Fri May 01 2026

Logo

પશ્ચિમ એશિયાની કટોકટી છતાં ફર્ટિલાઈઝરનું ઉત્પાદન સ્થિર સરકારે ખરીફ મોસમ માટે 37 લાખ ટન યુરિયા સલામત કર્યું

2026-05-01 19:24:06
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ હાલમાં પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય કટોકટી પ્રવર્તી રહી હોવા છતાં સ્થાનિકમાં ગત માર્ચ અને એપ્રિલ મહિનામાં સ્થાનિક સ્તરે યુરિયાનું ઉત્પાદન ગત સાલની સમકક્ષ 37.49 લાખ ટનની સપાટીએ રહ્યું છે, જ્યારે સરકારે આગામી ખરીફ મોસમની અપેક્ષિત માગને ધ્યાનમાં લેતા 37 લાખ ટન યુરિયાની આયાત પણ સલામત કરી હોવાનું તાજેતરમાં સરકારે જણાવ્યું છે.  
ગત માર્ચ એપ્રિલ મહિનામાં સ્થાનિકમાં ફર્ટિલાઈઝરનું ઉત્પાદન 62.37 લાખ ટનના સ્તરે રહ્યું હતું, જ્યારે આયાત 15.39 લાખ ટનની સપાટીએ રહી હતી. 

એકંદરે પશ્ચિમ એશિયાની કટોકટી પછી સ્થાનિક સ્તરે ફર્ટિલાઈઝરનું ઉત્પાદન અને આયાત મજબૂત રહેતાં કુલ ઉપલબ્ધિમાં 78 ટનનો ઉમેરો થયો છે, એમ ફર્ટિલાઈઝર મંત્રાલયના અતિરિક્ત સચિવ અપર્ણા એસ શર્માએ જણાવ્યું હતું. ભારતમાં યુરિયાનું ગત માર્ચ મહિનામાં ઉત્પાદન 16.49 લાખ ટન અને એપ્રિલમાં 21 લાખ ટનનું ઉત્પાદન થતાં કુલ 37.49 લાખ ટન ઉત્પાદન થયું છે જે ગત સાલની સમકક્ષની સપાટીએ રહ્યું હોવાનું શર્માએ જણાવતાં ઉમેર્યું હતું કે શેષ ઘટતી માગ આયાતથી સરભર થશે. અમે વૈશ્વિક ટેન્ડર બહાર પાડીને 37 લાખ ટન યુરિયા સલામત કર્યું છે. 

વધુમાં ગત માર્ચ-એપ્રિલ મહિનામાં સ્થાનિકમાં ડાઈ-એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી)નું ઉત્પાદન 4.79 લાખ ટન, નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટૅશિયમ (એનપીકે) નું ઉત્પાદન 12.69 લાખ ટન અને સિંગલ સુપર ફોસ્ફેટ (એસએસપી)નું ઉત્પાદન 7.40 લાખ ટનના સ્તરે રહ્યું હતું. આ ઉપરાંત સરકારે 19 લાખ ટન ફોસ્ફેરિક ફર્ટિલાઈઝર માટે પણ વૈશ્વિક ટેન્ડર બહાર પાડ્યું છે. તેમ જ તમામ સ્તરેથી ફર્ટિલાઈઝરના કાચા માલની ઉપલબ્ધિની સમીક્ષા કરવામાં આવી રહી છે. આમ એકંદરે ફર્ટિલાઈઝરની ઉપલબ્ધિ મજબૂત રહેશે અને આવશ્યકતા કરતાં પુરવઠો વધુ રહેશે, એમ તેમણે ઉમેર્યું હતું. 

સરકાર દ્વારા સંચાલિત સુધારિત આયોજન, અદ્યતન સ્ટોકિંગ અને કાર્યક્ષમ લૉજિસ્ટિકને ટેકે રાજ્યોમાં પુરવઠા સ્થિતિ મજબૂત રહી હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે વર્ષ 2026ની ખરીફ મોસમમાં અંદાજે 390.45 લાખ ટન ફર્ટિલાઈઝરની આવશ્યકતા સામે હાલમાં અંદાજે 50 ટકા સ્ટોક 193.38 લાખ ટનનો સ્ટોક છે. તેમ જ યુરિયાની ઉપલબ્ધિ 73.81 લાખ ટનની, ડીએપીની ઉપલબ્ધિ 23.47 લાખ ટનની રહી છે. નોંધનીય બાબત એ છે કે ફર્ટિલાઈઝરના મહત્તમ છૂટક ભાવમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો, એમ તેમણે ઉમેર્યું હતું.