Fri May 01 2026

Logo

કચ્છના ભચાઉ નજીક 2.9 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, અનેક ગામોમાં અસર

2026-05-01 15:34:38
Author: Chandrakant Kanoja
Article Image

ભચાઉ: ગુજરાતના ભૂકંપ ઝોન-છમાં સમાવાયેલા રણ અને સમુદ્ર ધરાવતા કચ્છના અશાંત પેટાળમાં નાના-મોટા ભૂકંપના આંચકાઓ આવતા જ રહે છે ત્યારે લાંબા બ્રેક બાદ શુક્રવારે બપોરે 12 વાગેની આસપાસ કચ્છના પેટાળમાં 2.9ની  તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેની આંશિક અસર કેન્દ્રબિંદુ આસપાસના ગામોમાં અનુભવાઈ હતી. સિસ્મોલોજીલકલ  કચેરી ગાંધીનગરથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ પૂર્વ કચ્છના ભચાઉથી 15 કિલોમીટર દૂર વોંધ ગામ નજીક કેન્દ્રબિંદુ ધરાવતો રિકટર સ્કેલ પર 2.9 તીવ્રતાનો આંચકો ઉદભવ્યો હતો. 

ધોળાવીરા સહિતના વિસ્તારોમાં વાગડ ફોલ્ટલાઇન સક્રિય

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભીય હિલચાલ ચિંતાજનક રીતે વધી રહી છે. કચ્છના રાપર, ભચાઉ અને ધોળાવીરા સહિતના વિસ્તારોમાં વાગડ ફોલ્ટલાઇન સક્રિય થઇ છે અને ભૂકંપના હળવાથી મધ્યમ તીવ્રતાના સેંકડો આંચકાઓ નોંધાઈ ચુક્યા છે. એશિયન પ્લેટોનોમિક ઝોનમાં સમાવિષ્ટ ઈરાન,પાકિસ્તાન, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સમાં પણ ધરતીકંપના આંચકાઓ સતત ધરતીને ધ્રુજાવી રહ્યા છે.

ભૂકંપ કેમ આવે છે ?

પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે. 

રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા નોંધાય છે 

રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે. રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ 1935માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો. 

( ઉત્સવ વૈધ)