ઇ. ઇન્ફો સિસ્ટમ્સ (મેપમાય ઇન્ડિયા) સહિત ૨૦૦થી વધુ શેરો તેમના બાવન અઠવાડિયાના નીચલા સ્તરને સ્પર્શ્યા હતા.

ભારત માટે પોઝિટીવ ડેવલપમેન્ટમાં હોર્મુઝ સ્ટ્રેઇટથી બે ઓઇલ ક્ધટેનર ભારત આવી પહોંચ્યા છે અને એલપીજીના અન્ય બે જહાજ, શિવાલિક અને નંદાગીરી સ્ટ્રેઇટ ઓફ હોર્મુઝમાંથી હેમખેમ પસાર થઇ ગયા હોવાથી સેન્ટિમેન્ટમાં સુધારો હતો. ઇરાને ભારતના જહાજોને હોર્મુઝ સામુદ્રધુનીમાં પસાર થવાની પરવાનગી આપ્યા બદા હવે અમેરિકા અને ઇઝરાયલ સિવાયના તમામ દેશના ક્ધટેન્રને પસાર થવાની પરવાનગી જાહેર કરી છે.

જોકે, એ પણ નોંધવું રહ્યું કે ભારતના બાવીસેક જહાજ હજુ ત્યાં અટવાયેલા છે અને ઇરાને હવે ભારતીય જહાજોના સરળ પસાર થવા સામે ભારતે ફેબ્રુઆરીમાં કબજે કરેલા તેના ત્રણ જહાજોને મુક્ત કરવાની માગણી કરી છે.